લગ્ન ધામધૂમથી કરવાની જગ્યાએ તેનો ખર્ચ નિઃસહાય બાળકીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો દૃઢ નિશ્ચય કરનાર શહેરના યુવકે સમાજ સામે અનોખું ઉદાહરણ મૂક્યું છે. લોકો લગ્ન પ્રસંગ સહિતના સામાજિક કાર્યક્રમમાં મોટાપાયે નાણા ખર્ચ કરે છે. જોકે શહેરના એક જાગૃત યુવકે લગ્ન પ્રસંગમાં બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળી તેનો ઉપયોગ આર્થિક રીતે કમજોર બાળકીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.
શહેરના કરોડીયા વિસ્તારમાં રહેતા 32 વર્ષના કૃણાલ પટેલ એમ.બી.એ એચ.આરનો અભ્યાસ કર્યા બાદ ખાનગી કંપનીમાં માર્કેટિંગ મેનેજર છે. કૃણાલના લગ્ન 14મી મેના રોજ અંકલેશ્વર મુકામે યોજવાના છે. જોકે તે લગ્ન બિલકુલ સાદાઈથી જૂજ સંબંધીઓની ઉપસ્થિતિમાં થશે. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, ‘જ્યારે આ બાબત મેં પરિવાર અને સાસરી પક્ષ સામે મૂકી તો એક તબક્કે સૌ વિચારમાં પડ્યા હતા. પરંતુ સમાજ ઉપયોગી વિચારને પગલે તમામે સહમતી આપી હતી.
અંકલેશ્વર જાન લઈ જવા માટે ત્રણ લકઝરી બસ તેમજ વરઘોડા માટે બગી, બેન્ડનો ખર્ચ અમે રૂા. 4 લાખ જેટલો ધાર્યો છે. પરંતુ હવે તે નાણા કોઈપણ વર્ગમાં અભ્યાસ કરતી નિઃસહાય બાળકીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરીશ. આગામી 20મી તારીખે કૃણાલ પટેલના વાસદ ખાતે રહેતા મિત્ર ભાવેશ શર્માએ પણ આ જ રીતે ખચૃ બચાવી બાળકીઓને મદદ કરવાનું નક્કી કર્યું છે.
દર દિવાળીમાં 7777 ખુશીના બોક્ષનું વિતરણ
સામાજિક સંસ્થા સાથે જોડાયેલા કૃણાલ પટેલ દરેક તહેવાર શહેરના સ્લમ વિસ્તારના બાળકો સાથે ઉજવણી કરે છે. દિવાળીમાં તેઓએ ખુશીઓ કા બોક્ષ કોન્સેપ્ટ પર 7777 બાળકોને મીઠાઈ, ચવાણુ અને તારા મંડળનું વિતરણ કર્યું હતું.
કોરોના કાળે મદદની ભાવનાને જગાડી
કોરોના કાળમાં અનેક બાળકોએ માતા પિતા ગુમાવ્યા છે. સામાજિક સંસ્થા સાથે કામ કરતા કૃણાલે તે સમયે જ લગ્નનો ખર્ચ આવા બાળકો પાછળ ખર્ચ કરવાનું નક્કી કર્યુ હતું. ભાવિ પત્ની લગ્નનો પ્રસંગ યાદગાર રહે તે માટેની ઈચ્છા રાખતી હતી. પરંતુ કૃણાલે વ્યક્ત કરેલી સામાજિક સેવાની ઈચ્છાને ભાવિ પત્નીએ ટેકો આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.