વ્યવસ્થા:સાવલી, કરજણ, ડેસર અને વડોદરાનાં ગામોની પાણીની સમસ્યા હવે દૂર થશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાથી દિલ્હી સુધી જઇ શકાય એટલી લાંબી પાણીની પાઇપ લાઈન નખાશે
  • સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે રૂ.364 કરોડની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે

વડોદરા જિલ્લાની પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા માટે પાણી પુરવઠા વિભાગની નર્મદા અને મહી નદી આધારિત રૂા.364 કરોડની વિવિધ જૂથ યોજનાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાતમુહૂર્ત કરશે. વડોદરાથી દિલ્હી જઇ શકાય એટલી લાંબી 943 કિમી પાઈપ લાઇન નાખી સાવલી, ડેસર, કરજણ અને વડોદરા તાલુકાનાં ગામોને પાણી પહોંચાડાશે. ઉલ્લેખનિય છે કે, સાવલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારના રોજ બપોરે 2:30 કલાકે પાણી પુરવઠાની વિવિધ જૂથ યોજનાઓનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કલેક્ટર તંત્રના જણાવ્યા અનુસાર સાવલી સ્થિત તાલુકા સેવાસદન ખાતે પાણી પુરવઠાની વિવિધ જૂથ યોજના રૂા.360.77 કરોડનાં ખાતમુહૂર્ત અને રૂા.210.49 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવશે. તાલુકાનાં ગામોના નાગરિકોને પીવાનું પાણી આપવા માટે 377 સંપ અને 26 ટાંકી બનાવાશે. બાદમાં વાસ્મો અને ગ્રામ્ય કક્ષાની પાણી સમિતિના માધ્યમથી નાગરિકોના ઘર સુધી પાણી પહોંચશે. ગામડાઓમાં પીવાનું 100 ટકા શુદ્ધ પાણી મળે તે ઉદ્દેશ્ય સાથે રૂા.83.90 કરોડના ખર્ચે હર ઘર નલ સે જલ યોજના અમલી છે. આ કામગીરીને લીધે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનાં 2,95,351 ઘરોને લાભ મળી રહેશે.

વડોદરાનાં 39 ગામ, 34 પરાની 2.42 લાખની વસ્તીને પાણી મળશે
મહી નદી આધારિત વડોદરા ઉત્તર વિભાગ જૂથ પાણી પુરવઠા યોજનાનું અંદાજે રૂા.126.59 કરોડના ખર્ચે કામ પૂર્ણ થતાં વડોદરા તાલુકાનાં 39 ગામ અને 34 પરાની આશરે 2.42 લાખની વસ્તીને મહી નદીના ઇન્ટેક વેલનું પાણી મળી રહેશે. મહી નદી આધારિત વડોદરા ઉત્તર વિભાગ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ગ્રામ્ય સ્તરે 22 ભૂગર્ભ સંપ અને હેડવર્ક્સ, 159.50 કિમી રાઇઝિંગ મેઇન અને વિતરણ પાઇપલાઇન તથા 46 એમએલડી અને જળ શુદ્ધિકરણ પ્લાન્ટ ઇન્ટેક વેલની કામગીરી પૂર્ણ થઇ છે. આ યોજના પૂર્ણ થતાં સાવલી, ડેસર, કરજણ અને વડોદરા તાલુકાનાં 211 ગામ, 149 પરા અને 2 શહેરની આશરે 150.87 લાખ વસ્તીને તેનો લાભ મળશે.

કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિકારી સાવલી ખાતે પહોચ્યાં
સાવલી ખાતે મંગળવારે બપોરે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિકારી સહિત તંત્રનો કાફલો સોમવારના રોજ સાવલી પહોચી ગયો હતો. જ્યાં મુખ્યમંત્રીની સુરક્ષા તેમજ કાર્યક્રમને લગતી સુવિધાઓ સહિતની વિગતો કલેક્ટર દ્વારા ચકાસવામાં આવી હતી. બીજી તરફ મુખ્યમંત્રી સાવલી ખાતે પહોચવાના હોવાથી જિલ્લા ભાજપના નેતા અને કાર્યકરો પણ સાવલી ખાતે પહોચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...