ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ભાજપા દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવી છે. એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાનો બાકી છે. માંજલપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલ 8મી વખત ચૂંટણી લડવા માટે જીદ પકડીને બેઠા હોવાથી માંજલપુરની બેઠક માટે ઉમેદવારની જાહેરાત કોકડું ગુંચવાયું હોવાનું વગદાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. અલબત્ત ભાજપા દ્વારા આ બેઠક ઉપર તાજેતરમાં સંગઠનમાં લેવામાં આવેલા યુવા ચહેરાને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ હોવાનું જાણવા મળ્યું છે. અને યુવા ઉમેદવારનું ફોર્મ ભરવા માટે પ્રદેશ કક્ષાના નેતાઓ પણ આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
માંજલપુર બેઠક પર બળવાના એંધાણ
ઉલ્લેખનિય છે કે, વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ 4 વખત રાવપુરા બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો થયા બાદ તેઓ છેલ્લી 2 ટર્મથી માંજલપુર બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે. આ વખતે ભાજપા દ્વારા તેઓની 76 વર્ષની ઉંમર થઇ જતાં તેઓની ટિકીટ કાપીને અન્ય ઉમેદવારને ટિકીટ આપવાની કવાયત હાથ ધરી હતી. પરંતુ, ધારાસભ્ય યોગેશ પટેલે આડકતરી રીતે બળવાના સૂર આલોપતા અને ટિકીટ માટે જીદ કરતા ભાજપા માટે માંજલપુર બેઠક ઉપર કોકડું ગુંચવાયું હોવાનું જાણવા મળ્યું છે.
ઉમેદવારી પત્ર અને સોંગદનામું તૈયાર
ભાજપા દ્વારા સમગ્ર ગુજરાતમાં એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત ન કરતા આ બેઠક ઉપર ભાજપા દ્વારા જે આજદિન સુધી ચર્ચામાં આવ્યું નથી. અને દાવેદાર પણ નથી તેવા કોઇ યુવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યું હોવાનું વિશ્વાસપાત્ર વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે. કહેવાય છે કે, માંજલપુર બેઠક ઉપર 8મી વખત ચૂંટણી લડવા માટે જીદ પકડીને બેઠેલા યોગેશ પટેલને ટિકીટ આપવામાં નહિં આવે તો બળવો પણ કરી શકે છે. એવી પણ માહિતી છે કે, ધારાસભ્ય યોગેશ પટેલે ઉમેદવારીપત્ર પણ લાવી દીધું છે. સોંગદનામું પણ તૈયાર રાખ્યું છે. માત્ર તેઓ માંજલપુર બેઠકના ઉમેદવાર જાહેર થાય તેની રાહ જોઇને બેઠા છે. ભાજપા દ્વારા નામ જાહેર થયા બાદ તેઓ ગમે તે નિર્ણય લઇ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે, યોગેશ પટેલ આજે પણ ટિકીટ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
આજે પણ ઉમેદવાર જાહેર ન થયા
ગત સપ્તાહે ધારાસભ્ય યોગેશ પટેલે પોતાના માંજલપુર મતવિસ્તારના કાર્યકરો સાથે બેઠક પણ કરી હતી. પરંતુ, તેઓએ આ બેઠક માંજલપુર વિસ્તારના વિકાસલક્ષી કામોની ચર્ચા માટે કરી હોવાનું મિડીયાએ જણાવ્યું હતું. પરંતુ, માંજલપુર બેઠકની ટિકીટ અંગે બોલવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આજે ભાજપા દ્વારા ગુજરાતમાં બાકી રહેલી 4 બેઠકો પૈકી 3 બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી હતી. પરંતુ, વડોદરા માંજલપુર બેઠકના ઉમેદવારની જાહેરાત ન કરતા વડોદરાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.