• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Three Accused Builds Room To Occupy Land In Savad Village Near Vadodara, Complaint Lodged Under Land Grabbing Act Following Collector's Order

ભૂમાફિયાઓ સામે કાર્યવાહી:વડોદરા નજીક સવાદ ગામમાં જમીન પર કબજો જમાવવા ત્રિપુટીએ ઓરડી બનાવી દીધી, કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફરિયાદીએ જમીન ખાલી કરવાનું કહેતા ત્રિપુટીએ ઈનકાર કરતા કલેક્ટરને રજૂઆત કરી હતી
  • કલેક્ટરે આરોપીઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવા આદેશ આપ્યો હતો

વડોદરા શહેર નજીક સવાદ ગામે આવેલી કિંમતી જમીન પચાવી પાડવા ઓરડી બાંધી કબજો જમાવનાર ત્રિપુટી વિરૂદ્ધ કલેક્ટરના આદેશ બાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઓરડી બનાવીને જમીન પચાવી પાડી
વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી બાલકૃષ્ણ સોસાયટી ખાતે રહેતા આશિષભાઇ અમીન ખેતી કામ તથા આર્કિટેક વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ સવાદ ગામે સર્વે નં-181ની જમીનની માલિકી ધરાવે છે. થોડા સમય અગાઉ લાલાભાઇ ભરવાડ, ખેંગારભાઈ ભરવાડ અને ગગજીભાઇ ભરવાડ(તમામ રહે, રઘુકુળ સ્કૂલની પાછળ, ન્યુ વીઆઇપી રોડ વડોદરા) એ જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો કરી પચાવી પાડવા ઓરડીનું બાંધકામ કરી નાખ્યું હતું. જે જમીન ખાલી કરવા અંગે કહેતાં ત્રિપુટીએ ઈનકાર કરતાં કલેક્ટરને રજૂઆત કરી હતી. જેથી કલેક્ટરે આરોપીઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવા આદેશ આપ્યો હતો.

22 દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હતી
વડોદરાના જેતલપુર વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધ કિરીટભાઈ મણીભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તરસાલી ગામ ખાતે અલગ-અલગ સર્વે નંબર વાળી વડીલોપાર્જીત જમીન આવેલી છે. સર્વે નં-38 પૈકી 1 વાળી જમીન મોટાબાપા છીતાભાઈ પટેલના પૌત્ર જીતેન્દ્ર ગોરધનભાઇ પટેલે પોતાની માલિકીની હોવાનું દર્શાવતો દાવ કોર્ટમાં દાખલ કર્યો હતો. જે દાવા સામે ફરિયાદીએ કાઉન્ટર ક્લેમ દાખલ કરવા નામદાર કોર્ટે મંજૂરી આપી હતી. વર્ષ-2013 દરમિયાન જીતેન્દ્ર પટેલ વિવાદિત જમીનની ફરતે ફેન્સીંગના તાર તોડી જમીનમાં પાકું બાંધકામ શરૂ કર્યું હતું અને જમીન ઉપર પોતાની માલિકીનો કબજો હોવાનું જાહેર નોટીસ દર્શાવતું બોર્ડ લગાવ્યુ હતું .

જમીન પર અનધિકૃત કબજો જમાવી મિલકત પચાવી પાડી
આ વિવાદનો કોર્ટમાં કેસ ચાલી જતાં અદાલતે જીતેન્દ્ર પટેલનો દાવો રદ કરી પ્રતિવાદીના પક્ષમાં હુકમ કર્યો હતો. આમ કોર્ટનો હુકમ હોવા છતાં ફરિયાદની માલિકીની જમીનમાં જીતેન્દ્ર પટેલે ખેતરના દરવાજા ઉપર પોતાનું તાળું મારી જમીન ઉપર અનધિકૃત કબજો જમાવી મિલકત પચાવી પાડી હતી. જે અંગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરી હતી. દરમિયાન આ બનાવ અંગેની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોધાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

બેઘર બનેલા પરિવારને આશરો આપવો ભારે પડ્યો હતો
વડોદરાના વાઘોડિયા રોડ ખાતે રહેતા 53 વર્ષીય મયુરીબેન દિનેશભાઈ પંડિત વાઘોડિયા રોડ પર આવેલા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડની સામે પુષ્ટિ સ્મૃતિ રેસિડેન્સી કમ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ અને ચાર નંબરની દુકાનો ધરાવે છે. અગાઉ સ્મૃતિ રેસિડેન્સી કમ પ્લાઝાનું બાંધકામ બાદ દુકાનોનું વેચાણ ન થતાં ભાગીદારોએ સરખે ભાગે દુકાનો વહેંચી લેતા તેમના પતિના ભાગે ઉપરોક્ત બે દુકાનો છે. જે દુકાનો સાજીદભાઈ લતીફભાઈ શેખ (રહે, સુલેમાની ચાલી, વડોદરા)ને ફેબ્રિકેશનનો ધંધો કરવા માટે 11 મહિનાનો ભાડા કરાર કરી મહિને 8500 રૂપિયાથી ભાડે આપી હતી.

છેલ્લા અઢી વર્ષથી ભાડું પણ ચૂકવ્યું નથી
સુલેમાની ચાલી તૂટી જતા બેઘર બનેલા સાજીદભાઇ પર દયા દાખવી દુકાન માલિકે તેમના પરિવારને રહેવા માટે તથા ધંધો કરવા માટે ભાડાની મુદત વધારી હતી. ત્યારબાદ હવે દુકાન ખાલી કરવાનો ઇનકાર કરી સાજીદભાઇ પરિવાર સાથે રહે છે. છેલ્લા અઢી વર્ષથી ભાડું પણ ચૂકવ્યું નથી અને તમારી દુકાન ખાલી નહીં થાય તમારાથી થાય તે કરી લો તેવી ધમકી આપી હતી. વર્ષ-2019 દરમિયાન પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જોકે, તે બાદ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. આ અંગે નાયબ કલેક્ટરને રજૂઆત કરતાં તેના આધારે પોલીસ કમિશનરે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવા લીલી ઝંડી આપી હતી.

આ પહેલા પણ બે ફરિયાદ નોંધાઇ હતી
આ પહેલા વડોદરા તાલુકાના દુમાડ અને ડભોઇ તાલુકાના ગોજાલી ગામની જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગના એક્ટ હેઠળ વડોદરા જિલ્લા પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...