ક્રાઈમ:એરફોર્સ સ્ટેશનની દીવાલ કૂદી યુવક અંદર ઘૂસી જતાં અફરા તફરી સર્જાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક અસ્વસ્થ યુવકને ભૂખ લાગતાં એરફોર્સ સ્ટેશનમાં પ્રવેશ્યો હતો
  • એરફોર્સ સ્ટેશનમાં ઘૂસેલા યુવકને જવાનોએ ઝડપી હરણી પોલીસને હવાલે કર્યો

દરજીપુરા એરફોર્સ સ્ટેશનની દિવાલ કૂદીને અંદર પ્રવેશેલા યુવાનને એરફોર્સ જવાનોએ ઝડપીને હરણી પોલીસને સોંપ્યો હતો. પોલીસ તપાસમાં યુવાન માનસિક અસ્વસ્થ હોવાનું અને ભૂખ લાગતા જમવાનું શોધવા એરફોર્સ સ્ટેશનમાં જઈ ચઢ્યો હોવાનું બહાર આવ્યું હતું.

શુક્રવારની સાંજે યુવક એરફોર્સના જવાનો જમવાનું આપશે તેમ સમજીને એરફોર્સ સ્ટેશનની દિવાલ કુદતા જ સ્ટેશનમાં દોડધામ થઈ હતી. હથિયારબંધ જવાનો સતર્ક થઈ ગયા હતા અને ઘુસણખોરી કરનારા યુવકને ઝડપી લઈ સ્ટેશનમાં પ્રાથમિક પૂછપરછ પણ કરી હતી. પૂછપરછ બાદ એરફોર્સના સિક્યુરીટી જવાનોએ હરણી પોલીસને જાણ કરી યુવકને સોંપી દીધો હતો. યુવક ઉત્તરપ્રદેશના ભાખરેલ ગામનો હોવાનું જણાવ્યું હતું,જ્યારે યુવક માનસિક અસ્વસ્થ અને ત્રણ મહિના પહેલા તેના ગામથી ગુમ થયો હોવાનું યુપી પોલીસે જણાવ્યું હતું.

યુવક યુપીથી સુરતમાં ત્રણ મહિના રખડતો રહ્યો હતો અને બે દિવસ પહેલા વડોદરા આવ્યો હતો. સખત ભૂખના લીધે તે જમવાનું શોધતા એરફોર્સ સ્ટેશન પહોચીને વર્ધીમાં રહેલા જવાનો તેની મદદ કરી જમવાનું આવશે તેમ વિચારી દિવાલ કુદી પ્રવેશ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આઈબી દ્વારા યુવકની પૂછપરછ કરાઈ
હરણી પોલીસે યુવકના ભાઈ સાથે વાત કરતા તેનો પરિવાર ચાર દિવસ બાદ તેને વડોદરા લેવા આવશે. જ્યારે યુવક પ્રોહિબિટેડ વિસ્તારમાં પ્રવેશ્યો હોવાથી લોકલ અને સેન્ટ્રલ આઈબી દ્વારા યુવકની પૂછપરછ કરાઈ હતી. હોસ્પિટલના તબીબ દ્વારા સારવાર કર્યાબાદ યુવક માનસિક અસ્વસ્થ હોવાનું જણાવામાં આવશે તો યુવકને મુક્ત કરાશે.

અન્ય સમાચારો પણ છે...