એજ્યુકેશન:આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજમાં આવેલા ક્લાસ રૂમની કામગીરી આખરે શરૂ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષથી ચાલતું રિસ્ટોરેશન હજુ પણ પૂરું ન થતાં વિદ્યાર્થીઓ અન્ય ફેકલ્ટીમાં ભણે છે
  • ઓગસ્ટમાં 8 ક્લાસ રૂમ તૈયાર કરીને ફેકલ્ટીને સોંપી દેવાશે

એમ.એસ. યુનિવર્સિટીની ઐતિહાસિક ધરોહર સમાન આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજના રિસ્ટોરેશનની કામગીરી વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. 4 કરોડના પ્રોજેક્ટની કામગીરી 5 વર્ષે પણ પૂરી થઇ શકી નથી. જેના કારણે આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને અન્ય ફેકલ્ટીઓમાં અભ્યાસ કરવાનો અને પરીક્ષા આપવાનો વારો આવ્યો છે. જોકે હવે ગુંબજની અંદરના ભાગે ક્લાસ રૂમની કામગીરી શરૂ કરાઈ છે. આર્ટ્સ ફેકલ્ટીના ઐતિહાસિક ગુંબજનું સમારકામ 2018માં એએસઆઇને સોંપવામાં આવ્યું હતું.

જોકે એએસઆઇ દ્વારા ઐતિહાસિક ગુંબજમાં કાણાં પાડી દેવાતાં ભારે હોબાળો થયો હતો. બાદમાં એએસઆઇ પાસેથી કામ લઇ લેવામાં આવ્યું હતું અને નવા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાઈ હતી. નવા કોન્ટ્રાક્ટરે પણ કામગીરીમાં વિલંબ કર્યો હતો અને 2020માં કોરોનાકાળ આવી જતાં દોઢ વર્ષ સુધી કામ અટકી ગયું હતું. કોરોના બાદ મટિરિયલના ભાવ વધી જતાં કોન્ટ્રાક્ટ૰રે નવા ભાવ સાથે કામગીરી કરશે તેવી શરત મૂકી હતી. જેને કારણે નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હવે ગુંબજમાં આવેલા ક્લાસ રૂમમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જેમાં વુડન, ઇલેક્ટ્રિક, કલરકામ, ફ્લોરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં 8 જેટલા ક્લાસ રૂમ તૈયાર કરીને ફેકલ્ટીને સોંપી દેવામાં આવશે. ત્યારબાદ બાકીના ક્લાસ રૂમ તબક્કાવાર તૈયાર કરાશે. દિવાળી સુધીમાં ફેકલ્ટીની અંદર ક્લાસરૂમો તૈયાર કરી દેવાય તેવી શક્યતા છે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં ગુંબજની બહારના ભાગની કામગીરી કરાશે, જેમાં પથ્થર નાખવા, રિપેરિંગ તથા ગુંબજના પોલિશિંગની પ્રક્રિયા કરાશે. જોકે બહારના કામ માટે હજુ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...