• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 'This Baahubali Is Still Alive, If Someone Grabs Your Collar And Does Not Go To His House And Shoot, I Will Not Be Madhu Srivastava'

દબંગ નેતાની ખુલ્લી ધમકી:'આ બાહુબલી હજી જીવે છે, કોઈ તમારો કોલર પણ પકડે ને તો એના ઘરમાં જઈને ગોળી ન મારું તો હું મધુ શ્રીવાસ્તવ નહીં'

વડોદરા4 મહિનો પહેલા

ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મધુ શ્રીવાસ્તવે આજે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ સમયે મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, તમે કોઈનાથી ડરતા નહીં, આ બાહુબલી હજી જીવે છે. કોઈ તમારો કોલર પણ પકડે ને તો તેના ઘરે જઈને ગોળી ન મારું હું તો મધુ શ્રીવાસ્તવ નહીં. જેને લડવું હોય એ મેદાનમાં આવી જાય. તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. હિન્દુસ્તાન આઝાદ છે, કોઈ ધમકી આપતું હોય કે, આ કરીશ, એ કરીશ તો હું છું, તમારે ડરવાની જરૂર નથી.

કોઈ તમને ધમકી આપશે. પણ તમે ડરતા નહીં
હું જ્યારે મેદાનમાં નિકળ્યો હોય ને ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કોઈ તમને ધમકી આપશે. પણ તમે ડરતા નહીં. વાઘોડિયા અને વાઘોડિયા તાલુકામાં જે ગેરકાયદે મકાનો છે એને હું કાયદેસર કરી આપીશ, એ મારું વચન છે.

અગાઉ મીડિયાકર્મીઓને ધમકી આપી ચુક્યા છે
મધુ શ્રીવાસ્તવ મીડિયાકર્મીઓ અને અધિકારીઓને ધમકી આપવાને લઈને સતત વિવાદમાં રહ્યા છે. તેઓ અધિકારીઓને ચૌદમુ રતન બતાવીશ તેવી ધમકીઓ આપવા માટે જાણીતા છે. મધુ શ્રીવાસ્તવે 4 વર્ષ પહેલા મીડિયા કર્મીઓને ધમકી આપી હતી કે, હું મધુ શ્રીવાસ્તવ છું, તમે જ્યાં નોકરી કરો છો ત્યાંથી તમારે છોડવુ પડશે.

4 દિવસ પહેલાં જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું
ભાજપે ટિકિટ ન આપતાં 4 દિવસ પહેલાં જ વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારી ટિકિટ કપાતાં મારા કાર્યકરો રોષે ભરાયા હતા, જેથી હું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું અને હું આજે ભાજપને રામ રામ કહું છું. પાર્ટીએ મને ધારાસભ્ય તરીકે સેવાની તક આપી, પરંતુ ભાજપે ઉમેદવારી માટે ટિકિટ ન ફાળવતાં હવે હું સમાજની સેવા કરવા માગું છું અને મારા 500 કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપું છું.

મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી.
મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી.

રાજકારણની શરૂઆતથી જ વિવાદોમાં રહ્યા
વડોદરા જિલ્લાની 5 બેઠક પૈકી વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપપ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવતાં મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી દેતાં વાઘોડિયા સહિત જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. તેઓ રાજકારણની શરૂઆતથી જ વ્યવસાય અને નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા છે, જે વિવાદ તેમનો હજુ પીછો છોડતો નથી. 1995માં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ કબજો જમાવી બેઠેલા મધુ શ્રીવાસ્તવ પર ભાજપે 2022ની વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કાપીને બ્રેક મારી છે, ત્યારે મધુ શ્રીવાસ્તવે પોતાનું આર્થિક અને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી કરવા નીકળ્યા હતા.
મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી કરવા નીકળ્યા હતા.

પિતા ભારતીય સેનામાં હતા
મધુ શ્રીવાસ્તવ મૂછ, દાઢી, ગળામાં સોનાની વજનદાર ચેઇન, વીંટીઓ અને માથા પર હેટને કારણે મધુ શ્રીવાસ્તવ બધા નેતાઓથી અલગ તરી આવે છે. તેઓ એસયુવી કારના પણ ભારે શોખીન છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવની છાપ 'દબંગ' અને 'બાહુબલી' નેતાની છે. મધુ શ્રીવાસ્તવના પિતા બાબુભાઈ શ્રીવાસ્તવ ભારતીય સેનામાં હતા. મધુ શ્રીવાસ્તવના લગ્ન સવિતાબેન સાથે થયા હતા અને તેમને 2 સંતાન દીપક અને વિજયાલક્ષ્મી છે. તેમનાં પત્ની સવિતાબહેન શ્રીવાસ્તવ તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યાં છે અને તેમની દીકરી પણ રાજકારણમાં સક્રિય છે.

