તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરંગનું આગમન:ચોમાસાના છડીદાર જેવું આ મનોહર પક્ષી સંવનન માટે પહોળા પાંદડા ધરાવતા વૃક્ષો-જંગલ પસંદ કરે છે

વડોદારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કુદરતે પક્ષીઓ, પુષ્પો, પહાડો, નદીઓ, વાદળ જેવા એના આયામોને જે રંગ વિવિધતા આપી છે તે બેનમૂન છે. તમામ કૃતિમ રંગ વૈભવ તેની સામે પાણી ભરે.આવો જ શાનદાર રંગ વૈભવ માતા પ્રકૃતિએ ચોમાસાના છડીદાર જેવા નવરંગ પક્ષીને આપ્યો છે જે બહુધા મે મહિનાના અંતથી જૂનના અંત સુધી જોવા મળે છે.મેઘધનુષ કરતાં પણ ચઢિયાતો રંગ વૈભવ ધરાવતા આ પક્ષીને નવરંગ જેવા સાર્થક નામે ઓળખવામાં આવે છે. એટલે કહી શકાય કે મેઘધનુષના સાત રંગ પણ ચોમાસાની સાચી શોભા તો નવરંગ.

આ પક્ષીની મનોહર સુંદરતાથી અભિભૂત થયેલા વડોદરાના પક્ષી ઘેલા બર્ડ ફોટોગ્રાફર ડો.રાહુલ ભાગવત કહે છે કે, ચોમાસું આવવાની તૈયારી થાય કે આપણા ગુજરાતના જંગલોમાં એક ખાસ ટહુકો સંભળાય છે, જે સાંભળતાજ દરેક પક્ષી પ્રેમી સમજી જાય છે કે, નવરંગનું આગમન થઈ ચૂકયું છે. પ્રકૃતિના વરદાન સમુઆ નાનકડું પક્ષી તેના વિવિધ રંગો ને લીધે "નવરંગ" નામે ઓળખાય છે. તેનું અંગ્રેજી નામ 'indian pitta' છે. તેનું કદ આશરે 19 સેન્ટીમીટર હોય છે. પુખ્ત વયના પક્ષીમાં માથાના પાર્શ્વ ભાગમાં આંખની ઉપર થઈને જતી જાડી કાળી પટ્ટી, ગળું અને નેણ શ્વેત, તાલકુના પાર્શ્વ રેતાળ ધારીઓ તથા છાતી અને પડખાં રેતિયા રંગના હોય છે. સ્વરનો પ્રકાર તીક્ષ્ણ બેવડવી સિટી જેવો હોય છે. પહોળા પાંદડા વાળા વૃક્ષોના જંગલોમાં પ્રજનન કરવાનું તે પસંદ કરે છે.

ગુજરાતમાં ઘણા જંગલોમાં તેનું પ્રજનન સ્થાન છે, જેમકે સાપુતારાના જંગલો, રતનમહાલના જંગલો, જાંબુઘોડા અભયારણ્ય, ઓરસંગ નદીના જંગલો, પોળોના જંગલો, હિંગોળગઢ અભયારણ્ય તેના જોવા માટેના ઉત્તમ સ્થળો છે. 1200 મીટરની ઊંચાઈ સુધી પ્રજનન કરતું જોવા મળે છે. રંગ વૈવિધ્યમાં નવરંગની હરીફાઈ કરે એવા પંખી બહુ ઓછાં. લીલો, વાદળી, કાળો, ધોળો, બદામી, સિંદુરિયો, નીલો એવા કેટલાય રંગ તેના શરીર પર જોવા મળે, તે પણ એકદમ ચમકદાર અને ઘેરા. આ બધાને લીધે તેનું નવરંગ નામ સાર્થક થાય. તેને નજીકથી જોવું એ એક લહાવો અને આંખ માટે ઉજાણી છે. નવરંગ ભારતનું પક્ષી ખરું, પણ આપણા માટે યાયાવર મહેમાન એટલે કે બહારથી આવનારું ગણાય.

ઉનાળાની અધવચ્ચે આપણે ત્યાં આવે, ચોમાસું અહીં ગાળે, માળા કરીને બચ્ચાં ઉછેરે, પછી સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં દક્ષિણ ભારત તરફ જતું રહે. અન્ય મોટા ભાગના યાયાવર પક્ષીઓના આગમન સમયે નવરંગ વિદાય લે છે. નવરંગ શરીરે ગોળમટોળ, પૂંછડી ટૂંકી, પણ પગ લાંબા. વૃક્ષો નીચે પડેલા પાંદડા અને ઝાંખરા આસપાસ જમીન પર ઠેક્તું ફરે અને પાંદડા ઉલથાવી નીચે રહેલા જીવડાં પકડે. ખાસ શરમાળના ગણાય. શાંતિથી થોડે દૂર બેસીને નિરીક્ષણ કરો તો ગભરાઈ ને ઉડી જતું નથી, ખલેલ પડે ત્યારે ઉડીને ઝાડની ડાળ પર જઈને બેસે. તેને મળતું આવતું બીજું પક્ષી ગુજરાતમાં નથી, એટલે એક વખત નજરે ચઢે તો જાણકારો તરત ઓળખી લે.હરતા ફરતા ટૂંકી પૂંછડી ઊંચી નીચી કરવાની ટેવ, સામાન્ય રીતે નવરંગ એકલ દોકલ ફરે. સ્વભાવે ભૂમિચર અને થોડા ઝઘડાખોર. પ્રજનન દરમ્યાન જોડી માં દેખાય. પ્રજનન ઋતુ મેં થી ઓગેસ્ટ વૃક્ષોમાં ગોળ દડા જેવા માળા બનાવે. ચોમાસાના પ્રારંભમાં આ પક્ષીનું સારું અવલોકન કરી શકાય.

ગુજરાતની વનરાજીના આ પાંખાળા દેવદૂતોને આવકારવા તેમજ તેમનું નિરીક્ષણ કરવું અને તેના ફોટા પાડવા એ એક અનન્ય લહાવો છે. નિર્દોષ પક્ષીઓ કુદરતે માનવજાત ને આપેલી રંગ રૂપ અને સુમધુર સ્વર વૈભવ ધરાવતી ભેટ છે.પક્ષીઓનો ચહેકાટ વાતાવરણમાં અનોખી ચેતના ભરે છે.એટલે જ કવિ મનોજ ખંડેરિયા એ પ્રભાતનું રમ્ય વર્ણન કરતાં કહ્યું છે કે,પાંખો ફૂટી રહી છે વૃક્ષોની ડાળ ડાળે, તરણું કળી રહ્યું છે જંગલ કદાચ ઉડે..!! પ્રકૃતિનો આ વારસો સાચવવાની સહુની ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...