• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Young Man Of Vadodara Serves The Old People Wandering The Streets, Seeing The Helpless Old Man, His Heart Melted, He Became A Son And Provided Accommodation For The Old People

કળિયુગનો શ્રવણ:વડોદરાનો યુવાન રસ્તે રઝળતા વૃદ્ધોની સેવા કરે છે, દીકરો બની વૃદ્ધો માટે સારવાર, રહેવા-જમવાની સુવિધા ઊભી કરે છે

વડોદરાએક વર્ષ પહેલાલેખક: જીતુ પંડ્યા
વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષથી શ્રવણ બનીને સેવાનું કામ કરે છે
  • યુવાને અત્યારસુધીમાં 10થી 12 જેટલા નિઃસહાય વૃદ્ધોના અંતિમ દિવસો સારા પસાર થાય એવી વ્યવસ્થા કરી

"માનવસેવા એ જ પ્રભુસેવા" ના જીવનમંત્ર સાથે વડોદરાના યુવાને શહેરના માર્ગો ઉપર નિરાધાર વૃદ્ધોને નવજીવન આપવાનું બીડું ઝડપ્યું છે. આ યુવાને તાજેતરમાં શહેરના ફૂટપાથ ઉપર જીવનના અંતિમ દિવસો પસાર કરી રહેલા વૃદ્ધાને મદદ કરી છે. તેમના અંતિમ દિવસો સારા રીતે પસાર થાય એવા આશય સાથે તેમને સુરત વૃદ્ધાશ્રમમાં મૂકી આવીને નવજીવન આપ્યું છે. આ ઉપરાંત તે ફૂટપાથ પર રહેતા વૃદ્ધોની રહેવાની અને બે ટંક જમવાની વ્યવસ્થા પણ કરે છે. વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષથી શ્રવણ બનીને સેવાનું કામ કરતા યુવાનનું નામ છે નીરવ ઠક્કર..

વૃદ્ધોને ભોજનની સેવા પણ આપે છે
ગ્રેજ્યુએટ થયેલા નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે આજના સમયમાં માતા-પિતા પેટે પાટા બાંધીને બાળકોને ઉછેરે છે અને નોકરી-ધંધો કરે એવું ઉચ્ચ શિક્ષણ અપાવે છે, પરંતુ જ્યારે સંતાનોને પોતાનાં માતા-પિતાની સેવા કરવાનો સમય આવે છે ત્યારે તેઓ મોં ફેરવી લેતાં હોય છે અને તેમને વૃદ્ધાશ્રમ અથવા તો રસ્તે રઝળતાં મૂકી દેતાં હોય છે. આજે મંદિરોની જેમ વૃદ્ધાશ્રમો શરૂ થઇ રહ્યા છે, જે આપણા સમાજની કરુણતા છે. શહેરના અનેક લોકો ફૂટપાથ પર જીવનનો આખરી સમય વિતાવી રહ્યા છે. તેમના અંતિમ દિવસો સારા પસાર થાય એ માટે તેમની ઇચ્છા હોય તો વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યો છું અને જો તેમની ઇચ્છા ન હોય તો તેમને યોગ્ય સ્થળે રાખીને બે ટંકનું ભોજન પૂરું પાડી રહ્યો છે. આ કામગીરીમાં મને આનંદ મળી રહ્યો છે.

યુવાને અત્યારસુધીમાં 10થી 12 જેટલા નિઃસહાય વૃદ્ધોના અંતિમ દિવસો સારા પસાર થાય એવી વ્યવસ્થા કરી છે.
યુવાને અત્યારસુધીમાં 10થી 12 જેટલા નિઃસહાય વૃદ્ધોના અંતિમ દિવસો સારા પસાર થાય એવી વ્યવસ્થા કરી છે.

