આપઘાતનો પ્રયાસ:નાના ભાઈએ ફાંસાનું દોરડું કાપી મોટા ભાઇને બચાવ્યા

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છૂટાછેડાને કારણે પગલું ભર્યું હોવાનું અનુમાન
  • મોટા ભાઈને લટકતા જોઈ પાડોશીની મદદ લીધી

શહેરના કિશનવાડી વિસ્તારમાં ગુરુવારે યુવાને આપઘાતનો પ્રયાસ કરતા દોડી આવેલા તેના નાના ભાઈએ યુવાનનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયેલા યુવાન અંગે વારસિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સયાજી હોસ્પિટલ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતો યુવાન મરણ પ્રસંગમાં જઈને ઘરે પરત આવ્યો હતો. પરત આવ્યા બાદ તે પોતાના ઘરે બપોરે 1:00 વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ દરમિયાન તેનો નાનો ભાઈ દોડી આવતા તેણે પાડોશીની મદદથી દોરડું કાપી યુવાનને નીચે ઉતાર્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ યુવાનના લગ્ન થયેલા છે અને ત્યારબાદ તેના છૂટાછેડા પણ થયેલા હતા. પરંતુ આ પગલું તેણે કયા કારણોસર ભર્યું તે અંગે કોઇ પ્રકારની હકીકત જાણી શકાઇ નથી. નાના ભાઈની સમય સૂચકતાથી મોટાભાઈનો જીવ બચ્યાની ઘટના સમગ્ર વિસ્તારમાં દિવસભર ભારે ચર્ચાની એરણે રહી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે મોટાભાઇને ગળેફાંસો ખાતા જોઇ નાનો ભાઇ તરત જ દોડ્યો હતો. જેને કારણે મોટાભાઇની આત્મહત્યા રોકી શક્યો હતો. ત્યારબાદ તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...