પહેલું હેન્ગર (વિમાનનું ગેરેજ):આ 120 ફૂટ લાંબી દીવાલ રાજવી પરિવારની રોયલ એરોપ્લેન કંપની-હેન્ગરનો ભવ્ય ભૂતકાળ વાગોળે છે

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પહેલું હેન્ગર (વિમાનનું ગેરેજ)
સમા-સાવલી રોડ - Divya Bhaskar
પહેલું હેન્ગર (વિમાનનું ગેરેજ) સમા-સાવલી રોડ
  • સમા-સાવલી રોડથી માંડ 150 મીટરના અંતરે પોસ્ટલ કેમ્પસમાં બનેલા હેન્ગરમાં 4 વિમાનો મૂકાતા હતા
  • 1936માં નિર્માણ પામેલી વિશાળ ઇમારત 17,222 ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલી હતી, ભોંયતળિયાના વિશાળ પથ્થરો આજે પણ યથાવત્

બીજા વિશ્વયુદ્ધ અગાઉ હવાઇદળના મહત્વને જાણી ચૂકેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ‘ધ રોયલ બરોડા એરોપ્લેન વર્ક્સ’ કંપનીની સ્થાપનાનું આયોજન કરી રહ્યાં હતા. હાલના સમા-સાવલી રોડ અને પૂર્વ તરફના નેશનલ હાઇવેની વચ્ચેનો વિશાળ વિસ્તાર બરોડા એરપોર્ટ અને આ કંપની માટે ફાળવી દીધો હતો.

પણ આ આયોજન અગાઉ જ મહારાજા સયાજીરાવે અહીં એક એરસ્ટ્રીપ બનાવી હતી. 4 માઇક્રોલાઇટ કેટેગરીના વિમાનો પોતાના ખાનગી ઉપયોગ માટે ખરીદી લીધા હતા. આ વિમાનોને સલામત રાખવા વિશાળ હેન્ગરનું બાંધકામ કરાવ્યું હતું. રાજવી કુટુંબના 4 માઇક્રોલાઇટ વિમાનો( ગ્લાઇડર્સ) 86 વર્ષ અગાઉ અહીં ( હાલનું પી એન્ડ ટી) હેન્ગરમાં મૂકાતા હતા. આજે 120 ફૂટ લાંબી અડીખમ ઊભેલી દીવાલ જ સાક્ષીરૂપ રહી છે.

આજે સમા-સાવલી રોડ પર માંડ 150 મીટર અંતરે પોસ્ટલ કેમ્પસમાં આ હેન્ગર તો નામશેષ થયું છે જો કે 1936માં નિર્માણ પામેલી 17,222 ચોરસફૂટ જમીનમાં ફેલાયેલી આ વિશાળ ઇમારતની આ દીવાલ જ નહીં ભોંયતળિયાના વિશાળ પથ્થરો પણ યથાવત્ છે. ઇંટોથી બનેલી આ દીવાલ 4 ફૂટ જાડી અને 30 ફૂટ જેટલી ઊંચી છે. પોસ્ટલ વિભાગ પાસે આ ઇમારતની ડિજિટલ સામગ્રી મુજબ એક એર સ્ટ્રીપ આ દીવાલની સામેના ઉત્તર ભાગમાં તૈયાર કરાઇ હતી.

ત્યાંથી એરક્રાફ્ટ લેન્ડ થઇ સર્પાકાર રસ્તે ધીમે ધીમે આ હેન્ગર તરફ આવીને ઉત્તર દિશા તરફ ખુલતા દરવાજામાંથી દાખલ થતા હતા. જોકે આ હેન્ગર ક્યાં સુધી કાર્યરત રહ્યું તે અંગેના કોઇ નક્કર દસ્તાવેજો હાલમાં ઉપલબ્ધ થઇ શક્યા નથી. પણ 1952 સુધી તો કાર્યરત રહ્યું હોય તેવી શક્યતા છે. આ હેન્ગર તૈયાર કરાયાના માંડ બેથી ત્રણ વર્ષમાં જ મહારાજા સયાજીરાવનું અવસાન થઇ ગયું હતું. તેમણે જે કંપનીનું સ્વપ્ન સેવ્યું હતું જેની સાક્ષીરૂપ ઊભેલી આ દીવાલ કમનસીબે આજે પણ વડોદરા માટે જવલ્લે જ જોવાતા અને જાણીતા ઐતિહાસિક અવશેષ તરીકે દરજજો પામી શકી નથી.

ચાર ગ્લાઇડર્સ બન્યાં પછી કંપની બંધ થઇ ગઇ
1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના મૃત્યુ બાદ ‘ધ રોયલ બરોડા એરોપ્લેન વર્ક્સ’ની શરૂઆત થઇ. તે સમયે વિમાનો બનાવતી ઇંગ્લેન્ડ અને જર્મન કંપનીઓમાં તીવ્ર હરીફાઇ હતી. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે અગાઉ ચાર ગ્લાઇડર્સનું આ કંપનીએ નિર્માણ કરી દીધું હતું. પણ આ ગ્લાઇડર્સ બનાવનાર એન્જિનિયર્સ જર્મન કંપનીના હોવાથી તેમને પરત મોકલવા પડ્યાં હતા ત્યારબાદ કંપનીનું વિમાનનું ઉત્પાદન અને કંપની બંને કાયમ માટે બંધ થઇ ગયા હતા.

ફ્લાઇંગ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાનું સપનંુ હતું
વિમાનો બનાવતી કંપનીના ઉત્પાદનની સાથે મહારાજાએ વડોદરામાં વિમાનો ઉડાવવાની તાલીમ માટે સેન્ટર શરૂ કરવા માગતા હતા. જોકે પછીના વર્ષોમાં જ્યારે મહારાજા પ્રતાપસિંહરાવે આ તાલીમ આપવાની વ્યવસ્થા ઊભી કરી તેની સાથે જ સાકાર થઇ હતી.

પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવ બંધાવ્યું હતું
આ વિમાનોના નિર્માણમાં પુષ્કળ પાણીની પણ જરૂરિયાત ઊભી થાય તેમ હતું. તેને ધ્યાનમાં રાખીને એક તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એટલું જ નહીં હેન્ગરની નજીકના વિસ્તારમાં એક પાણીની ટાંકી પણ બંધાવી હતી. તેની પાઇપલાઇન પણ ફીટ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...