તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વિધવા નર્સને લગ્નની લાલચ આપી શોષણ કર્યા બાદ યુવકે નાણાં પડાવ્યાં

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાઇટ ડ્યૂટીમાં જાય તો શંકા રાખી અત્યાચાર ગુજારતો
  • અભયમની ટીમે કાયદાનું ભાન કરાવતાં યુવકે માફી માગી

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય વિધવા નર્સને લગ્નની લાલચ આપી તેના જ ખાસ મિત્રે શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરી અત્યાચાર ગુજારતાં યુવતીએ 181 અભયમને ફોન કરી મદદ માગી હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચીને વિધવા નર્સના મિત્રને કાયદાનું ભાન કરાવતાં તેણે માફી માગી હવે પછી હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપી હતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પુત્રીની માતા એવી 30 વર્ષીય યુવતીએ અભયમ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી પોતાની વ્યથા રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેણે એક યુવકને મિત્ર માન્યો હતો. જોકે આ મિત્ર હવે તેનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરે છે, તેમાંથી તેને મુક્તિ અપાવો. જેથી બાપોદ અભયમ રેસ્ક્યૂ ટીમ યુવતી પાસે પહોંચી હતી. અભયમની ટીમે તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તે આ યુવકના સંપર્કમાં આવ્યા બાદ તેણે વિધવા યુવતીનું નાનું-મોટું કામ કરી આપી લાગણી પેદા કરી હતી અને યુવતી તેની સાથે ગાઢ સંપર્કમાં આવી હતી. યુવતી પ્રાઇવેટ હોસ્પિટલમાં નર્સની નોકરી કરી ગુજરાન ચલાવતી હતી.

આ યુવકે વિધવા યુવતીને જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે જાતીય સંબંધો પણ બાંધ્યા હતા અને દર મહિને યુવતી પાસેથી નાણાં પણ મેળવતો હતો. યુવતી હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી કરે તે યુવકને પસંદ ન હતું અને શંકા રાખીને યુવતી સાથે મારઝૂડ પણ કરતો હતો. અત્યાચારથી કંટાળેલી યુવતીએ આખરે અભયમની મદદ મેળવી હતી.

અભયમની ટીમે આ યુવકને ઝડપી લીધો હતો અને લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવું તે ગુનો બને છે, તેમ કહી પોલીસ કાર્યવાહીની તજવીજ કરતાં યુવક ગભરાયો હતો. તેણે પોતાની ભૂલ કબૂલી માફી માગી હતી અને હવે પછી ક્યારેય યુવતીને હેરાન નહીં કરે તેવી ખાત્રી આપી હતી. જોકે યુવતીએ વધુ કાર્યવાહી કરવાની ના પાડતાં આખરે સમાધાન થતાં પ્રકરણ પર પડદો પાડવામાં આવ્યો હતો.

યુવતીના પૈસા પણ પરત આપવાની ખાતરી
અભયમની ટીમે યુવકને કડક ચેતવણી આપી પોલીસ કેસ કરવાની તજવીજ કરી હતી, પણ યુવકે પોતાની ભૂલ કબૂલી માફી માગી લીધી હતી. તેણે યુવતી પાસેથી પડાવેલી રકમ પણ પરત કરવાની ખાતરી આપી હતી અને તત્કાળ 5 હજાર રૂપિયા આપ્યા હતા. પોલીસે યુવતીને પણ સંબંધોમાં સાવચેતીથી આગળ વધવાની સલાહ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...