એલસીબીની દલીલ:વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો નહોતો થયો, ટ્રેકનો પથ્થર ઉછળી બારીમાં અથડાયો હતો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે સ્થળ પાસે ઘટના બની તેની આસપાસ કોઈ ઘર કે ઝૂંપડા નથી
  • ઓવૈસીના પથ્થરમારાના આક્ષેપ બાદ રેલવે એલસીબીની દલીલ

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી માટે બે દિવસ ગુજરાત આવ્યા હતા. રવિવારે સાંજે અમદાવાદમાં સભા યોજ્યા બાદ સોમવારે તેઓ વંદે ભારત ટ્રેનમાં સુરત જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રેન પર પથ્થરમારો કરાયો હોવાના આક્ષેપ કરાયા હતા. પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને દાવો કર્યો છે કે, ઓવૈસી સુરત જતા હતા ત્યારે ઘટના બની છે. બીજી તરફ રેલવે વિભાગ અને રેલવે એલસીબીએ ગણતરીના કલાકોમાં તપાસ કરી કહ્યું, કોઈએ પથ્થર માર્યો નથી. ટ્રેક પરનો પથ્થર ઊછળીને બારીએ અથડાયો હતો.

વેસ્ટર્ન રેલવે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરી જણાવાયું છે કે, અંકલેશ્વર સ્ટેશન અપ ટ્રેક પર થાંભલા નં.316/29થી 317/15 સુધી ટ્રેક સમારકામ માટે કોશન ઓર્ડર અપાયો હતો. જેથી આ સમયે ડાઉન ટ્રેક પરથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન જતી હતી. તે જ વખતે વંદે ભારત ટ્રેન અપ લાઇન પર આવી હતી. તે દરમિયાન ટ્રેક પરના પથ્થર ધ્રુજારીને કારણે ઉછળી વંદે ભારત ટ્રેનના કોચ ઇ-02ની બારીના કાચ પર વાગતાં સામાન્ય તિરાડ પડી ગઇ હતી. આ બનાવમાં કોઇ કાવતરું કે માનવીય દ્વેષ ભાવના જણાતી નથી. આ અંગે તપાસ ના. પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે સુરત ડી.એચ. ગોર કરી રહ્યા છે.ઘટના સ્થળે રેલવેના બીસી મશીન દ્વારા કામ ચાલી રહ્યું હતું. જે ઘટના સ્થળ દર્શાવાય છે તેની બંને બાજુ કોઈ ઘર કે ઝૂંપડું નથી.

ગોલ્ડન બ્રિજ-અંકલેશ્વર વિસ્તાર ખૂંદી કઢાયો
એઆઇએમઆઈએમ પક્ષના પ્રવક્તા વસીમ પઠાણે સોશિયલ મીડિયામાં હોબાળો કરતાં રેલવે એલસીબી હરકતમાં આવી હતી અને આખી રાત ગોલ્ડન બ્રિજ અને અંકલેશ્વર પહેલાંના વિસ્તારને ખૂંદી કાઢ્યો હતો. જોકે પથ્થરમારાની ઘટનાને સમર્થન મળે તેવો કોઈ પણ પુરાવો મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...