વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:હરણીમાં દારૂ પીધેલા ત્રણની કાર પલટી, નિવૃત્ત પ્રોફેસર સાથે ઓનલાઇન ઠગાઇ, નેપાળી સગીરાને મુક્ત કરાવાઇ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં હરણી વિસ્તારમાં કાર પલટી જતાં ઘટનાસ્થળે પહોંચેલ પોલીસને કારમાં સવાર ત્રણ યુવકો દારૂ પીધેલા મળી આવ્યા હતા. જ્યારે એમ.એસ.યુનિવર્સિટીના નિવૃત્ત મહિલા પ્રોફેસરને ક્રેડિટ કાર્ડ બંધ થઇ જશે તેવું કહી ઓનલાઇન ઠગાઇનો શિકાર બન્યાની ફરિયાદ નોંધાઇ છે. બીજી તરફ પોલીસે નેપાળથી ભગાડી વડોદરા લાવેલ સગીરાને પોલીસે મુક્ત કરાવી છે.

દારૂ પીધેલા ત્રણની કાર પલટી
શહેરના હરણી વિસ્તારમાં દેણા ચોકડી પાસે કાર નંબર GJ 11 AB 1998 ડિવાઇડર સાથે અથડાઇને પલટી ગઇ હોવાની પોલીસને માહિતી મળી હતી. જેને આધારે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચતા કારમાંથી બહાર નિકળી ત્રણ યુવક બહાર ઉભા હતા. જેઓ દારૂના નશાની હાલતમાં હતા. જેથી પોલીસે ત્રણયેલ યુવક જૈમીન અજયભાઇ કડકીયા (રહે. માણેલાલ સોસાયટી, કારેલીબાગ), બીરાજ આશિષકુમાર રાય (રહે. માણેકલાલ સોસાયટી, કારેલીબાગ) અને અમિત અશોકભાઇ વિર (રહે. સયાજીનગર સોસાયટી, કારેલીબાગ) સામે ગુનો દાખલ કરી કાયેદસરની કાર્યવાહી હાથધરી છે.

સયાજીગંજમાં નિવૃત પ્રોફેસર સાથે ઓનલાઇન ઠગાઇ
શહેરના સયાજીગંજ વિસ્તારમાં રહેતા અને એમ.એસ.યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા મહિલા પ્રોફેસર શશીકાંતા ટુટેજાએ બેંક ઓફ ઇન્ડિયાનું ક્રેડિટ કાર્ડ લીધું હતું. દરમિયાન ગત 23 જૂનના રોજ તેમના મોબાઇલ પર રાહુલ શર્મા નામના અજાણ્યા યુવકે ફોન કર્યો હતો કે તમારુ ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવું પડશે નહીં તો બેલેન્સ ઝીરો થઇ જશે. જેથી વૃદ્ઘા પાસેથી ઓનલાઇન ઠગે કાર્ડનો સીવીવી નંબર તેમજ એનીડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી 10 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. વૃદ્ઘા ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યા હોવાનું જણાતા તેઓએ આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે નેપાળી સગીરાને મુક્ત કરાવી
વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને શહેર કંટ્રોલરૂમ તરફથી માહિતી અપાઇ હતી કે નેપાળની એક સગીરાને અપહરણ કરી વડોદરામાં ગોંધી રખાઇ છે. જેની તપાસ માટે નવી દિલ્હીની ટામ વડોદરા આવી છે. જેથી આજે સવારે ચાઇલ્ડ લાઇન બરોડા સિટિઝન કાઉન્સિલની ટીમને સાથે રાખી મકરપુરા નેશનલ હાઇવે લેજન્ડ હોટલની આવેલ પુષ્પમ હાઇટ્સ-2માંથી 14 વર્ષની સગીરાને રેસ્ક્યુ કરવામાં આવી હતી. સાથે આ સગીરને નેપાળથી અપહરણ કરી લઇ આવનાર શેષનાથકુમાર હરીશંકરપ્રસાદ કલવાર ગુપ્તા (રહે. જ્જર, પૂર્વી ચંપારણ, બિહાર)ને મકરપુરા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.