છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં માવઠાની અસર જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરના વાતાવરણમાં આજે બપોરે અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતાં અડધો ઈંચ જેટલો વરસાદ નોધાયો હતો.શહેરમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યાં હતાં.ગોત્રી, ગોરવા સહિત અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદ સાથે કરા પડ્યાં હતાં. તો રાજ્યના કેટલા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો છે. આજે હવામાન વિભાગે અડઘા ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.બીજી તરફ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પણ કરા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો, સુરતના ઉમરપાડામાં કરા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતા વધારી
અડધો ઈંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં આગામી દિવસ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બપોરે 3 વાગ્યે તડકો હતો. પરંતુ અચાનક વાદળ ગોરંભાયા હતા. જ્યાર બાદ ગાજવીજ સાથે વડોદરા શહેર સહિત જિલ્લામાં પણ વરસાદ શરુ થયો હતો. જેમાં વડોદરા શહેરમાં એક કલાકમાં અંદાજે અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
ખેડૂતોમાં ચિંતાનું મોજું
વરસાદને કારણે શહેરનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું. પરંતુ વડોદરા જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જેમાં ખાસ કરીને ઘઉં અને ઉનાળું શાકભાજીના પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઇ છે.
વિવિધ વિસ્તારોમાં ઝાડ પડ્યા
પવન ફૂંકાવાની સાથે વરસાદ પડતા શહેરના કારેલીબાગ બુદ્ધદેવ સોસાયટી સામે સ્લમ કોટર્સ પાસે, સલાટવાડા ગવર્મેન્ટ કોલોની પાસે, સન રેસીડેન્સી ગાયત્રી પેટ્રોલ પંપ પાછળ ઉંડેરા, અલકાપુરી સોસાયટી સીએચ જ્વેલર્સ વાળી ગલીમાં મેઇન રોડ અને આરસી દત રોડ અલકાપુરી એક્સપ્રેસ હોટલ વાળા મેઈન રોડ પર ઝાડ પડ્યાના બનાવ બન્યા છે. આમ શહેરમાં કુલ પાંચ ઝાડ ધરાશાઈ થયાના બનાવો વડોદરા ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયા છે.
ઉમરપાડામાં વરસાદ
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર, ખૌટારામપુરા, રાજનીવડ , વડગામ, ડોંગરીપાડા, કોલવાણ, મોટીદેવરૂપણ, ઉમરદા સહિતના ગામોમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો. તો બીજી તરફ સુરજ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ધોધમાર વરસાદની સાથે બરફના કરાઓ પણ પડ્યા હતા. ઉનાળાના સમયમાં કરા પડતા હિમવર્ષા જેવો માહોલ બની ગયો હતો.જેને લઇ ઉમરપાડા સહિતના તાલુકા અને ગામોમાં કાશ્મીર જેવી ઠંડક થઈ ગઈ હતી.
ખેડૂતોની વધી ચિંતા
ઉનાળાના સમયમાં જે રીતે વરસાદીમાં માહોલ બની રહ્યો છે અને કમોસમી વરસાદ ઉપરાંત બરફના કરા પડી રહ્યા છે તેને લઈ પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. સુરત જિલ્લામાં ફરી એક વખત કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા બમણી થઈ છે. અને આ પ્રકારના વરસાદને લઈ જગતનો તાત ચિતામાં મુકાયો છે. કમોસમી વરસાદ અને બરફના કરાને કારણે કેરી ઉપરાંત લીલી શાકભાજી અને બાગાયતી પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
કઈ તારીખે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા
17 માર્ચે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે.
18 માર્ચે દાહોદ , ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેની રાજ્યના 7 જિલ્લામાં 19 માર્ચ સવારે સાડા આઠ વાગ્યા સુધી માવઠાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.