SSGના OPD વિભાગની છતના પોપડા મંગળવારે ખર્યા હતા. પાર્ટીશન દિવાલની ઉપર પોપડાનો કાટમાળ પડતાં જાનહાની કે ઈજા થઈ નહોતી. હોસ્પિટલનું વર્ષો જૂનું બિલ્ડીંગ સમારકામ માગી રહ્યું છે. વરસાદમાં કેટલી જગ્યાએ પાણી ટપકી લીલ બાઝે છે. મંગળવારે ઓપીડી વિભાગમાં સવારે છતના પોપડા ખરતા દર્દીઓમાં ગભરાટ ફેલાયો હતો.
વચ્ચેની પાર્ટીશન દિવાલ ઉપર કાટમાળ પડ્યો હતો, ત્યાં જ દર્દીઓના સગાઓને બેસવા માટે બેંચ મૂકવામાં આવેલી છે. એક બાજુ સયાજી હોસ્પિટલમાં નવી બિલ્ડીંગો બાંધવામાં આવે છે જ્યારે વર્ષો જૂના બિલ્ડીંગને સમારકામની જરૂર છે ત્યાં યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી તે સ્પષ્ટપણે દેખાય છે.
હોસ્પિટલના આરએમઓ આર.બી.શાહે જણાવ્યું હતું કે, અમે પીઆઇયુ વિભાગને તાત્કાલિક જાણ કરી છે અને સમારકામ હાથ ધરવામાં આવશે. આ બિલ્ડીંગ ખૂબ જ જૂનું છે અને તેને શિફ્ટ કરી નવું બિલ્ડીંગ બનાવવાની પણ મંજૂરી આવી ગઈ છે. ટૂંક સમયમાં તે પણ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સિવાય પણ સર્જિકલ બિલ્ડીંગ અને અન્ય બિલ્ડીંગોમાં પણ રાઉન્ડ લઇ જરૂરી સુચનો કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.