તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • These Corona Warriors Have Never Encountered Patients, But Have Been Instrumental In Saving Thousands Of Lives, With Over 2 Million Corona Samples Tested.

સ્ટાફની દિવસ-રાત સેવા:મળો એવા કોરોના વોરિયર્સને, જેઓ ક્યારેય દર્દીઓને મળ્યા નથી, પણ હજારો લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરોડા મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગે સવા વર્ષમાં કોરોનાનાં 2 લાખ સેમ્પલનું પરીક્ષણ કર્યું
  • મ્યુકોરમાઇકોસિસનાં 285 સેમ્પલ ચકાસીને સચોટ રિપોર્ટ આપ્યા

કોરોનાની આડઅસરના રૂપમાં હવે સૂક્ષ્મ ફૂગજન્ય મ્યુકોરમાઇકોસિસના રોગચાળાએ માથું ઊંચક્યું છે, ત્યારે બરોડા મેડિકલ કોલેજનો માઇક્રોબાયોલોજી વિભાગ અને એને સંલગ્ન પ્રયોગશાળા ફંગસના સચોટ પરીક્ષણ દ્વારા આ રોગનું નિર્ધારણ કરવામાં ખૂબ જ અગત્યનું જીવનરક્ષક યોગદાન આપી રહ્યાં છે. આ વિભાગનો સ્ટાફ ક્યારેય દર્દીઓને મળ્યો નથી, પણ કોરોનાના સેમ્પલનું પરીક્ષણ કરીને હજારો લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

શંકાસ્પદ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓનાં સેમ્પલની ચકાસણી માટે મોકલવામાં આવે છે
વડોદરાની સયાજી હોસ્પિટલના કાન, નાક અને ગળાના વિભાગ દ્વારા શંકાસ્પદ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓનાં સેમ્પલ ચકાસણી માટે આ વિભાગને મોકલવામાં આવે છે. અત્યારસુધીમાં આ વિભાગે અંદાજે 285 જેટલાં સેમ્પલ ચકાસીને સચોટ રિપોર્ટ આપ્યો છે, જેને આધારે દર્દીઓની અસરકારક સારવાર નિર્ધારિત કરવામાં ખૂબ મદદ મળી છે. આ વિભાગ મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકર અને સયાજી હોસ્પિટલના તબીબી અધીક્ષક ડો.રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ સહ-પ્રાધ્યાપકના નેતૃત્વ હેઠળ છેલ્લા સવા વર્ષથી લગભગ રાત-દિવસ સતત કામ કરીને મહામારીના પડકારને પહોંચી વળવામાં ચાવીરૂપ યોગદાન આપી રહ્યો છે. કોરોના સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.ઓ.બી.બેલીમના સહયોગથી આ વિભાગ સંકલન જાળવીને કાર્યરત છે.

બરોડા મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગે મ્યુકોરમાઇકોસિસનાં 285 સેમ્પલ ચકાસીને રિપોર્ટ આપ્યા.
બરોડા મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગે મ્યુકોરમાઇકોસિસનાં 285 સેમ્પલ ચકાસીને રિપોર્ટ આપ્યા.

RT-PCR માટે દૈનિક 1500 જેટલાં સેમ્પલ અહીં આવતાં હોય છે
આ વિભાગ અને પ્રયોગશાળાએ ઉપરોક્ત સમયગાળા દરમિયાન અંદાજે 2 લાખથી વધુ કોવિડ સેમ્પલનું સચોટ પરીક્ષણ કર્યું છે. RT-PCR માટે દૈનિક 1500 જેટલાં સેમ્પલ અહીં આવતાં હોય છે, ત્યારે 24 કલાકમાં અને ઇમર્જન્સી કેસોમાં 8 કલાકમાં રિપોર્ટ આપવાનું આ વિભાગના તબીબો અને કર્મયોગીઓએ અવિરત કામ કર્યું છે. તેની સાથે હવે મ્યુકોરમાઇકોસિસનાં સેમ્પલનાં પરીક્ષણને લીધે કાર્યભારણ ખૂબ વધવા છતાં આ વિભાગ સક્ષમ સેવાઓ આપી રહ્યો છે.

ચેપી રોગો માટેનાં સેમ્પલનાં પરીક્ષણની રૂટિન કામગીરી ચાલતી જ રહે છે
આ ઉપરાંત અહીં અન્ય ચેપીરોગો માટેનાં સેમ્પલના પરીક્ષણની રૂટિન કામગીરી ચાલતી જ રહે છે. વધુમાં, દર્દીમાં કોરોનાની અસરનું પ્રમાણ અને સારવારની અસરકારકતાનો નિર્દેશ આપતો CRP ટેસ્ટ પણ આ વિભાગ જ હેન્ડલ કરે છે. આમ તો આ વિભાગ મેડિકલ કોલેજની સ્થાપનાના સમયથી જ કાર્યરત છે. આ વિભાગમાં પ્રાધ્યાપક, સહ-પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક, ટ્યૂટર, એમ.ડી. માઈક્રોબાયોલોજીનું ભણતા નિવાસી તબીબો, લેબ-ટેક્નિશિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર અને વર્ગ ચારના સેવકો એક ટીમ તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપે છે.

