વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રાત્રે વોકિંગ માટે નીકળેલી નર્સનો અછોડો તોડી બાઇક પર ફરાર થયેલા બે શખ્સોમાંથી એકને પોલીસે ઝડપી લીધો છે. ચેઇન સ્નેચરે અછોડો એટલો જોરથી ખેંચ્યો હતો કે, મહિલાના ગળામાં ઘસરકો પડી ગયો હતો.
ચેઇન સ્નેચર રોંગ સાઇડ આવ્યો
વડોદરામાં મકરંદ દેસાઇ રોડ પર આવેલ અંશુ બંગલોમાં રહેતાં અને એસ.એસ.જી. હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીફે ફરજ બજાવતાં મમતાબેન આશુતોશ રાવલ ગત રાત્રે વોકિંગ કરવા માટે નીકળ્યાં હતાં. રાત્રે નવ વાગ્યા આસપાસ મકરંદ દેસાઇ રોડ પર ખોડિયાર ડેરીથી આગળ રાજીવનગર પાસે ICICI બેંકના ATM સામેથી ચાલતાં જતાં હતાં, ત્યારે સામેથી રોંગ સાઇડ પર બાઇક પર આવેલા બે શખસોમાંથી પાછળ બેઠેલાએ મમતાબેનના ગાળમાંથી સોનાની સાડા ત્રણ તોલાની ચેઇન આંચકી લીધી હતી.
ચેઇન સ્નેચરનો વીડિયો બનાવ્યો
મમતાબેને ચોર ચોરની બૂમો પાડતા બાઇકસવાર ચેઇન સ્નેચર્સ રાણેશ્વર તરફના રસ્તે ભાગી ગયા હતા. તેમજ રસ્તા પર ટુ-વ્હીલર જઇ જતો એક યુવક આ ચેઇન સ્નેચર્સને પકડવા માટે પાછળ ગયો હતો. જેણે ચેઇન સ્નેચર્સનો વીડિયો બનાવી લીધો હતો. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થઇ ગયાં હતાં અને પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
ગળામાં ઘસરકો પડી ગયો, કૂર્તો પણ ફાટ્યો
બાઇક પર આવેલા ચેઇન સ્નેચરે મમતાબેનના ગળામાંથી અછોડો તોડવા દરમિયાન એટલો જોરથી આંચકો માર્યો હતો કે, તેમના ગળાના ડાબી બાજુ ઘસરકો પડી ગયો હતો. તેમજ તેમના કુર્તાના ગળાનો પાછળનો ભાગ ફાટી ગયો હતો.
મમતાબેન આજે જ એકલા નીકળ્યાં હતાં
મમતાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા પતિ (આશુતોશ) સાથે દરરોજ રાત્રે સાડા નવ આસપાસ મકરંદ દેસાઇ રોડ પર ચાલવા નીકળું છું. પરંતુ ગત રાત્રે મારા પતિ અને પુત્ર બહારગામ ગયા હોવાથી હું એકલી ચાલવા નીકળી હતી. ઉલ્લેખનીય છે કે, મમતાબેનના પતિ આશુતોશ રાવલ વડોદરામાં એલ એન્ડ ટી નોલેજ સિટીમાં મનેજર છે. તેમજ પુત્ર દીપ પણ એલ એન્ડ ટીમાં નોકરી કરે છે.
પોલીસે ચેઇન સ્નેચરને ઝડપ્યો
સમગ્ર બનાવને પગલે દોડી આવેલી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જેમાંથી એક ચેઇન સ્નેચર દિલીપ રમણભાઇ વાદીની ધરપકડ કરી લીધી છે. આરોપી દિલીપ ગેસ-કૂકર રિપેરિંગનું કામ કરે છે અને જીઇબી સ્કૂલ સામે ફૂટપાથ પર રહે છે. દિલીપ મૂળ વડોદરા જિલ્લાના વાઘોડિયાના રામેસરા ગામના પ્રિયંકાનગરનો રહેવાસી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.