રાજ્યનાં અન્ય શહેરોની સરખામણીમાં વડોદરા શહેરનો વિકાસ ગોકળ ગાયની ગતિએ રહ્યો છે. એક દાયકા બાદ પણ વડોદરાને રિંગ રોડ મળી શક્યો નથી. સુરત, અમદાવાદ અને રાજકોટ બાદ વડોદરા શહેરની ફરતે આવેલા વુડા વિસ્તારમાં 67 કિ.મી. લાંબો અને 75 મીટર પહોળો રિંગ રોડ બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે. આમ તો સિક્સ લેન રિંગ રોડ આખો બનતાં બીજો એક દાયકો વીતી જશે, પરંતુ હાલમાં જ્યાં ટીપી સ્કીમો નાખીને જગ્યા ખુલ્લી થઈ શકે એમ છે, ત્યાં વડોદરાના ગોત્રી- સેવાસી સિંધરોટને સ્ટેટ હાઈવેને જોડતો તેમજ વડોદરા-પાદરા જંબુસરના સ્ટેટ હાઈવેને જોડતો 4.58 કિ.મી.નો રિંગ રોડ બનાવાશે, જેની પાછળ રૂપિયા 54.97 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
વાતોમાં 10 વર્ષનો સમય વેડફી નાખ્યો
વર્ષ 2012ના અરસામાં વુડા અને કોર્પોરેશને ભેગા મળીને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બનાવવાની શરૂઆત કરી હતી, જેમાં પ્લાન તો 2006માં બનીને તૈયાર થઈ ગયો હતો, જોકે ગુજરાત સરકારે પ્લાનને વર્ષ 2012માં મંજૂરી આપી હતી, જે ડેવલપમેન્ટ પ્લાનમાં વડોદરા શહેરના પેરાફરીમાં આવતા વુડા વિસ્તારમાં 75 મીટર પહોળો એવો સિક્સ લેન રિંગ રોડ સૂચિત કરાયો હતો, જેની કુલ લંબાઈ 66.80 કિ.મી. છે. જોકે સમયનો વેડફાટ થતો ગયો, પરંતુ, એ રિંગ રોડનું કામ કરાતું ન હતું.
મ્યુનિ. કમિશનરે બેઠકો યોજી કામ શરૂ કર્યું
જોકે મહાનગર પાલિકામાં કમિશનરની સાથે વુડાના ચેરમેનની જવાબદારી ધરાવતાં આઈએએસ શાલિની અગ્રવાલે છેલ્લા 7 મહિનાથી આ રિંગ રોડ અંગે બેઠકોનો દોર શરૂ કર્યો હતો અને અભ્યાસ કરીને આખરે રિંગ રોડનું કામ શરૂ કરાવવા કવાયત હાથ ધરી હતી. કુલ 66.80 કિ.મી. લાંબા રિંગ રોડ પૈકી ઘણી બધી જગ્યાએ એગ્રિકલ્ચર ઝોન મૂકેલા હોવાથી રિંગ રોડની કામગીરી અટવાયેલી હતી. જોકે જમીન સંપાદિત કર્યા વિના વુડાએ વિવિધ ટીપી સ્કીમો મૂકીને રસ્તાઓ ખુલ્લા કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
ચાર તબક્કામાં રિંગ રોડની કામગીરી કરાશે
મ્યુનિસિપલ કમિશનર અને વુડાના ચેરમેન શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે 66.80 કિ.મી લાંબા સૂચિત રિંગ રોડને કુલ ચાર તબક્કામાં પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરાશે, જેમાં હાલમાં જે જગ્યાઓ ખુલ્લી છે અથવા ખોલાવી શકાય એવી છે અને રિંગ રોડથી વડોદરા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ મળી શકે છે એવી જગ્યાઓ પર સૌપ્રથમ રોડની કામગીરી હાથ ધરાશે.
રૂ. 55 કરોડના ખર્ચે 4.58 કિમી રોડની કામગીરી થશે
સૂચિત રિંગ રોડ પૈકી ગોત્રી- સેવાસી- સિંધરોટ સ્ટેટ હાઈવેને જોડતા ટીપી-24 -એ એટલે કે અંકોડિયા અને મહાપુરા ગામ પાસેથી પસાર થશે, જ્યારે ટીપી-24-બીમાં સમાવિષ્ટ 6.46 કિ.મી. પૈકી 4.58 કિ.મી.નો નવો રોડ બનાવાશે, જેમાં ભાયલી અને ગોકળપુરા ગામ વિસ્તારનો સમાવેશ થાય છે. આ સિવાય ટીપી-5ના 1.88 કિ.મી.ના રોડને ઢાળ આપીને જોડવામાં આવશે. 66.80 કિ.મી.ના સૂચિત રિંગ રોડ પૈકી પહેલા તબક્કામાં 4.58 કિ.મી.નો રોડ બનાવાશે, જેની પાછળ રૂપિયા 54.97 કરોડનો ખર્ચ કરાશે, જેને વુડાની બોર્ડ બેઠકમાં મંજૂરી અપાઈ છે. આ રિંગ રોડનું કામ પૂર્ણ થયે વડોદરાની ઈકોનોમીમાં કાયાપલટ થશે એવી આશા સેવાઈ રહી છે.