બે વખત કાઉન્સિલર બન્યા
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા કોકણ ફળિયાના તેઓ મૂળ રહેવાસી છે. હાલ ત્યાં પણ તેમનું મકાન છે. તેમણે 1975માં ધોરણ-10 પાસ કર્યું છે. 1979માં રેલવેમાં ટ્રકડ્રાઇવર તરીકે નોકરી શરૂ કરી હતી. ત્યાર બાદ 1982માં રાજકારણમાં પગરણ માંડ્યાં હતાં. 1982માં વડોદરા કોર્પોરેશનમાં વાડી બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા. 1985માં તેમણે અને તેમના પિતરાઈ ભાઈ તેમ જ કોંગ્રેસ સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થું) સાથે મળી "લોકશાહી મોરચો" નામનો પક્ષ બનાવ્યો હતો અને કોર્પોરેશનની ચૂંટણીમાં 10 ઉમેદવાર ઊભા રાખ્યા હતા.

અપક્ષ ઉમેદવારી કરવા પહોંચેલા મધુ શ્રીવાસ્તવ.
અપક્ષ ઉમેદવારી કરવા પહોંચેલા મધુ શ્રીવાસ્તવ.

મધુ શ્રીવાસ્તવ 1993 સુધી વડોદરાના રાજકારણમાં સક્રિય રહ્યા
"લોકશાહી મોરચો" પક્ષમાં મધુ શ્રીવાસ્તવ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થું), દિલીપ મસ્કે અને સવિતાબહેન સહિત 5 ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા. એ સમયે સ્વ. જશપાલસિંહનો સાવધાન પક્ષ રચાયો હતો, પરંતુ તેમની બહુમતી આવી ન હતી. જેથી તેમણે ભાજપને ટેકો આપ્યો હતો અને ભાજપના નેતા સ્વ. નલિન ભટ્ટ ડેપ્યુટી મેયર બન્યા હતા. એ બાદ એક વર્ષ પછી તરત જ કોર્પોરેશનની ચૂંટણી આવી હતી અને એ સમયે ડો. રાજેન્દ્રસિંહ રાઠોડને મેયર બનાવ્યા હતા. આમ, મધુ શ્રીવાસ્તવ 1993 સુધી વડોદરાના રાજકારણમાં સક્રિય રહ્યા હતા.

પૂર સમયે મસીહા બન્યા
દરમિયાન 1994-1995માં ભારે વરસાદ થયો હતો. વાઘોડિયા તાલુકામાં વિનાશક પૂર આવ્યું હતું. આખો વાઘોડિયા તાલુકો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. એ સમયે મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા લોકોની મદદે પહોંચી ગયા હતા. ગામેગામ અને ઘર-ઘર સુધી તેમણે મદદ પહોંચાડી હતી. એ સમયે મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા તાલુકાના મસીહા તરીકે ઊભરી આવ્યા હતા. મધુ શ્રીવાસ્તવે એ તકનો લાભ લઈને 1995માં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી અને વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી વાઘોડિયા બેઠક કબજે કરી હતી. તેઓ કોંગ્રેસના ઉમેદવાર મનુભાઇ સામે 22 હજાર મતોથી જીત્યા હતા.

ભાજપે ટિકિટ ન આપી
1995માં અપક્ષ ચૂંટણી જીત્યા બાદ 1997માં કેશુભાઈ અને શંકરસિંહ વાઘેલા વચ્ચેના ગજગ્રાહના કારણે રાજ્ય સરકારમાં ઊથલપાથલ થઇ હતી, ત્યારે તેમણે શંકરસિંહ વાઘેલાને ટેકો આપ્યો હતો. એક વર્ષ બાદ ચૂંટણી આવતાં તેઓ 1998માં વિધિવત ભાજપમાં જોડાયા હતા. આમ, તેઓ 1995થી 2017 સુધી સતત 6 ટર્મ સુધી વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય તરીકે જીતતા આવ્યા અને વાઘોડિયા બેઠક પર કબજો જમાવી રાખ્યો છે, પરંતુ આ વખતે સ્થાનિક અને તાલુકાની પ્રજામાં મધુ શ્રીવાસ્તવ સામે ભારે રોષ હોવાના કારણે ભાજપાએ તેમની ટિકિટ કાપીને વડોદરા જિલ્લા ભાજપપ્રમુખ અશ્વિન પટેલને આપતા તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું.

