ગણેશોત્સવ:વડોદરા મ્યુઝિયમમાં સચવાઇ છે 5મી સદી અને 6ઠ્ઠી સદીની ગણેશજીની મૂર્તિઓ

વડોદરા18 દિવસ પહેલા
શામળાજી સ્કલ્પચરના ગણેશ. - Divya Bhaskar
શામળાજી સ્કલ્પચરના ગણેશ.

દેશભરમાં હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકો વિવિધ ગણેશ પંડાલોમાં ગણપતિના દર્શન કરવા જતાં હોય છે. વડોદરાના સયાજીબાગ સ્થિત મ્યુઝિયમમાં પણ પાંચમી અને છઠ્ઠી સદીમાં બનેલ ગણેશજીની મૂર્તિઓ સંરક્ષિત છે. આ મૂર્તિઓ પ્રાચીન સ્થાપત્યોના ખોદકામ દરમિયાન મળી છે.

શામળાજી સ્કલ્પ્ચરની પાંચમી સદીની મૂર્તિ
વડોદરા મ્યુઝિયમના સાયન્સ વિભાગમાં ક્યુરેટર ડૉ.ઇન્દુબાલાએ જણાવ્યું હતું કે, સંગ્રહાલયમાં ગણેશજીની ત્રણથી ચાર પ્રાચીન મૂર્તિઓ રાખવામાં આવી છે. જેમાં શામળાજી સ્કલ્પ્ચર, ખજૂરાહો અને દક્ષિણ ભારતીય શૈલીની મૂર્તિઓ છે. શામળાજી સ્કલ્પ્ચરની ગણેશજીની મૂર્તિ પાંચમી સદીની છે. આ મૂર્તિમાં જમણી સૂંઢના ગણેશજી છે અને તેમની સાથે પારિચારક (સેવક) પણ દ્રશ્યમાન થાય છે.

ખજૂરાહોના ડાબી સૂંઢના ગણેશ.
ખજૂરાહોના ડાબી સૂંઢના ગણેશ.

ખજૂરાહોની 10મી સદીની ગણેશમૂર્તિ
મ્યુઝિયમમાં પ્રણવ બની સૂંઢમાં ઓમ ચિન્હની ખજૂરોહાની 10મી સદીની ગણેશમૂર્તિ પણ છે. આ ડાબી સૂંઢના ગણેશ છે તેમજ ઉભી મુદ્રામાં છે.

ચામુંડા અને ગણેશ એક સાથે.
ચામુંડા અને ગણેશ એક સાથે.

ચામુંડા અને ગણેશની મૂર્તિ
મ્યુઝિમમાં છઠ્ઠી સદીની ચામુંડા અને ગણેશની મૂર્તિ છે. મૂર્તિ ઉત્તર ગુજરાતના ઇડરના ટીંટોઇથી મળી હતી. ગણેશ અને ચામુંડાની એકસાથે મૂર્તિ હોય તેવી મૂર્તિ ભાગ્યે જ જોવા મળે છે.

દક્ષિણ ભારતીય શૈલીના ગણેશ.
દક્ષિણ ભારતીય શૈલીના ગણેશ.

દક્ષિણ ભારતીય શૈલીના ગણેશ
વડોદરા મ્યુઝિયમની અંદર ગણેશજીની મૂર્તિઓ નિહાળવા માટે તો ફી આપવી પડે. પરંતુ દક્ષિણ ભારતીય શૈલીના ગણેશની મૂર્તિ મ્યુઝિયમના કેમ્પસમાં ટિકિટ બારીની પાછળની બાજુમાં જ સ્થાપિત કરેલી છે. જેથી આ મૂર્તિ દરેક વ્યક્તિ નિઃશુલ્ક નિહાળી શકે. આ ગણેશ મૂર્તિ નવમીથી દસમી સદીમાં બનેલી છે.