ક્રાઈમ:મહિલાએ PM આવાસમાં ઘર આપવાનું કહી મહિલાને છેતરી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યપાલક ઈજનેર અફોર્ડેબલ હાઉસિંગની સહી વાળી પાવતી, લેટર આપ્યા
  • કારેલીબાગની રહીશની 2 સામે ~1.50 લાખની છેતરપિંડીની ફરિયાદ

સરકારી આવાસમાં મકાન આપવાના નામે લોકો પાસેથી રૂપિયા પડાવીને ખોટા પુરાવા ઊભા કરી દોઢ લાખની ઠગાઇ કરનાર મહિલા સહિત 2 સામે મહિલાએ ફરિયાદ નોંધવી છે. કારેલીબાગમાં આવેલા નાનજીભાઈ ચેમ્બરમાં રહેતા કમલબેન જાધવને 2021માં તેઓની બહેનપણીએ જણાવ્યું હતું કે, તેની બહેનપણીનાં ઓળખીતાં કુસુમ મકવાણા ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ હેઠળ જે લોકોને મકાન ફાળવવામાં આવ્યાં છે અને જે લોકોએ મકાનના રૂપિયા નથી ભર્યા તેવાં મકાન લોકોને આપવાનું કામ કરે છે.

તે સમયે કમલબેનને મકાનની જરૂર હોવાને કારણે તે મકાન જોવા માટે ગયાં હતાં. તેઓ કુસુમ મકવાણાને મળ્યાં હતાં અને તેણે જણાવ્યું હતું કે, મકાન 12 લાખનું છે અને તમારે 1.50 લાખ આપવા પડશે અને બાકીની લોન અમે કરાવી આપીશું. જેથી સપ્ટેમ્બર-2021માં તેઓ કુસુમની ઓફિસે ગયાં હતાં અને ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળનું ફોર્મ ભરાવ્યું હતું અને 1.50 લાખનો ચેક લીધો હતો. જોકે કુસુમે તેઓને આ અંગે કોઈ લખાણ આપ્યું નહોતું. 2 મહિના બાદ કુસુમે આત્મીય રિયલ એસ્ટેટ નામના લેટર પેડ પર મકાનની નોંધણીની રિસીપ્ટ આપી હતી.

આ બાદ કમલબેન અવાર-નવાર મકાન માટે પૂછતાં હોવા છતાં કુસુમ કોઈ જવાબ આપતી નહોતી અને કમલની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે, જો તારી છોકરીએ મારી સામે કોઈ પણ પોલીસ ફરિયાદ કરી તો તેને અમે ઉઠાવી જઈશું. જેથી કમલે આ અંગે પોલીસ કમિશનરને અરજી કરી હતી. બાદમાં કમલબેનને જાણ થઈ હતી કે, પ્રકાશ સાહની પાસેથી પણ 1.50 લાખ રૂપિયા લીધા છે અને તેઓને પાલિકા કાર્યપાલક ઈજનેર અફોર્ડેબલ હાઉસિંગ સેલની સહીવાળી પાવતી તેમજ અપ્રૂવલ લેટર આપ્યા હતા. આ તમામ પુરાવાની તપાસ કરતાં બોગસ નીકળ્યા હતા. જેથી કમલે કુસુમ મકવાણા અને તેના સાગરીત જયેશ નામના વ્યક્તિ સામે પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...