ઇલેક્શન વોર્ડ 13માં આવતા લાલબાગ તળાવ, દાંડિયા બજાર, લકડીપુલ કાંસ તેમજ કાશીવિશ્વનાથ તળાવની સાફ સફાઈ કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. તેઓએ લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી નદીમાં વરસાદી પાણી લઈ જવા માટેનું કામ હજી કાગળ પર હોવાનો આક્ષેપ કર્યો છે.કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે, શહેરમાં દર ચોમાસામાં વરસાદના પાણી લોકોના ઘરમાં ભરાય છે.
આ વખતે વરસાદને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કાશી વિશ્વનાથ તળાવ, લાલબાગ બ્રિજ તળાવ તેમજ સિદ્ધનાથ તળાવની સાફ સફાઈ થઇ નથી. આ સિવાય દાંડિયા બજાર લકડીપુલ ઓપન કાંસની પણ સફાઇ થઇ નથી. લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી નદીમાં વરસાદી પાણી લઈ જવા માટે બજેટમાં કામનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ કામગીરી કરાઈ નથી.
રૂપારેલ કાંસમાં મૃત જાનવરોનાં અંગો નખાતાં હોવાનો આક્ષેપ : સ્લોટર હાઉસ શહેર બહાર લઈ જવાની માગ
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસ પાસેની રૂપારેલ કાંસમાં મૃત જાનવરોનાં હાડકાં અને માંસ નાખવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે વિપક્ષી નેતાની આગેવાનીમાં સ્થાનિક લોકોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સ્લોટર હાઉસને શહેરની બહાર ખસેડવા માગ કરી હતી. છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને જેના કારણે લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. દરમિયાન મંગળવારે સવારે ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં સ્થાનિક લોકોએ સ્લોટર હાઉસ પર પહોંચી સ્લોટર હાઉસને શહેર બહાર ખસેડવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.