શહેરના છાણી વિસ્તારમાં આંકલાવના યુવાને લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતાં ફતેગંજ પોલીસે ગુનો નોંધી આરોપી અને સગીરાને શોધી ધરપકડ કરી હતી.
ફતેગંજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના છાણી વિસ્તારમાં એક જાણીતી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીની સગીર વયની પુત્રી અને આંકલાવ તાલુકાના જોશીકૂવા ગામનો રહીશ વિજય રાવજીભાઈ પરમાર (ઉ.22, રે.જોશીકૂવા, તા.આંકલાવ, જિ.આણંદ) છાણી વિસ્તારમાં મજૂરી કરવા આવતો હતો. આ દરમિયાન સગીરા અને વિજય વચ્ચે મિત્રતા થઇ હતી.
આ મિત્રતા ગાઢ બનતાં વિજયે સગીરાને લગ્ન માટે ફોસલાવી હતી. ગત.12મી નવેમ્બરના રોજ બપોરના સમયે વિજય લગ્નના ઇરાદે આંકલાવ તાલુકાના પોતાના વતનમાં સગીરાને લઇ ગયો હતો. આ અંગેની જાણ સગીરાના પરિવારને થતાં પરિવારજનોએ સગીરાની શોધખોળ કરી હતી પણ કોઈ પતો લાગ્યો ન હતો. પરિવારના મિત્રએ જાણ કરી હતી કે વિજય નામનો યુવક સગીરાને લઇ ગયો છે.
સગીરાના પરિવારજનોએ ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફતેગંજ પોલીસ મથકના પોઈ ડી.બી. વાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિજય અને સગીરા આંકલાવ હોવાનું જાણવા મળતાં પોલીસ આંકલાવ પહોંચી હતી. ફતેગંજ પોલીસે બંનેને લઇ વડોદરા આવી હતી. સગીરાને મેડીકલ માટે હોસ્પિટલ લઇ જવાઈ હતી જયારે આરોપી વિજયને પોલીસ મથકે લઇ જવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.