વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે આવેલા વુડાના મકાનમાં રહેતા મહેનતકશ પરિવારના ઘરમાં ઘૂસી ગયેલા તસ્કરો રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને 4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે. પરિવારની મહિલા બાજુના મકાનમાં દશામાની આરતીમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. પરિવારે કોઇ જાણભેદુ ઘરમાંથી ચોરી કરી ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.
ઘરે આવ્યા બાદ દાગીના અને રોકડ ન મળી
વડોદરાના તરસાલી બાયપાસ પાસે આવેલા વુડાનમાં મકાનમાં અક્ષયભાઇ પરિવાર સાથે રહે છે અને શાકભાજીનો ધંધો કરીને ગુજરાન ચલાવે છે. મંગળવારે મોડી સાંજે તેઓ શાકભાજીની લારી ઉપર હતા. તે સમયે તેઓને તેમની પત્નીએ ફોન કરીને જણાવ્યું કે, ઘરમાં મૂકેલા દાગીના અને રોકડ મળતી નથી. પત્નીનો ફોન આવતા જ અક્ષયભાઇ ઘરે દોડી ગયા હતા અને તેઓએ મૂકેલા દાગીના અને રોકડની તપાસ કરી હતી. પરંતુ, તેઓને પણ મળી આવી ન હતી.
4.50 લાખ રૂપિયાના મુદ્દામાલ ચોરી
અક્ષયભાઇએ ઘરમાં થયેલી ચોરી અંગે જણાવ્યું હતું કે, રાત્રે 8 વાગ્યાના સુમારે પત્ની બાજુના ટાવરમાં દશામાની આરતીમાં ગઇ હતી. 15 મિનિટમાં પત્ની ઘરે આવી હતી. તેણે કોઇ કામ માટે કબાટ ખોલતા તેમાં દાગીના અને રોકડ ન મળતા ફોન કર્યો હતો. માત્ર 15 મિનિટમાં જ કોઇ શખસો મકાનનો દરવાજો તોડી ઘરમાંથી સોનાની વીંટીઓ, ચેઇન, ચાંદીનું મંગળસૂત્ર તેમજ રોકડ મળી કુલ 4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે.
પરિવારને ચોર જાણભેદુ હોવાની આશંકા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા ઘરમાંથી ચોરી કરનાર કોઇ બહારના તસ્કરો નથી. પરંતુ, અમારા ઘરમાં પરિચીત વ્યક્તિજ હોવાની મને શંકા છે. આ બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવે વુડાના મકાનોમાં ચકચાર જગાવી મૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.