લાઇમ લાઇટમાં આવ્યા
મધુ શ્રીવાસ્તવ 2002માં સર્જાયેલા ગોધરા સાબરમતી કાંડ દરમિયાન વડોદરાના ડભોઇ રોડ ઉપર હનુમાન ટેકરી વિસ્તારમાં બેસ્ટ બેકરીકાંડ સર્જાયો હતો. આ કાંડમાં શેખ પરિવારની 12 વ્યક્તિ સહિત 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ કેસમાં સંડોવાયેલા 17 આરોપીને વડોદરાની નીચલી કોર્ટમાં નિર્દોષ છોડાવ્યા હતા. એ સમયે મધુ શ્રીવાસ્તવ પર બેસ્ટ બેકરી કાંડની તાજની સાક્ષી ઝહીરા શેખ તેમજ અન્યને નિવેદનો બદલવા માટે ધમકી આપવાના તેઓ પર આક્ષેપો થયા હતા. જોકે આ કેસ મહારાષ્ટ્રની કોર્ટમાં ટ્રાન્સફર થયા બાદ તમામ આરોપીઓને આજીવન કેદની સજા થઇ હતી. આમ તેઓ બેસ્ટ બેકરીકાંડને લઇ લાઇમ લાઇટમાં આવ્યા હતા.

પુત્રએ રાજકારણમાં કાઠું ન કાઢ્યું
મધુ શ્રીવાસ્તવ પોતાના પુત્ર દીપક શ્રીવાસ્તવને ધારાસભ્ય બનાવવા માગતા હતા, આથી તેમણે વડોદરાના વોર્ડ નંબર-15માંથી પુત્ર દીપકને ટિકિટ અપાવવા માટે માગણી કરી હતી, પરંતુ ભાજપ દ્વારા વંશવાદનું બહાનું બતાવી ટિકિટ આપી ન હતી. અપક્ષ ફોર્મ ભરતાં 3 સંતાનોનું કારણ ધારણ કરીને ફોર્મ રદ કરાયું હતું. દરમિયાન પુત્ર દીપકને શૈલેષ મહેતા (સોટ્ટા)ની પેનલમાં ઊભો કરાવી કાઉન્સિલર તરીકે જિતાડી કોર્પોરેશનમાં મોકલ્યો હતો. જોકે એ બાદ તે ભાજપમાં આવી ગયો હતો. એક વખત કાઉન્સિલર બન્યા બાદ તે માત્ર સક્રિય કાર્યકર તરીકે ભાજપમાં કામ કરે છે.

1995માં પહેલીવાર અપક્ષ ચૂંટણી લડીને MLA બન્યા હતા.
1995માં પહેલીવાર અપક્ષ ચૂંટણી લડીને MLA બન્યા હતા.

અધિકારીઓને ધમકીઓ આપીને વિવાદોમાં રહ્યા
મધુ શ્રીવાસ્તવે એકવાર ધમકીના સ્વરમાં કહ્યું હતું કે જો અધિકારીઓ કામ ન કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ન બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અધિકારીઓને લઈને આ પ્રકારના નિવેદનને લઈને તેમની સામે વિરોધના સૂર પણ ઊઠ્યા હતા. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જનસભાને સંબોધવા દરમિયાન મધુ શ્રીવાસ્તવે એવો બફાટ કર્યો હતો કે પોલીસ અને કલેક્ટરને તો હું મારા ખિસ્સામાં રાખું છું.

અભિનયક્ષેત્રે પણ ઝંપલાવ્યું
મધુ શ્રીવાસ્તવે રાજકારણ સાથે અભિનયક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું. તેમણે વર્ષ-2014માં "ઠાકોરના બોલ જગમાં અનમોલ" અને વર્ષ-2016માં "લાયન ઓફ ગુજરાત" નામની બે ફિલ્મો બનાવી હતી, જેમાં તેમણે અભિનય કર્યો હતો. "લાયન ઓફ ગુજરાત"માં તેમના પુત્ર દીપક શ્રીવાસ્તવે પણ અભિનય કર્યો હતો. અને આ બંને ફિલ્મોનું શૂટિંગ વડોદરામાં કર્યું હતું. જોકે મધુ શ્રીવાસ્તવ અને દીપક શ્રીવાસ્તવે એ સમયે કહ્યું હતું કે અભિનયક્ષેત્ર અમારો શોખ છે. લોકસેવા અમારું મુખ્ય કામ છે.

1997માં શંકરસિંહને ટેકો આપીને ચર્ચામાં આવ્યા હતા.
1997માં શંકરસિંહને ટેકો આપીને ચર્ચામાં આવ્યા હતા.

ચૂંટણી લડવાની તૈયારી
મધુ શ્રીવાસ્તવ રાજકારણની સાથેસાથે રિયલ એસ્ટેટ, હોટલ તેમજ પેટ્રોલ પંપ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. ટ્રકડ્રાઇવરથી લઇ ધારાસભ્ય અને અભિનેતા સુધીની સફર કરનારા મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પર જમાવેલા કબજા પર ભાજપે ટિકિટ કાપીને તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. જોકે મધુ શ્રીવાસ્તવે પોતાનું આર્થિક રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...