ઓછી વગ અને ઓછા રૂપિયા હોવા એ હાલના સમયની ન્યાય પ્રણાલીમાં અભિશાપ રૂપ બનતું હોવાનું અનુભવતા કારીગરોએ ન્યાયની માગ કરી છે. રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગમાં અધિકારીઓ કારીગરોમાં ભેદભાવ ભરી નીતિ રાખી અન્યાય કરતા હોવાની રજૂઆત વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. ચોક્કસ વિસ્તારના કારીગરોની તરફદારી કરી અન્ય વિસ્તારનાહસ્તકલાના કારીગરોને લાંબા સમયથી કરાતા અન્યાયને દૂર કરવા માગ કરાઇ છે.
એકતરફ સરકાર મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે તેમજ ગ્રામીણ કલાને ઉત્તેજન મળે તેવા પ્રયાસ કરી રહી છે, બીજી તરફ વિભાગના અધિકારીઓ દ્વારા આવા કારીગરોને કનડગત કરાઈ રહી છે. ગોત્રીના ઇસ્કોન મંદિર રોડ પર રહેતાં શીતલબેન જાનીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે કે, અમે ખાદી ઇન્ડિયાનું લાઇસન્સ ધરાવી અગરબત્તી અને પૂજાની સામગ્રીનું ઉત્પાદન કરી વેચાણ કરીએ છીએ.
અમને મળેલા આર્ટિઝન કાર્ડના ક્રાફ્ટ મુજબ ઇન્ડેક્સ-સી સરકારના હસ્તક મેળાઓમાં ભાગ લઈ અમારા દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરીએ છીએ. અમે જે વસ્તુનું વેચાણ કરીએ છીએ તેવી જ સરખી વસ્તુ 10 થી 12 જેટલા કારીગરો પણ વેચે છે. છતાં લાંબા સમયથી ઇન્ડેક્સ-સીના પૂર્વ મેનેજર અને અન્ય સ્ટાફ દ્વારા બદઇરાદાથી ચોક્કસ કારીગરોની તરફદારી કરી અમને અમુક જ આઈટમ વેચવા ફરજ પાડી ધમકી આપે છે. આ અંગે અમે નિવૃત્ત થયેલા મેનેજર સાથે ફોન પર વાત કરી હતી ત્યારે પણ તમારે અમુક જ આઈટમનું વેચાણ કરવું, નહિ તો તમારાં પર પગલાં લઈશું એવું ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું.
અમને રજૂઆત મળી છે, કાર્યવાહી ચાલુ છે
કારીગરોને થતા અન્યાય અને ભેદભાવ ભરી નીતિ અંગેની કારીગરોએ કરેલી રજૂઆત મળી છે. આ અંગે સંબધિત અધિકારીઓને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. - પ્રવીણ સોલંકી, કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.