હાઇવેનાં પાણી ડાઇવર્ટ કરાશે:વાઘોડિયા ચોકડીથી જાંબુવા સુધીની 12.5 કિમીની વરસાદી ચેનલ બનશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ચેનલ માટે અગાઉ ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો હતો

શહેરના પૂર્વ વિસ્તારમાં તોફાની વરસાદ ટાણે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે અને તેના માટે હાઇવેનું વરસાદી પાણી જવાબદાર હોય છે ત્યારે તેના કાયમી ઉકેલ માટે પાલિકા દ્વારા 12.5 કિલોમીટર લંબાઇમાં વાઘોડિયા ચોકડી થી જાબુંવા સુધી વરસાદી ચેનલ બનાવવાનું આયોજન વિચારણા હેઠળ લેવામાં આવ્યુ છે.

અત્રે નોંધનીય છે કે દર વર્ષે ચોમાસામાં પૂર્વ વિસ્તારમાં હાઈવે તરફથી વરસાદી પાણીની જબરજસ્ત આવક થતા આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય છે અને તેના કારણે નાગરિકોને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવું પડે છે.આ અગાઉ પાલિકાએ દરજીપુરા એપીએમસીથી 6 કિલોમીટર સુધીની ચેનલ બનાવવામાં આવી છે અનેવરસાદી પાણી વિશ્વામિત્રીમાં ડાઇવર્ટ કરવામાં આવે છે.

પરંતુ વાઘોડિયા રોડ વિસ્તારમાં હાઇવેનું પાણી જળબંબાકારની સ્થિતિ સર્જી રહ્યું છે. જે 6 કિલોમીટરની ચેનલ બનાવી છે તે દરજીપુરાથી ગોલ્ડન ચોકડી, સમા થઈને વેમાલી તરફ નદીને મળે છે. હવે હાઇવેના પાણીને શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી વળતું રોકવા માટે બીજા ભાગની કામગીરી કરવાનું આયોજન હાથ પર લેવાનો તખ્તો ઘડવામાં આવ્યો છે. આ પ્રોજેકટ પાર પાડવા માટે રૂ. 150 કરોડનો ખર્ચ થાય તેમ છે. જેમક વાઘોડિયા ચોકડી એલ.એન્ડ.ટી પાસેથી આ ચેનલ શરૂ કરીને વાઘોડિયા ચોકડી, કપુરાઈ ચોકડી, તરસાલીથી જાંબુઆ તરફ નદી બાજુ લઈ જવામાં આવશે.

જોકે આ ચેનલ માટે અગાઉ ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં યોજના આગળ વધી શકી ન હતી. આ મોટી યોજના માટે સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવી પડશે. આ મામલે સમર્થન આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વરસાદી ચેનલની આ યોજના માટે ઝડપથી આગળ વધીશું. આ અંગેની જરૂરી કાર્યવાહી વહેલી તકે પુરી કરવામાં આવશે જેથી ચેનલનું કામ જલદી શરૂ થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...