વેધર:સિઝનનો સૌથી પાણીદાર દિવસ, 12 કલાક 5 ઈંચ : સિઝનના સરેરાશ 41 ઇંચ વરસાદની તુલનાએ 43.34 ઇંચ વરસી ગયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગમાં આનંદનગરથી અંબાલાલ પાર્ક તરફના રસ્તા પર પાંચ કલાક સુધી વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. - Divya Bhaskar
કારેલીબાગમાં આનંદનગરથી અંબાલાલ પાર્ક તરફના રસ્તા પર પાંચ કલાક સુધી વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.
  • પૂર્વ મધ્યપ્રદેશ પર સર્જાયેલા લો પ્રેશરને કારણે શહેરમાં વરસાદ પડ્યો, આજે પણ આગાહી
  • રવિવારે દિવસભર વરસાદ વરસતાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં
  • આજવાની સપાટી 212.90 ફૂટે પહોંચી, પ્રતાપપુરા સરોવર 230.80 ફૂટ થયું
  • 15 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતાં વિશ્વામિત્રી નદીની સપાટી 18 ફૂટે પહોંચી

ચોમાસાની સિઝનમાં પહેલી વખત રવિવારેે 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. દિવસભરના વરસાદના પગલે શહેરભરમાં પાણી ભરાયાં હતાં. શહેરમાં સિઝનનો સરેરાશ વરસાદ 41 ઈંચ છે, ત્યારે ચાલુ વર્ષે 30 ઓગસ્ટ સુધી 1101 એમએમ એટલે 43.34 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ચાલુ વર્ષે 106 ટકા વરસાદ વરસ્યો છે. આ પહેલાં 12 અને 13 ઓગસ્ટે 48 કલાકમાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ઉપરવાસના હાલોલ-પાવાગઢમાં ભારે વરસાદથી આજવાની સપાટી 212.90 ફૂટે પહોંચી હતી. જ્યારે ઉંઝેટી, ઝોરીયા, હંસાપુરા અને મુંઢેલા વિયરમાંથી 15 હજાર ક્યૂસેક પાણી છોડાતાં વિશ્વામિત્રીની સપાટી 18 ફૂટે પહોંચી હતી.

શહેરમાં રવિવારે સવારે 6 થી 10 વાગ્યા સુધી 2.55 ઈંચ, સવારે 10 થી 12માં 1.65 ઈંચ, 12 થી 4માં 0.55 ઈંચ, 4 થી રાતના 8 વાગ્યા સુધીમાં 0.15 ઈંચ વરસાદ પડ્યો હતો. જેને પગલે ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાતાં દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓએ સામાન ઊંચો ચઢાવવો પડ્યો હતો. બીજી તરફ અલકાપુરી રેલવે ગરનાળામાં પાણી ભરાવવાથી ગરનાળું બંધ કરતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઉપરાંત સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ, લક્ષ્મીપુરા રોડ, ભાયલી, ખોડિયારનગર, વાઘોડિયા રોડ, માંજલપુર, મકરપુરા, તરસાલી, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

બીજી તરફ વિશ્વામિત્રીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતાં લોકોએ સ્થળાંતરની તૈયારી કરી હતી. સમાના સિદ્ધાર્થ બંગલોના રહીશોએ સામાન ઉપલા માળે ચઢાવી દીધો હતો.હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું કે, પૂર્વ મધ્યપ્રદેશ પર સર્જાયેલા લો પ્રેશરથી વરસાદ પડ્યો હતો. 31મી સુધી ભારેથી મધ્યમ ઝાપટાંની આગાહી છે. રવિવારે મહત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટીને 26.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...