વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:ગોત્રીમાં દારૂ પી ત્રણ નબીરાએ કારનો અકસ્માત સર્જ્યો, સાયકલ ચાલકને રસ્તામાં રોકી ચપ્પુનો ઘા મારી 16 હજાર રૂપિયાની લૂંટ

વડોદરાએક મહિનો પહેલા
દારૂના નશામાં નબીરાઓની કાર ખાડામાં ખાબકી.

શહેરના ગોત્રી વિસ્તારમાં ગત મોડી રાત્રે દારૂના નશામાં ત્રણ યુવકો કાર લઇને નિકળ્યા હતા અને નટુભાઇ સર્કલ પાસે ચીરાયુ અમીનના બંગલા સામે ખોદકામ કરેલ ખાડામાં તેમની કાર ખાબકી હતી. જે અંગે પોલીસ કંટ્રોલને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય યુવકોને બ્રીથ એનલાઇઝરથી ચેક કરતા દારૂના નશામાં જણાયા હતા.

ત્રણેયની ઓળખ થઇ
આ યુવકોની ઓળખ પાવન જીગરકુમાર પટેલ (રહે. સાકાર સ્પેલન્ડોરા, સમા-સાવલી રોડ, વેમાલી, વડોદરા), ભૌમિક જયંતીલાલ પ્રજાપતિ (રહે. એમ.આઇ.જી. ફ્લેટ, છાણી, વડોદરા) અને સંદિપ રાજેન્દ્ર કુંભાર (રહે. મહર્ષિ શોપિંગ સેન્ટર, ફાયર સ્ટેશન પાસે, છાણી ટીપી-13) તરીકે થઇ છે. પોલીસે ત્રણયે યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતગ્રસ્ત કારમાં બિયરના ટીમ પણ હતા.

ગોત્રીમાં અકસ્માતગ્રસ્ત કારમાં બિયરના ટીન.
ગોત્રીમાં અકસ્માતગ્રસ્ત કારમાં બિયરના ટીન.

વડોદરામાં સાયકલ ચાલકને રસ્તામાં રોકી ચપ્પુનો ઘા મારી 16 હજાર રૂપિયાની લૂંટ
શહેરના ગોત્રી વિસ્તારમાં એક ટુ-વ્હિલર ચાલકે સાયકલ સવારને રસ્તા વચ્ચે રોકી તેના ચપ્પુના ઘા મારી પર્સમાંથી 16 હજારની લૂંટ ચલાવ્યાની ચકચારી ઘટના બની છે. આ મામલે પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથધરી છે અને આરોપીને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે.

લૂંટારુએ કહ્યું મારા પૈસા પડી ગયા છે ચેક કરવા દો
વડોદરાના સયાજીંગજ વિસ્તારમાં આવેલ હૈદરભાઇની ચાલીમાં રહેતા અને મજૂરી કામ કરતા છોટેલાલ રામલખન ગુપ્તા બપોરના સમયે સાયકલ લઇને નિકળ્યા હતા. દરમિયાન તેઓ સાઇબાબા મંદિર રોડ પર થઇ દિનેશમીલ થઇ ઉર્મી ચાર રસ્તા તરફ જતાં હતા ત્યારે ગોખલે બાગ સોસાયટીના આગળના ભાગે એક વ્યક્તિ એક્ટિવા લઇને આવ્યો હતો. એક્ટિવા ચાલકે છોટેલાલ ગુપ્તાને રોકીને કહ્યું કે તેનું પર્સ પડી ગયું છે તમારી પાસે છે, મને ચેક કરવા દો.

રૂપિયા ખિસ્સામાંથી કાઢી લઇ ચપ્પુ માર્યું
જ્યાર બાદ એક્ટિવા ચાલકે છોટેલાલ ગુપ્તાના પેન્ટ ખિસ્સા હાથ નાખી 16 હજારૂ રૂપિયા કાઢી લીધા હતા.જેથી છોટેલાલે તેનો વિરોધ કરતા એક્ટિવા ચાલકે છોટેલાલને પટ પર જમણી બાજુ ચપ્પુનો ઘા મારી દીધો હતો.જેથી છોટેલાલે ચોર-ચોરની બુમો પાડતા એક્ટિવા ચાલક ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત છોટેલાલે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હુમલા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રનો જણાવ્યા અનુસાર લૂંટ કરનાર આરોપીને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે.

હરણીમાં યુવતીનું અપહરણ
શહેરના હરણી વિસ્તારમાં રહેતી યુવતી ગત રાત્રે પરિવાર સાથે સૂતી હતી. દરમિયાન વહેલી સવારે સાડા પાંચ વાગ્યે યુવતી ઘરમાં ન હતી. તે તેની સાથે મોબાઇલ ફોન પણ લઇ ગઇ છે. જેથી પરિવારજનોએ યુવતી ઘરેથી ક્યાંક ચાલી ગઇ હોય અથવા તેનું કોઇએ અપહરણ કર્યું હોવાની શંકા રાખી હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઓ.પી. રોડ પર ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી
શહેરના ઓ.પી.રોડ પર આવેલ અનુપમનગરમાં રહેતા પાર્થ નવીનભાઇ વિરડીયા ગત 22 ઓક્ટબરના રોજ ઘરને તાળું મારી વતન જુનાગઢમાં દિવાળી વેકેશન કરવામા માટે ગયા હતા. દરમિયાન 2 નવેમ્બરના રોજ તેમના પડોશીએ ફોન કરી જાણ કરી હતી કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને તાળુ નીચે પડેલું છે. તેમજ ઘરનો સામાન વેર વિખેર પડેલો છે. જેથી પાર્થ વિરડીયા જૂનાગઢથી વડોદરા આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે દાગીના અને રોકડ સહિત 77 હજારની ચોરી થઇ છે. આ મામલે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદનો નોંધાઇ છે.

બાપોદમાં દારૂના નશામાં યુવક ચપ્પુ લઇને મારવા દોડ્યો
શહેરના બાપોદ વિસ્તારના ચાચા નહેરુ નગરમાં રહેતા મીનાબેન ગોદડિયા ઘરે હતા ત્યારે મોડી રાત્રે સાડા અગિયાર આસપાસ એકતાનગર આજવા રોજ ખાતે રહેતો સલમાન સલીમ પઠાણ દારૂ પીને આવ્યો હતો. સલમાન મીનાબેનની રિક્ષા ભાડે રાખી ચલાવતો તેઓ તેને ત્રણ વર્ષથી ઓળખે છે. જો કે સલમાન નશામાં હતો અને તેણે મીનાબેન પાસે તેમની પોલો કાર ચલાવવા માટે માંગ હતી. જેથી મીનાબેને સલમાનને કાર આપવાથી ઇનકાર કરી દીધો હતો. તે સમયે સલમાન ચાલ્યો ગયો અને રાત્રે પાછો આવી મીનાબેનની દીકરી પાસે આવી ઉંઘી ગયો હતો જેથી મીનાબેન જાગી ગયા હતા અને સલમાનને ઉઠાડ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા સલમાને મને કાર કેમ આપતા નથી કહી અપશબ્દો કહ્યા તેમજ ચપ્પુ લઇને મારવા દોડ્યો હતો. જો કે આજુબાજુના લોકો પણ આ બબાલને કારણે જાગી જતાં સલમાન તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો.