ત્રિપુટી ઝડપાઇ:વાઘોડિયાના મહિલા TDOને એક્સિડન્ટ કરી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ આરોપીની ધરપકડ

વડોદરા5 મહિનો પહેલા
વાઘોડિયાના તાલુકા વિકાસ અધિકારીને અકસ્માત કરી મારી નાખવાની ધમકી આપવા મામલે આરોપી ભાઇ-બહેન અને તેમના મિત્રની ધરપકડ
  • વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી

વડોદરા જિલ્લાના વાઘોડિયાના તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાને અકસ્માત કરી મારી નાખવાની ધમકી આપવા મામલે આરોપી ભાઇ-બહેન અને તેમના મિત્રની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ જામીન પર ત્રણેયનો છુટકારો થયો છે.

તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ કરી હતી
ટ્રાફિકને અડચણ રુપ દબાણો દુર કરતા તાલુકા પંચાયતના સ્ટાફ અને તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલિયા સાથે દબાણ કર્તાઓએ તકરાર કરી વિવાદ ઊભો કર્યો હતો. સરકારી કર્મચારીઓના કામમા અવરોધ ઊભો કરી સ્ટાફને નોકરીમાંથી કાઢી મુકાવી એક્સિડન્ટ કરી મારી નંખાવાના આક્ષેપ સાથેની અરજી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાએ વાઘોડિયા પોલીસ મથકમાં 24 ફેબ્રુઆરીએ આપી હતી અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓએ દાદાગીરી કરતા મામલો બિચક્યો હતો
જયઅંબે ચાર રસ્તા પર આવેલા વિવાદિત બાંધકામ ગેરલાયક ઠરતા વાઘોડિયા ગ્રામ પંચાયતે નોટિસ બજાવી હતી. જે સંદર્ભમાં દબાણકર્તાએ જાતેજ બિલ્ડિંગ તોડી પાડી હતી, પરંતુ, બિલ્ડિંગ તોડ્યા બાદ ફરીથી તે જગ્યામાં ગ્રામ પંચાયતની પરમિશન વગર તારની ફેન્સિંગ કરી ફરીથી જાહેર માર્ગ પર દબાણ કરતા તેને દૂર કરાવવા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફ સાથે મહિલા TDO (તાલુકા વિકાસ અધિકારી) કાજલ આંબલિયા ગયા હતા. પરંતુ, સતીષચંદ્ર નગીનલાલ જયસ્વાલના પુત્ર રાહિલ જયસ્વાલ અને તેની બહેન અંજલી જયસ્વાલ સહિત રાહિલના મિત્ર જતીન મહંતે આવી દાદાગીરી કરતા મામલો બિચક્યો હતો. ઘટના સ્થળે વાઘોડિયા પોલીસનો બંદોબસ્ત વધારીને ટોળાને દુર કરાયા હતા.

ત્રિપુટીનો જામીન પર છૂટકારો થયો
જોકે, આ ઘટનાના પગલે TDO કાજલ આંબલીયાની ફરિયાદ બાદ આરોપી ત્રિપુટીઓને શોધવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરતા ત્રિપુટી હાથ લાગી ન હતી. ત્યારે ગઈકાલે ત્રિપુટી પોલીસ મથકે હાજર થતાં વાઘોડિયા પોલીસે ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. ત્યાર બાદ ત્રણેયનો જામીન પર છુટકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...