અપૂર્વ પટેલ કૌભાંડ કેસ:9 સ્કિમ થકી 200 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની શંકા, મોટા પ્રોક્સી લોન સ્કેમની વિગતો સાથે ભોગ બનેલી મહિલાની PMOમાં ફરિયાદ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અપૂર્વ પટેલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અપૂર્વ પટેલ - ફાઇલ તસવીર
  • અેક જ મિલકત 2 લોકોને વેચી, બારોબાર લોન પણ લીધી : વધુ તપાસ કરવા માગણી

મહાઠગ બિલ્ડર અપૂર્વ પટેલ દ્વારા છેતરપિંડી કર્યાનો મામલો વડાપ્રધાન કાર્યાલયમાં પહોંચ્યો છે. એક નવા પ્રકારના પ્રોક્સી કૌભાંડમાં સિદ્ધિ વિનાયક ડેવલપરે 9 જેટલી સ્કીમ મૂકી 200 કરોડની ઠગાઇ કરી હોવાની લેખિત રજૂઆતમાં મોડસ ઓપરેન્ડીની વિગતો સાથે પીએમઓમાં રજૂઆત થઇ છે. જેમાં કૌભાંડ 200 કરોડનું હોવાના આક્ષેપ સાથે તપાસ કરી ન્યાયની માંગણી ઠગાઇનો ભોગ બનેલી મહિલાએ કરી છે.

29 જૂનથી સિદ્ધિવિનાયક ડેવલપર અપૂર્વ પટેલ અને તેની પત્ની ભૈરવી પટેલ સામે સીઆઇડી ક્રાઈમમાં મોરબીના દીલાવરસિંહે એક જ મકાન બે જુદા જુદા લોકો ને વેચ્યાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ભોગ બનેલા અનેક બહાર આવ્યા હતા. જેમની સંખ્યા 150 ઉપરાંતની થઈ હતી. બાદમાં પોલીસ મથકોમાં ફરિયાદો શરૂ થઈ હતી.

પીએમઓમાં રિદ્ધિ મકવાણાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું કે સિદ્ધિ વિનાયકના અપૂર્વ પટેલે મેપલ એવન્યું, મેપલ ગ્રીન્સ, મેપલ મીડોઝ, મેપલ વિલા, મેપલ વિસ્ટા, મેપલ મુદ્રા, મેપલ સિગ્નેચર, મેપલ સિગ્નેચર 1, શ્રીમ શાલિની જેવા 9 કોમર્શિયલ-રેસીડેન્સીયલ પ્રોજેક્ટ મૂક્યા હતા જેની એ સમયે કિંમત 150 કરોડ હતી જે હાલ 200 કરોડ છે.

એ પૈકી 70 ટકા લોકોને એક વાર વેચાયેલી મિલકતો ઉપર બિલ્ડરે અગાઉ લોન લોન લઈ લીધી હોઇ અથવા બીજાને પણ વેચેલી હોય એવી મિલકતો હોવાનુ બહાર આવ્યું હોવાથી આને નવા પ્રકારનું પ્રોક્સી કૌભાંડ હોવાનુ જણાવ્યું છે. એક વાર લોન લીધા બાદ એ મિલકત બજારભાવ કરતા સસ્તામાં વેચતો હોવાથી લાલચમાં આવી ખરીદદારો સાથે મોટા પાયે છેતરપીંડી કરાતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ કૌભાંડને કારણે મિલકતોનો સાચો માલિક કોણ એ નક્કી કરવાનું પોલીસ માટે મુશ્કેલ બનશે અને સામાન્યથી મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો રૂપિયા ખર્ચ્યા બાદ પણ મકાન, દુકાન કે ફ્લેટ વિનાના રહેશે એવી પરિસ્થિતિ થઈ છે. આ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપી ન્યાયની માંગ કરવામાં આવી છે.

એસઆઇટી દ્વારા તપાસનો ધમધમાટ
ઠગ બિલ્ડર અપૂર્વ પટેલને પાદરા નગર ઉપપ્રમુખ પદેથી હાંકી કાઢ્યા બાદ પોલીસને તપાસ કરવાનો છુટો દોર મળી ગયો છે. એસઆઇટી પાસે આવેલી 23 જેટલી ફરિયાદો બાદ પોલીસની ટીમે પાદરા ખાતે આવેલા અપૂર્વના પેટ્રોલ પંપ ખાતે જઈને તેના ભાઈની પૂછપરછ કરી નિવેદન લીધું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જોકે અપૂર્વને પોલીસ હજી સુધી શોધી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...