વડોદરામાં તસ્કરો બેફામ બન્યા:વાઘોડિયા રોડ અને કરોડિયા રોડ પરની 2 સોસાયટીના 3 મકાનમાંથી સવા લાખથી વધુની ચોરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉભા થયા

વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે આવેલી જય મંગલ સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને બે મકાનને નિશાન બનાવી 50 હજારથી વધુના મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત કરોળિયા રોડ પર આવેલી સિલ્વર પાર્ક સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી 73 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરી ફરાર થઇ જવાનો બનાવ સામે આવ્યો છે. મકાન માલિક પત્નીને ડ્રોપ કરવા રેલવે સ્ટેશન પહોંચતા તસ્કરોએ માત્ર 20 મિનિટમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે જય મંગલ સોસાયટી આવેલી છે. જેમાં મનિષાબેન હિરેનભાઇ જિજાડા પરિવાર સાથે રહે છે. મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ દુકાનમાં આવેલો વકરો મળી રૂપિયા 50 હજાર ઉપરાંતનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત તસ્કર ટોળકીએ એક મકાનમાં રહેતા વિદ્યાર્થીઓના મકાનને પણ નિશાન બનાવ્યું હતું અને વિદ્યાર્થીઓની સ્કૂલ અને કોલેજમાં ભરવાની ફી લઇને ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવ અંગે મનિષાબેનના પરિવારે પાણીગેટ પોલીસ મથકમાંજાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી અને ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા જૈવિક સોની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે તેમની પત્નીને વાપી જવાનું હોય વડોદરા રેલવે સ્ટેશન ડ્રોપ કરવા વહેલી સવારે સવા ચાર વાગ્યે દરવાજાને તાળું મારી નીકળ્યા હતા. જ્યાંથી સાડા ચાર વાગ્યે પરત આવતા દરવાજાનો નકુચો તૂટેલો જણાય આવ્યો હતો અને ઘરમાં સામાન વેરવિખેર નજરે ચડયો હતો. તપાસ કરતા અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની લગડી, સોનાની બુટ્ટી, સોનાની વીંટી અને રોકડા રૂપિયા 4 હજાર મળીને કુલ 73 હજારની મત્તા ચોરી નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદના આધારે ગોરવા પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે, વધતા જતા ચોરીના બનાવ અંગે શહેરીજનોની ઊંઘ હરામ થઇ ગઇ છે. પરંતુ, રાત્રિ પેટ્રોલિંગની ગુલબાંગો હાકતા પોલીસ તંત્ર પર તેની કોઈ અસર જોવા મળતી નથી.

અન્ય સમાચારો પણ છે...