સ્વૈચ્છિક સંસ્થાને પોતાની કામગીરી માટે જાહેર જનતા પાસેથી નાણાં લેવાં હશે તો તેવી એનજીઓએ સોશિયલ સ્ટોક એક્સચેન્જમાં નોંધણી કરાવવી પડશે. એનજીઓ પાસે જે નાણાં આવશે તે દાતા માટે રિટર્નેબલ નહીં હોય પણ સ્ટોક એક્સચેન્જ મારફતે તે બોન્ડ બહાર પાડશે, બોન્ડ માટે વ્યાજ કે મૂડી નહીં હોય, તેમ વડોદરાની મુલાકાતે આવેલા સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય ડો.સંજીવકુમાર સિંઘલે જણાવ્યું હતું.
આઇસીએઆઇ સેબીના માર્ગદર્શનમાં ટેક્નિકલ પાસાનું મટિરિયલ તૈયાર કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ એક્સચેન્જ બોર્ડ શરૂ થયા બાદ એનજીઓની કામગીરીનું મૂલ્યાંકન કરાશે. દાખલા તરીકે કોઇ એનજીઓ કોઇ વિસ્તારમાં બાળકો-મહિલાઓના કુપોષણના મુદ્દે લોકો પાસેથી નાણાં સ્વીકારે છે. કેટલાક સમય બાદ તેની અસરનું મૂલ્યાંકન કરાશે અને આ એનજીઓના પ્રયાસને લીધે જ થયું છે કે નહીં તેના વિશેના રિપોર્ટ પણ બહાર પડાશે. એટલે જે એનજીઓની કાર્યક્ષમતા સારી હશે તેમને ફંડ પણ વધુ મળશે.
ડો. સિંઘલે જણાવ્યું કે, દેશમાં 34 લાખ જેટલી એનજીઓ છે, જેમાંથી 34 હજાર એનજીઓ આ સ્ટોક એક્સચેન્જ અંતર્ગત આવે તો 350થી 400 સીએને ઓડિટર્સ તરીકેની કામ મળશે. જોકે હાલ આ અંગે કહેવું વહેલું છે. આ એનજીઓ માટે ફરજિયાત નથી, જે એનજીઓ જાહેર વ્યક્તિ પાસેથી નાણાં ઇચ્છે છે તેમના માટે જ ફરજિયાત હશે. વિવિધ કંપનીના ફાઉન્ડેશન્સ આ સોશિયલ સ્ટોક એક્સચેન્જના નેજા હેઠળ નહીં આવે. આ એક્સચેન્જના ઓડિટર તરીકે કામ કરવા કંપની સેક્રેટરી, કોસ્ટ એકાઉન્ટન્ટ અને કોમર્સનો પોસ્ટ ગ્રેજ્યુએટ પણ સક્ષમ ગણાશે, જેને 50 કલાકની વિશેષ ટ્રેનિંગ લેવી પડશે.
ટ્રેનિંગ બાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી મેનેજમેન્ટ તેની પરીક્ષા લેશે, જેને ઉમેદવારે પાસ કરવી પડશે. 6થી 12 મહિનામાં સોશિયલ ઓડિટ સ્ટાન્ડર્ડ્સ આઇસીએઆઇ તૈયાર કરશે, ત્યારબાદ તેનો અમલ કરાશે. ઇંગ્લેન્ડ સહિત 8 દેશોમાં આવા સોશિયલ સ્ટોક એક્સચેન્જ છે પણ તેના પર નિયમનો ન હોવાથી સફળ થયાં નથી.
તબીબી છાત્રોને જેમ સીએના વિદ્યાર્થીને પણ સ્પેશિયલાઇઝેશનના વિકલ્પ મળશે
વેસ્ટર્ન રિજ્યન કાઉન્સિલના ચેરપર્સન મુર્તુઝા કાચવાલાએ જણાવ્યું કે, હાલમાં ઇન્સોલ્વન્સી, બેંકરપ્સી કોડ, બિઝનેસ રિકન્સ્ટ્રક્શન પ્રોસેસ જેવાં નવાં ક્ષેત્રો ઊઘડી રહ્યાં છે ત્યારે તબીબોની જેમ સીએના વિદ્યાર્થીઓને સીએ બન્યા બાદ પણ સ્પેશિયલાઇઝેશનના વિકલ્પો મળશે. ઉપરાંત સીએ મેમ્બર માટે પણ વિવિધ રિફ્રેશર્સ કોર્સનું આયોજન કરાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.