વડોદરા શહેરમાં શિયાળાની ઠંડીમાં ચોર ટોળકીઓ સક્રિય બની છે. શહેરના છાણી અને બાપોદમાં લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરાયા છે.
શહેરના છાણી વિસ્તારમાં આવેલ અવધ રેસીડેન્સી-2માં રહેતા ક્રૃતિ વિશેષ જયસ્વાલ વતન ઉત્તર પ્રદેશ જવાનું હોવાથી ઘરનો સામાન પેક કરી ઘરની સાફ સફાઇ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓના ડ્રોવરમાં મુકેલ સોનાના દાગીના ભરેલ ડબ્બો ચેક કરતા દાગીના ગુમ હતા. જેમાં સોનાનો નેકલેશ, પેન્ડન્ટ, ચેઇન, બ્રેસલેટ, સોનાની ડાયમંડવાળી બુટ્ટી સહિત કુલ 7 લાખ 71 હજારની કિંમતનો મુદ્દામાલ ન મળતા છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બાપોદની શેષનારાયણ સોસાયટીમાં દાગીના ચોરાયા
શહેરના બાપોદ વિસ્તારમાં આવેલ શેષનારાયણ સોસાયટીમાં રહેતા પરેશભાઇ પટેલ નોકરી પર ગયા હતા અને પત્ની ઘરે લોક મારી બહાર ગયા હતા. પત્ની બપોર બાદ ઘરે પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને કબાટનું લોક તૂટેલું હતું. ઘરમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સોનાની ત્રણ વીંટી, સોનાની એક રુદ્રાક્ષમાળા, સોનાના બે પેન્ડન્ટ, સોનાની બે ચેઇન તેમજ રોકડા 50 હજાર ગુમ હતાં. જે અંગે બાપોદ પોલીસે 1 લાખ 62 હજારના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ દાખલ કરી છે.
માંજલપુરમાં જૂની અદાવતમાં હુમલો
શહેરના માંજલુપર વિસ્તારમાં આવેલ નિર્મલપાર્ક સોસાયટીમાં રહેતા અક્ષયભાઇ અશોકભાઇ સોલંકી તેમના મિત્ર સંજય પરમાર સાથે મારુતિ ધામ પાસે બેઠા હતા. આ દરમિયાન જૂની અદાવતને કારણે ગામડ ઉર્ફે નિપુલ પટેલ, પપ્પુ ઉર્ફે રજનીકાંત પઢિયાર અને બાબુ ઉર્ફે મહાદેવ મિસ્ત્રીએ માર માર્યો હતો. આ મામલે માંજલુપ પોલીસ સ્ટેશનમાં હુમલો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શિનોરના સેગવા પાસેથી 4.36 લાખ દારૂ સહિત 8.36 લાખનો મુદ્દામાલ જપ્ત
શિનોર પોલીસે બાતમીના આધારે મોટા કોરાળા ગામે એક બિનવારસી ટેમ્પોમાં દારૂ ભરેલો છે. જેના આધારે તપાસ કરતા ટેમ્પોમાંથી 1092 બોટલ વિદેશી દારૂ જેની કિંમત 4 લાખ 36 હજાર તેમજ ટેમ્પો મળી કુલ 8 લાખ 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ટેમ્પોની તપાસ કરતા વિમાની કોપીમાં રવિભાઇ રાયમલભાઇ ચાવડા (રહે. મફતીયાપરા, તા. ગોંડલ. જી. રાજકોટ)નું નામ હોવાનું બહાર આવ્યું છે.
સમામાં કારમાંથી દારૂ ઝડપાયો
શહેરના સમા વિસ્તારમાં પોલીસ બાતમીના આધારે મારુતી ફ્રન્ટી કાર અટકાવી હતી. કારમાં તપાસ કરતા દારૂની 120 બોટલ મળી હતી. તેમજ કારમાં સવાર બે શખ્સો પ્રવિણભાઇ ગણપતિભાઇ જાદવ (રહે. સમા ગામ, વડોદરા) અને કમલેશ દિનેશભાઇ ચાવડા (રહે. નવી નગરી, સમા, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.