વધુ એક નવી આફત:વડોદરામાં મ્યુકોરમાઇકોસિસ બાદ વ્હાઇટ ફંગસના ત્રણ કેસ, ‘એસ્પરજીલોસિસ’ના ત્રણેય દર્દીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા, હાલત સ્થિર

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્હાઇટ ફંગસની તસવીર. - Divya Bhaskar
વ્હાઇટ ફંગસની તસવીર.
  • મ્યુકોરમાઇકોસિસના વધુ 19 કેસ, 3 દર્દીનાં મોત, 24 કલાકમાં 45 સર્જરી
  • સયાજી હોસ્પિટલમાં દાખલ વ્હાઇટ ફંગસના ત્રણેય દર્દીની હાલત સુધારા પર

સમગ્ર દેશમાં બ્લેક ફંગસથી થતા મ્યુકોરમાઇકોસિસ નામના રોગે ભારે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે મ્યુકરોમાઇકોસિસ જેવાં લક્ષણો ધરાવતા વ્હાઇટ ફંગસથી થતા એસ્પરજીલોસિસ નામના રોગના 3 દર્દી સામે આવતાં આરોગ્ય વિભાગની ચિંતાઓ વધી છે. સયાજી હોસ્પિટલમાં ત્રણ દર્દી વ્હાઇટ ફંગસથી ફેલાતા એસ્પરજીલોસિસ નામના રોગની સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ, સોમવારે મ્યુકોરમાઇકોસિસના 19 નવા કેસ નોંધાયા હતા.

એસ્પરજીલોસિસ નામના રોગનો કહેર
સોમવારે મ્યુકોરમાઇકોસિસના વધુ 19 કેસ નવા દાખલ થયા હતા. છેલ્લા 24 કલાકમાં 10 દર્દીની બાયોપ્સીને તપાસ અર્થે મોકલવામાં આવી હતી. સોમવારે સારવાર લઈ રહેલા ત્રણ દર્દીનાં મોત નીપજ્યાં હતાં, જયારે સયાજી હોસ્પિટલમાંથી 3 અને ગોત્રી હોસ્પિટલમાંથી 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. મ્યુકોરમાઇકોસિસ બાદ હવે એસ્પરજીલોસિસ નામના રોગે દસ્તક દેતાં તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. જોકે તબીબો વ્હાઇટ ફંગસથી થતા રોગને મ્યુકોરમાઇકોસિસ કરતાં ઓછો ગંભીર માની રહ્યા છે. તબીબોના મતે 100 કેસ પૈકી મ્યુકોરમાઇકોસિસનું પ્રમાણ 95 ટકા અને ફંગસ એસ્પરજીલોસિસનું પ્રમાણ માત્ર 5 ટકા જ હોઈ શકે. કેટલીકવાર મિક્સ ઇન્ફેક્શન જોવા મળે છે, જેમાં મ્યુકોરમાઇકોસિસની જોડે એસ્પરજીલોસિસ પણ હોય છે.

મ્યુકોરમાઇકોસિસથી ઓછો ગંભીર રોગ છે
એસએસજીમાં ઇ.એન.ટી.ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. આનંદ પલાસના જણાવ્યા મુજબ, હાલમાં ત્રણ દર્દી દાખલ છે, જેમાં બે દર્દીના ઓપરેશન કરાયાં છે. એક દર્દીની આંખના ડોળામાં ઇન્ફેક્શન હોવાથી એને દૂર કરવું પડ્યું છે. જોકે ત્રણેય દર્દીઓ સાજા છે. આ રોગ મ્યુકોરમાઇકોસિસ જેવો જ છે, પણ એનાથી ઓછો ગંભીર છે. આ રોગના કેસ બેથી ત્રણ વર્ષમાં જવલ્લે જોવા મળે છે. સયાજીમાં સારવાર લઈ રહેલા એક દર્દી વડોદરાના અને બે દર્દી અન્ય જિલ્લાના છે.

વ્હાઇટ ફંગસ શું છે?
વ્હાઇટ ફંગસને એસ્પરજીલોસિસ પણ કહે છે, નાકમાં મોટે ભાગે જોવા મળતું હોય છે. આ મ્યુકોરમાઇકોસિસ જેવું જ હોય છે. આ સામાન્ય રીતે મોઢામાં થતું હોય છે. મોઢાની ચોખ્ખાઈ સારી ન હોઈ અથવા મોટી ઉંમરની વ્યક્તિ મોઢું બરાબર સાફ ન રાખતાં હોય તોપણ થતું હોય છે. આ રેર કેસમાં એટલે કે 10 વર્ષમાં માત્ર 5 કેસ જ જોવા મળે છે. (SSGના ઇ.એન.ટી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. રાહુલ ગુપ્તાના જણાવ્યા મુજબ)

કેવી રીતે ફેલાય છે ?
આ ફંગસ વાતાવરણમાં હોય છે. ઇન્ફેક્શન કેવી રીતે ફેલાય છે એ હજી શોધનો વિષય છે. એ મુખ્યત્વે ડાયાબિટિક દર્દી કે જેનું શુગર કંટ્રોલમાં ન રહેતું હોય તેને અસર કરે છે. કોવિડની ટ્રીટમેન્ટમાં સ્ટિરોઇડનું વધુ પ્રમાણ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટવાળા દર્દી, બ્લડ કેન્સરના દર્દી અને જેની ઇમ્યુન સિસ્ટમ નબળી હોઈ તેને અસર કરે છે.

લક્ષણો કેવાં હોય છે?

  • વ્હાઇટ ફંગસનાં લક્ષણો મ્યુકોરમાઇકોસિસ જેવાં જ હોય છે
  • નાકની અંદર બ્લેક સ્પોટની જગ્યાએ યલો- બ્રાઉન વ્હાઇટ કલરના સ્પોટ, લોહી પડવું.
  • ગાલ પર સોજો આવવો, ત્વચા સંવેદનહીન થઇ જવી.
  • આંખથી ધૂંધળું દેખાવવું, સોજો આવી જવો અને આંખમાં સતત દુઃખાવો થયા કરવો.

સારવાર કેવી રીતે કરાય છે?

  • વ્હાઇટ ફંગસના દર્દીની સારવારમાં એન્ટી ફંગલ દવા તેમજ વેરિકોનાઝોલ ઈન્જેક્શન અપાય છે, પરંતુ એ ઉપલબ્ધ ન હોવાથી એમ્ફોટેરિસીન-બી ઈન્જેક્શન અપાય છે
  • જે ભાગ ફંગસથી ઇન્ફેકટેડ થયો હોય એને દૂર કરવામાં આવે છે
  • સાઇનસ અને નાકની રોજબરોજ સાફસફાઈ કરાય છે.
અન્ય સમાચારો પણ છે...