વૃદ્ધોના અંતિમ દિવસો સારી રીતે પસાર થાય એ માટે બીડું ઝડપ્યું
વડોદરાના ગોત્રી રોડ પર શ્રીજીવિલા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને પ્રોપર્ટી ડેવલપર્સના વ્યવસાય સાથે સંકળાયેલા નીરવે દુઃખ સાથે જણાવ્યું હતું કે દેશમાં દાતાઓ ઘણા મળી રહે છે, પરંતુ તેમના દાનનો યોગ્ય ઉપયોગ થાય એવા સેવાભાવી લોકો મળતા નથી. મેં કોઇપણ જાતના ભેદભાવ અને સ્વાર્થ વિના શહેરના માર્ગો ઉપર જિંદગીના અંતિમ દિવસો પસાર કરી રહેલા વૃદ્ધોનો સમય સારો પસાર થાય એ માટેનું બીડું ઝડપ્યું છે.

નિ:સહાય વૃદ્ધાને જોઈ યુવાનનું હૃદય દ્રવી ઊઠ્યું.
નિ:સહાય વૃદ્ધાને જોઈ યુવાનનું હૃદય દ્રવી ઊઠ્યું.

નિરાધાર મહિલાઓ માટે આશ્રય સ્થાન બનાવશે
વડોદરા શહેરના ફૂટપાથો ઉપર દિવસો પસાર કરતા વૃદ્ધોની અલગ-અલગ વ્યથા સાંભળવા મળે છે. વૃદ્ધોની વ્યથા સાંભળીને આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે. દુઃખની વાત એ પણ છે કે મધ્ય ગુજરાતમાં મહિલાઓને કોઇપણ જાતની બાંયધરી લીધા વિના આશ્રય આપે એવી કોઇ સંસ્થા નથી. કોરોનાકાળ દરમિયાન સયાજી હોસ્પિટલમાંથી મળી આવેલા આશરે 78 વર્ષનાં વૃદ્ધાને સેવાભાવિ સંસ્થામાં મૂકવા માટે મારે ભારે રઝળપાટ કરવી પડી હતી. આખરે સુરતની એક સંસ્થાએ વૃદ્ધાને રાખવા માટે તૈયારી બતાવી હતી. ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે ભવિષ્યમાં નિરાધાર મહિલાઓના અંતિમ દિવસો સારા પસાર થાય એવું આશ્રય સ્થાન બનાવીશ. મારી ઇચ્છા વર્ષ-2024 સુધીમાં નિરાધાર મહિલાઓ માટે આશ્રય સ્થાન તૈયાર કરી દેવાની છે.

શહેરના માર્ગો પર જિંદગીના અંતિમ દિવસો પસાર કરી રહેલા વૃદ્ધોનો સમય સારી રીતે પસાર થાય એ માટેનું બીડું ઝડપ્યું.
શહેરના માર્ગો પર જિંદગીના અંતિમ દિવસો પસાર કરી રહેલા વૃદ્ધોનો સમય સારી રીતે પસાર થાય એ માટેનું બીડું ઝડપ્યું.

એક વૃદ્ધા નિઃસહાય થઇને બેઠેલાં જોવા મળ્યાં
વડોદરા શહેરમાં રસ્તા પર આખરી જીવનના આખરી દિવસો વિતાવતા વૃદ્ધો માટે સેવાકાર્ય કરવાનો વિચાર કેવી રીતે આવ્યો ? એવા એક પ્રશ્નનો જવાબ આપતાં નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી પરાકાષ્ઠાએ હતી ત્યારે હું સયાજી હોસ્પિટલમાં સેવા આપતો હતો. એ સમયે મારી નજર હોસ્પિટલના પરિસરમાં નિઃસહાય ખૂણામાં બેઠેલા વૃદ્ધા પર પડી હતી. જરૂરિયાતમંદ જણાતાં મેં તેમને નવાં કપડાં અને જમવાની સુવિધા કરી આપી હતી. જોકે ત્યાર બાદ પણ થોડાક દિવસો બાદ વૃદ્ધા ત્યાં જ નિઃસહાય થઇને બેઠેલા જોવા મળ્યાં હતાં, જેથી મારું હૃદય દ્રવી ઊઠ્યું હતું.

ફૂટપાથ પર રહેતા વૃદ્ધોની રહેવાની અને બે ટંક જમવાની વ્યવસ્થા પણ કરે છે.
ફૂટપાથ પર રહેતા વૃદ્ધોની રહેવાની અને બે ટંક જમવાની વ્યવસ્થા પણ કરે છે.