ટૂંક સમયમાં પ્રથમ ફેઝની કામગીરી શરૂ થશે
સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યનાં અન્ય શહેરોની સરખામણીમાં સૌથી છેલ્લે વડોદરાના પેરાફેરી વુડાની હદમાં 66.80 કિ.મી. લાંબો અને 75 મીટર પહોળો રિંગ રોડ બનાવવાના પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં પ્રથમ ફેઝમાં 4.5 કિ.મી. લાંબા રિંગ રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને આ સમગ્ર રિંગ રોડ આગામી 5 વર્ષની સમય મર્યાદામાં પૂરો કરવાનું આયોજન છે. આ રિંગ રોડથી ટ્રાફિકનું ભારણ ઘટવા સાથે ઔદ્યોગિક દૃષ્ટિએ પણ આશીર્વાદ પુરવાર થશે.
આખો રિંગ રોડ વુડા જ બનાવશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૂચિત રિંગ રોડ પૈકી મારેઠા, કોયલી, આઈપીસીએલ અને દશરથ સુધીના ભાગમાં એગ્રિકલ્ચર ઝોન નાખી દીધેલો છે, જેને લઈને આ રિંગ રોડની કામગીરી વર્ષોથી અટવાયેલી હતી. કુલ 66.80 કિ.મી. લાંબા રિંગ રોડ પૈકી વુડા વિસ્તારમાં 56 કિ.મી. રોડ આવે છે, જ્યારે બાકીનો 10.80 કિ.મી.નો રિંગ રોડ કોર્પોરેશનની હદમાં આવે છે, ત્યારે રિંગ રોડ માટે 84 ટકા વિસ્તાર વુડામાં આવતો હોવાથી વહીવટી સરળતા ખાતર અને કામગીરીમાં એકસૂત્રતા જળવાય તે માટે સંપૂર્ણ રિંગ રોડ વુડા દ્વારા બનાવવાનો નિર્ણય લેવાયો છે.
રિંગ રોડ માત્ર ચૂંટણીલક્ષી જાહેરાતઃ વિપક્ષ
કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં છેલ્લાં 25 વર્ષ ઉપરાંતથી શાસન કરી રહેલા ભાજપા શાસકોનો 66.80 કિ.મી. લાંબો અને 75 મીટર પહોળો રિંગ રોડ આગામી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીલક્ષી જાહેરાત છે અને રિંગ રોડની જાહેરાત કરી અગાઉથી આ જમીનો ખરીદી લેનારા લોકોને ફાયદો કરી આપવા માટે છે. આ રિંગ રોડ થકી ભાજપના શાસકો દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરવાનો આશય છે. આ રિંગ રોડ આવનારા એક દાયકા સુધીમાં પણ બનશે નહીં. કોર્પોરેશન દ્વારા શહેરના રિંગ રોડ પર વધી ગયેલાં દબાણો દૂર કરો અને તેની હાલત પહેલાં સુધારે એ જરૂરી છે.
વ્હીકલ માટે ઠેર-ઠેર અંડરપાસ બનાવવા પડશે
વડોદરા-પાદરા-જંબુસર હાઈવે પર જંબુસર રેલવેલાઈન સુધીનો રોડ બનાવાશે. આ લાઈન રેલવે દ્વારા બ્રોડગેજમાં રૂપાંતરિત કરાશે, ત્યારે વડોદરા જંબુસર ક્રોસિંગ પાસે રિંગ રોડની કનેક્ટિવિટી માટે રેલવે ઓવર બ્રિજ બનાવવો પડશે. એ બ્રિજના એપ્રોચ રોડ માટે 800 મીટર લંબાઈમાં બંને બાજુ પર 5.5 મીટર પહોળો રસ્તો બનાવવો પડશે, જેને હાલમાં પાદરા તરફ 40 મીટર પહોળાઈનો ડી.પી. રોડ અને વડોદરા તરફ 18 મીટર પહોળાઈનો ટીપી રોડ આવેલો છે, જેની સાથે જોડાણ કરી શકાશે. તેમજ 4.58 કિ.મી.ના સૂચિત રોડમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગનો મુખ્ય ધોરી માર્ગ પસાર થાય છે, ત્યાં વ્હીકલ અંડરપાસ બનાવવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.