તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક:વડોદરાના આ શિક્ષકે 250 ભિક્ષુક બાળકોના હાથમાં પેન-પેન્સિલ અપાવ્યા, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરી

વડોદરા21 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
  • સ્કૂલ દૂર હોવાથી માતા-પિતા પાસે બેસીને બાળકો ભિક્ષા માગતા
  • વર્ષ-2013માં અંગ્રજી માધ્યમની સ્કૂલ શરૂ કરીને સર્વ શ્રેષ્ઠ શાળાનો દરજ્જો અપાવ્યો

શિક્ષક કભી સાધારણ નહિં હોતા...સાચી વાત છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના એક જ કેમ્પસમાં તબક્કાવાર ગુજરાતી, હિંદી અને અંગ્રેજી માધ્યમની શરૂઆત કરનાર શિક્ષક ચમનલાલ નાઇએ 250 જેટલા ભિક્ષૂક બાળકોને સ્કૂલમાં લાવીને શિક્ષણ આપ્યું છે. જે બાળકો પેટનો ખાડો પુરવા માટે ભીખ માટે હાથ લંબાવતા હતા, તે બાળકોના હાથમાં પેન-પેન્સિલ અપાવીને શિક્ષણ આપ્યું હતું.

શિક્ષક ચમનલાલે જણાવ્યું હતું કે, નિવૃત્તિ બાદ પિતાના નામે સંસ્થા શરૂ કરવાની ઇચ્છા છે, અને તે સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું મારું સપનું છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મારું જીવન શિક્ષણ કાર્ય માટે સમર્પિત રહેશે.

શિક્ષકો અને વકીલના સંતાનો પણ આ જ સ્કૂલમાં કરે છે અભ્યાસ
શ્રેષ્ટ શિક્ષકનો એવોર્ડ મેળવનાર ચમનલાલ નાઇ છાણી ટી.પી.-13માં મારૂતિધામ ટેનામેન્ટમાં પરિવાર સાથે રહે છે. અને ટી.પી.-13માં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પંડિત દીન દયાલ ઉપાધ્યાયના નામથી જાણીતી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેઓએ આ સ્કૂલમાં વર્ષ-2005માં ગુજરાતી, વર્ષ-2006માં હિંદી અને વર્ષ-2013માં અંગ્રજી માધ્યમની સ્કૂલ શરૂ કરીને સર્વ શ્રેષ્ઠ શાળાનો દરજ્જો અપાવ્યો છે.

શિક્ષણ ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર ચમનલાલ નાઇએ પોતાની જ સ્કૂલમાં વર્ષ-2019માં ચાણક્ય પ્રાથમિક શાળા નામથી અંગ્રેજી માધ્યમના ધોરણ-1 થી 6 સુધીના વર્ગની શરૂઆત કરી છે. જેમાં પ્રિન્સિપાલ, વકીલ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષક તેમજ અન્ય પોસ્ટ ઉપર ફરજ બજાવી રહેલા કર્મચારીઓના બાળકો ખાનગી સ્કૂલોમાંથી એડમિશન કઢાવીને આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે.

સોનિયાનગર વસાહતના બાળકો ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા
સોનિયાનગર વસાહતના બાળકો ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા

ભિક્ષુક બાળકો નજીક કોઈ સ્કૂલ ન હોવાથી ભીખ માગતા હતા
શિક્ષક ચમનલાલ નાઇએ જણાવ્યું હતું કે, વર્ષ-2005 પૂર્વે નવાયાર્ડ વિસ્તારમાં સયાજીગંજ-42 અને ગોરવા વિસ્તારમાં આવેલી સયાજીગંજ-43 નંબરની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. વર્ષ-2005માં છાણી ટી.પી.-13 વિસ્તારમાં રહેવા આવ્યો હતો. ત્યારે વિસ્તારના સોનિયાનગર વસાહતના બાળકો ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. બાળકોને સ્કૂલે જવા બાબતે પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, વિસ્તારમાં એકપણ સ્કૂલ નથી.

