કોંગ્રેસે વધુ 33 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં વાઘોડિયા અને ડભોઇના ઉમેદવારોનાં નામ જાહેર કરાયાં છે. કાર્યકરોના વિરોધ વચ્ચે કોંગ્રેસે સત્યજીત ગાયકવાડને વાઘોડિયાથી ટિકિટ આપી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા બાળકૃષ્ણ ઢોલાર ભાજપના શૈલેષ સોટ્ટા સામે ટકરાશે.કોંગ્રેસે ચૂંટણીમાં અગાઉ ઉમેદવારોની 4 યાદી જાહેર કરી હતી. જ્યારે રવિવારે 33 ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં વાઘોડિયામાં સત્યજિત ગાયકવાડનું નામ જાહેર કરાયું છે. આયાતી ઉમેદવારને જાહેર ન કરવા કાર્યકરોએ વિરોધ કર્યો હતો. છતાં કોંગ્રેસે સત્યજિત ગાયકવાડ પર વિશ્વાસ મૂકી ટિકિટ આપી છે.
જ્યારે ડભોઈમાં વર્ષ 2012થી 2017 સુધી ભાજપમાં ધારાસભ્ય રહેલા બાલકૃષ્ણ પટેલ-ઢોલારે ચૂંટણી અગાઉ જ કેસરિયા હટાવી કોંગ્રેસના હાથ સાથે હાથ મિલાવ્યો હતો. ભાજપે ડભોઇમાંથી શૈલેષ સોટ્ટાને ઉમેદવાર બનાવતાં સિદ્ધાર્થ પટેલની જગ્યાએ કોણ લડશે તેવી અટકળો ચાલતી હતી. તેવામાં રવિવારે કોંગ્રેસે બાલકૃષ્ણ પટેલ ઢોલારનું નામ જાહેર કરતાં જ હવે ડભોઈમાં જોરદાર ટક્કર થવાની શક્યતા જોવાઇ રહી છે.
2017માં પણ ઢોલારે અસંતોષ વ્યક્ત કર્યો હતો
બાળકૃષ્ણ ઢોલર 2012 થી 2017 સુધી ધારાસભ્ય રહ્યા હતા. 2017માં ભાજપે તેઓની ટિકિટ કાપી વડોદરાના શૈલેષ સોટ્ટાને ટિકિટ આપી હતી. તે વખતે મોવડી મંડળ તેમને સમજાવીને નારાજગી દૂર કરી હતી. જોકે આ વખતે તેમને ટિકિટ નહીં મળે તેવો અણસાર આવતાં જ ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. આ વખતે ડભોઇમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળશે.
કાર્યકરોની આયાતી ઉમેદવાર ન મૂકવા માગ હતી
વાઘોડિયામાં સત્યજીત ગાયકવાડે ટિકિટની જાહેરાત પૂર્વે જ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. જેના પગલે કોંગ્રેસી કાર્યકરોના એક જૂથમાં નારાજગી જોવા મળી હતી. તાજેતરમાં ભાજપે અશ્વિન પટેલનું નામ જાહેર કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ વાઘોડિયામાં આયાતી ઉમેદવારને ન મૂકવાની માગ સાથે વિરોધનો સૂર ઉઠાવ્યો હતો, છતાં પાર્ટીએ સત્યજીત ગાયકવાડના નામ પર મહોર મારી છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોની નારાજગી દૂર થશે કે કેમ તે અંગે પ્રશ્ન ઊભો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.