અમને ગૌરવ છે કે હજારો લોકોની જીવનરક્ષામાં અમે શક્ય એટલું યોગદાન આપી રહ્યા છીએ
આ વિભાગની ટીમ કહે છે, અમારી ટીમ છેલ્લા સવા વર્ષથી સતત ખૂબ વધારે ભારણ વચ્ચે કાર્યરત છે. અમારા લેબ રિપોર્ટને આધારે દર્દીની રોગગ્રસ્તતા અને સારવારની દિશા, ઉપચારની અસર અને તેમાં ફેરફારનો નિર્ણય લેવાય છે. અમને ગૌરવ છે કે હજારો લોકોની જીવનરક્ષામાં અમે શક્ય તેટલું યોગદાન આપી રહ્યા છીએ.

આ વિભાગની ટીમ કહે છે કે અમારી ટીમ છેલ્લા સવા વર્ષથી સતત ખૂબ વધારે ભારણ વચ્ચે કાર્યરત છે.
આ વિભાગની ટીમ કહે છે કે અમારી ટીમ છેલ્લા સવા વર્ષથી સતત ખૂબ વધારે ભારણ વચ્ચે કાર્યરત છે.

કોવિડનું વાયરોલોજિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે
એક રૂટિન તરીકે આ વિભાગમાં બેક્ટેરિયોલોજી અને વાયરોલોજીના તમામ ટેસ્ટ કરવામાં આવે છે. બેક્ટેરિયલ કલ્ચર દ્વારા ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, કમળો, ટાઇફોઈડ જેવા રોગોને લગતા નમૂનાઓની ચકાસણી કરવામાં આવે છે. મ્યુકોરમાઇકોસિસનો ઉપદ્રવ થતાં હવે ફંગસ કલ્ચરની તપાસ થાય છે અને કોવિડનું વાયરોલોજિ0કલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

અલાયદો વિભાગ અને સ્ટાફ રાત-દિવસ કામ કરતો રહે છે
માર્ચ-2020થી અહીં કોરોનાનાં સેમ્પલોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. એેનાં જરૂરી ઉપકરણો તો પહેલાંથી જ અહીં હતાં, જેની મદદથી સ્વાઇન ફ્લૂના નમૂનાની ચકાસણી થતી જ હતી. એ પછી જરૂરી કિટની ફાળવણી સાથે અહીં કોવિડના નમૂનાઓ ચકાસવાનું કામ શરૂ થયું. શરૂઆતમાં 2 મશીન હતાં, અત્યારે 5થી 6 મશીન છે. સ્વાઇન ફ્લૂનો રોગચાળો ફેલાયો ત્યારે દૈનિક 90 જેટલાં સેમ્પલની ચકાસણી થતી. એની સામે કોવિડના લગભગ 1500 નમૂનાની પીક સમયમાં ચકાસણી કરવી પડતી હતી, જેના માટે અલાયદો વિભાગ અને સ્ટાફ રાત-દિવસ કામ કરતો રહે છે.

ખાસ તકેદારીઓ સાથે સ્ટાફ કામ કરે છે
ચેપથી સ્ટાફને બચાવવા માટેના વૈશ્વિક માપદંડોને અનુસરીને બાયો સેફ્ટીની જરૂરી વ્યવસ્થાઓ વચ્ચે સલામત કામગીરીની કાળજી લેવામાં આવે છે. N-95 માસ્ક, PPE કિટ, હાથ મોજા, હેન્ડ સ્ટરિલાઈઝેશન જેવી નિર્ધારિત તકેદારીઓ લેવાની વ્યવસ્થા છે. આ વિભાગે મધ્ય ગુજરાતની 12 જેટલી સરકારી અને ખાનગી સંસ્થાઓના સ્ટાફને RT-PCR સેમ્પલના પરીક્ષણની ICMRની ગાઇડલાઇન્સ પ્રમાણે તાલીમ આપી છે. તેમની વ્યવસ્થાઓનું જરૂરી સર્ટિફિકેશન કર્યું છે, જેના પરિણામે આ સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટનાં સેમ્પલનું પરીક્ષણ શરૂ થતાં ખૂબ સરળતા થઈ છે.

મ્યુકોરમાઇકોસિસનો ઉપદ્રવ થતાં હવે ફંગસ કલ્ચરની તપાસ થાય છે.
મ્યુકોરમાઇકોસિસનો ઉપદ્રવ થતાં હવે ફંગસ કલ્ચરની તપાસ થાય છે.

કોવિડ-મ્યુકોરમાઇકોસિસ રોગોના પડકારોમાં લોકોના જીવનની રક્ષામાં સમર્પિત યોગદાન આપે છે
મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલના અન્ય વિભાગોની સાથે માઈક્રોબાયોલોજી વિભાગ કોવિડ અને મ્યુકોરમાઇકોસિસ રોગોના પડકારોમાં લોકોના જીવનની રક્ષામાં સમર્પિત યોગદાન આપી રહ્યો છે.