તપાસ કરતા ત્રણ કિલો મીટરના વિસ્તારમાં એકપણ સ્કૂલ ન હતી. સ્કૂલ જવા માટે સ્થાનિક બાળકોને બે રોડ ક્રોસ કરીને નવાયાર્ડ વિસ્તારમાં સ્કૂલ જવું પડતું હતું. આથી વસાહતના બાળકો સ્કૂલે જતા ન હતા. અને ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગુરૂવારે છાણી જકાત નાકા પાસે આવેલા મંદિર પાસે માતા-પિતા સાથે બેસતા હતા. અને ભીખ માંગતા હતા. અને પોતાના દિવસો પસાર કરતા હતા.

સયાજીગંજ-52 નંબરની શાળા 5 ઓરડાથી શરૂ કરાવી
આ દરમિયાન ટી.પી.-13માં તે વખતની સયાજીગંજ-52 નંબરની શાળા 5 ઓરડાથી શરૂ કરાવી હતી. જે આજે પંડિત દીન દયાળ ઉપાધ્યાયના નામથી ચાલે છે. આ સ્કૂલમાં સોનિયા નગર વસાહતના 250 ભિક્ષુક બાળકોને સ્કૂલમાં લાવીને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. સમય પસાર થતાં હિંદી ભાષી પરિવારો દ્વારા હિંદી સ્કૂલ શરૂ કરવા માટે જણાવતા વર્ષ-2006માં હિંદી માધ્યમની શરૂઆત કરી હતી. તે બાદ વર્ષ-2013માં વાલીઓ અને સમિતિની ઇચ્છાને લઇ જુનિયર-સિનિયર કે.જી.થી અંગ્રેજી માધ્યમની શરૂઆત કરી હતી. તે બાદ તબક્કાવાર અંગ્રજી માધ્યમના ધોરણ-1 થી 8 સુધીના વર્ગો શરૂ કર્યા હતા. બાદમાં વર્ષ-2018માં આ સ્કૂલને ન્યુ સમા રોડ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ધોરણ-1 થી 6માં કુલ 390 બાળકો અંગ્રજી માધ્યમમાં અભ્યાસ કરે છે
દરમિયાન વર્ષ-2019માં પંડિત દીન દયાલ ઉપાધ્યાય કેમ્પસમાં જ ચાણક્ય અંગ્રેજી માધ્યમના નામની નવી શાળા શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે જુનિયર કે.જી. થી લઇ ધોરણ-6 સુધીના વર્ગો ચાલે છે. ધોરણ-1 થી 6માં કુલ 390 બાળકો અંગ્રજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે. અને જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેમાં પ્રિન્સિપાલ, વકીલ તેમજ સમિતીના શિક્ષકો અને કર્મચારીઓના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે, પ્રિન્સિપાલ ચમનલાલ નાઇના પરિવારના તમામ બાળકો પંડિત દીન દયાળ સ્થિત ચાણક્ય અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે.

પ્રિન્સિપાલ તરીકે છેલ્લો શિક્ષકદિન
આગામી 30 ઓક્ટોબરના રોજ નિવૃત્ત થઇ રહેલા પંડિત દીન દયાળ ઉપાધ્યાય સ્કૂલના પ્રિન્સિપાલ ચમનલાલ નાઇએ જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં મારો તા.5 સપ્ટેમ્બરનો અંતિમ શિક્ષક દિન છે. જોકે, આ સ્કૂલમાં ભલે મારો તા.5 સપ્ટેમ્બરના દિવસે ઉજવાતો શિક્ષક દિન છેલ્લો હોય, પરંતુ, નિવૃત્તિ પછી જ્યાં પણ શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલ હોઇશ ત્યાં શિક્ષક દિન ઉજવતો રહીશ. નિવૃત્તિ બાદ મારી પિતા ગોવર્ધનલાલ સેવા સંસ્થાન નામથી દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે શિક્ષણ કાર્ય શરૂ કરવાનું સપનું છે. હું મારા અંતિમ શ્વાસ સુધી શિક્ષણ કાર્ય સાથે સમર્પિત રહીશ.