વૃદ્ધાને સુરતની માનવસેવા મંદિરમાં મૂક્યાં
આખરે મેં તેમના જીવનનો પાછલો સમય સારી રીતે વીતે એવા પ્રયાસો શરૂ કરી દીધા હતા અને તે વૃદ્ધાને સામાજિક સંસ્થાની મદદથી સુરત ખાતે આવેલા માનવસેવા મંદિરમાં મૂકી દીધાં હતાં. એ સમયે આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. બસ, એ જ સમયે મેં નક્કી કરી લીધું હતું કે શહેરના માર્ગો ઉપર અંતિમ દિવસો પસાર કરી રહેલા વૃદ્ધોની સેવા કરવી.

વડોદરા શહેરના ફૂટપાથો ઉપર છેલ્લા દિવસો પસાર કરી રહેલા વૃદ્ધોની અલગ-અલગ વ્યથા સાંભળવા મળે છે.
વડોદરા શહેરના ફૂટપાથો ઉપર છેલ્લા દિવસો પસાર કરી રહેલા વૃદ્ધોની અલગ-અલગ વ્યથા સાંભળવા મળે છે.

10થી 12 નિઃસહાય વૃદ્ધોના અંતિમ દિવસો સારા પસાર થાય એવી વ્યવસ્થા કરી
નીરવ ઠક્કરે ઉમેર્યું હતું કે અત્યારસુધીમાં 10થી 12 જેટલા નિઃસહાય વૃદ્ધોને તેમના અંતિમ દિવસો સારા પસાર થાય એ માટેની વ્યવસ્થા કરી છે અને ત્રણ જેટલા વૃદ્ધોનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. વૃદ્ધોના આશીર્વાદ લીધા બાદ મારા જીવનમાં વળાંક આવ્યો છે. શ્રવણ બનીને વૃદ્ધોની સેવામાં જીવન સમર્પિત કરી દેવાનો નિર્ણય કર્યો છે. મને મારા વ્યવસાયમાંથી મળતા સમયમાં શહેર સહિત આસપાસનાં શહેરોમાં ફરું છું અને નિરાધાર વૃદ્ધોને મળી તેમની જરૂરિયાત પૂરી કરું છે, જેવી કે મેડિકલ ટ્રીટમેન્ટ, જમવાનું તથા રહેવાની યોગ્ય સુવિધા મળી રહે વગેરે. અત્યારસુધી ત્રણ વૃદ્ધોને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને સુરતમાં આશ્રમમાં મૂકી આવ્યો છું.

યુવાન નિરાધાર મહિલાઓ માટે આશ્રય સ્થાન બનાવશે.
યુવાન નિરાધાર મહિલાઓ માટે આશ્રય સ્થાન બનાવશે.

શ્રવણ સેવા નામની સંસ્થા પણ રજિસ્ટર કરાવી
નીરવ ઠક્કરે વધુમાં ઉમેર્યું હતું કે અત્યારસુધીના મારા દ્વારા કરવામાં આવેલા કામની નોંધ સોશિયલ મીડિયામાં પર મૂકવામાં આવી હતી, જેને લઇને હવે લોકો સામે ચાલીને મને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. તો કેટલાક લોકો જરૂરિયાતમંદ લોકો અંગેની જાણકારી મારા સુધી પહોંચાડી રહ્યા છે. હવે એકલા હાથે કામ કરવાની સાથે સાથે હું ટીમ ઊભી કરી રહ્યો છું, જેને લઇને આગામી સમયમાં મધ્ય ગુજરાતમાં નિઃસહાય વૃદ્ધોની સેવાચાકરી કરી શકું એવા ઉદ્દેશ સાથે હું આગળ વધી રહ્યો છું. મેં આ સેવા માટે શ્રવણ સેવા નામની સંસ્થા પણ રજિસ્ટર કરાવી છે. હવે શ્રવણ સેવાના બેનર હેઠળ હું અને મારી સાથી ટીમના સભ્યો કામ કરી રહ્યા છે.