નિર્ણય:MSUમાં ફી નહિ ભરી શકનાર ત્રણ હજાર વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોમર્સ ફેકલ્ટી બાદ તમામ ફેકલ્ટી માટે યુનિવર્સિટી સત્તાધીશોનો નિર્ણય
  • ફેકલ્ટી દ્વારા બાદમાં તારીખો જાહેર કરાય ત્યારે ફી ભરવાની રહેશે : કોમર્સના 1200 જેટલા વિદ્યાર્થી ફી ભરી શક્યા નથી

એમ.એસ.યુનિ.ની કોમર્સની જેમ તમામ ફેકલ્ટીઓમાં ફી નહિ ભરી શકનાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવાનો યુનિવર્સિટી સત્તાધીશોનો નિર્ણય કરાયો છે. તમામ ફેકલ્ટીઓમાં 3 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ સમયસર ફી ભરી શકયા નથી.

કોમર્સની એફવાય બીકોમની મીડ સેમેસ્ટર પરીક્ષાઓમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ ફી ભરી શકયા ના હતા. આ વિદ્યાર્થીઓને માનવતાવાદી વલણ અપનાવીને પરીક્ષા આપવા દેવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરાયો છે. જે પ્રકારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કોઇ ને કોઇ કારણસર ફી નથી ભરી શકયા તે પ્રકારે અન્ય ફેકલ્ટીના પણ ઘણા વિદ્યાર્થીઓ ફી ભરી શકયા નથી.

આવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષાથી વંચિત ના રહે તે માટે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને ફી નહિ ભરી શકવાના કારણે કોઇ પણ વિદ્યાર્થીને પરીક્ષાથી વંચિત ના રહે તે માટે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં અંદાજીત 3 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ ફી ભરવાથી વંચિત રહી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જે તમામને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. જોકે વિદ્યાર્થીઓએ જયારે પણ ફીની તારીખો ફેકલ્ટી દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે ફી ભરવી પડશે.

આજથી FYBComના 7800 છાત્રોની ઓનલાઇન પરીક્ષા
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની સોમવાર 31 મી મેના રોજ એફ.વાય.બી.કોમ ની પરીક્ષા શરૂ થશે. 7800 વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપશે. ફી નહિ ભરી શકનાર 1200 વિદ્યાર્થીઓને પણ લોગઇન આઇડી પાસવર્ડ મોકલાયા છે. પ્રથમ વર્ષમાં 7800 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાંથી 1200 જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી ના હતી. માનવતાવાદી અભિગમ અપનાવીને તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવા માટેની યુનિ.એ મંજૂરી આપી છે. જેના પગલે 31 મી થી શરૂ થતી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ફી નથી ભરી શકયા તે તમામ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે.

15મી જૂન સુધીમાં હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટે નિર્દેશ
યુનિવર્સિટીમાં સમયસર શૈક્ષણિક સત્ર શરૂ કરવા માટેની તૈયારીઓ કરાઈ છે. ગત વર્ષે કોરોનાના કારણે સત્ર સમયસર શરૂ થઇ શકયું ના હતું. જોકે ચાલુ વર્ષે સત્ર જૂન-જુલાઇમાં જ શરૂ કરી દેવાની કવાયત હાથ ધરાઇ છે. 15 મી જુન સુધીમાં તમામ ફેકલ્ટીઓમાં હંગામી શિક્ષકોની ભરતી કરી દેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...