તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરામાં આજે વેક્સિનનો જથ્થો સાડા બાર વાગે આવવાનો હોવાના કારણે દિવાળીપુરા સ્થિત વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.જોકે, સમયમાં ફેરફાર કરીને બપોરે બે વાગે વેક્સિન આવશે તેમ જણાવવામાં આવ્યાં બાદ આખરે સાંજે 5.10 કલાકે વેક્સિનનો જથ્થો વડોદરામાં આવતા કુમકુમ તિલક અને પુષ્પથી વધાવાઇ હતી. જો કે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના અગ્રણીઓને 3 કલાક બેસી રહેવું પડ્યું હતું. વેક્સિન સમયસર ન આવવા પાછળનું એક કારણ સારા ચોઘડિયામાં વેક્સિન શહેરમાં આવે તેવા ચોકઠા ગોઠવવાનું પણ હોવાનું જાણવા મળ્યું છે. વેક્સિન જે સમયે ઇન્સ્ટીટ્યુટ ખાતે આવી તે સમયે લાભ ચોઘડિયું ચાલી રહ્યું અને જો બપોરના સમયે વેક્સિનનો જથ્થો આવ્યો હોત તો તે સમયે રોગ અને ઉદવેગ ચોઘડિયું ચાલતું હતું. વેક્સિન ઇન્સ્ટીટ્યુટના ડે.ડાયરેકટર આર.વી.પાઠકને પુછતાં તેમણે એવું બની શકે તેમ કહ્યું હતું પણ ચોક્કસ કારણ આપવાનું ટાળ્યું હતું. જ્યારે અન્ય એક અિધકારીએ નામ નહીં આપવાની શરતે વેક્સિન મોડી આવવાનું કારણ ચોઘડિયું હોવાની વાતને પુષ્ટિ આપી હતી.
બુધવારના ચોઘડિયા
લાભ - સવારે 7:18 થી 8:36
અમૃત - 8:36 થી 9:53
કાળ - 9:53 થી 11:11
શુભ - 11:11 થી બપોરે 12:29
રોગ - 12:29 થી 1:46
ઉદ્વેગ - 1:46 થી 3:04
ચલ - 3:04 થી 4:22
લાભ - સાંજે 4:22 થી 5:39
રસીનો ઘટનાક્રમ
94,500 ડોઝ આવ્યા, 6 જિલ્લા માટે રવાના
16મી ડિસેમ્બરથી શરૂ થનારી વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્વે પૂણે થી 94,500 ડોઝ લઈ કન્ટેનર વડોદરા આવી પહોંચ્યું હતું. વડોદરાને મળેલા 94,500 વેકસિનના ડોઝનું અન્ય 6 જિલ્લાઓમાં પણ વિતરણ કરાશે. વડોદરા જિલ્લાને 13,200 ડોઝ, વડોદરા શહેરને 20,650 ડોઝ, ભરૂચ જિલ્લાને 12,480 ડોઝ, છોટાઉદેપુર માટે 7,190, પંચમહાલ અને નર્મદા જિલ્લાને અનુક્રમે 11,320 ડોઝ અને 5,200 ડોઝ જ્યારે દાહોદ જિલ્લાને 15,880 અને મહીસાગર જિલ્લાને 8,290 ડોઝ આપવામાં આવનાર છે.
વેક્સિનેશનમાં જિલ્લા આરોગ્ય કર્મચારીઓ ભાગ નહીં લે, તંત્રે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી
16 જાન્યુઆરીના રોજ શરૂ થનાર વેક્સિનેશન પ્રોગ્રામમાં હડતાળ પર ઉતરેલા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના 850 જેટલા કર્મચારીઓ પ્રોગ્રામમાં ભાગ નહી લે તેમ કર્મચારી મંડળના પ્રમુખ સંજય રાઉલજીએ જણાવ્યું હતું.જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય તિલાવટે જણાવ્યું હતું કે, વેક્સિનેશનના 7 કેન્દ્રો પૈકી 4 પબ્લિક કેન્દ્રો છે,તેમાં હાલ કોન્ટ્રાક્ટના સ્ટાફને બોલાવી વેક્સિન અપાશે. આગામી સમયમાં હડતાળ ન સમેટાય તો તકલીફ પડશે.
સારા ચોઘડિયાથી સકારાત્મક અસર
બુધવારે સાંજે 5:10 મિનિટે લાભ ચોઘડિયામાંરસી આવી છે. આ સાથે ઉત્તરાષાઢા નક્ષત્ર પણ શુભ છે. જેથી આ રસીની સકારાત્મક અસર વર્તાશે. પ્રજાજનો પણ આ રસીને સ્વીકારશે. - શાસ્ત્રીજી નયન જોશી, જયોતિષાચાર્ય
અવિશ્વાસ ન કરી રસી લેવી જોઇએ
દેશમાં સૌથી સસ્તી દવા બનાવી ભારત આત્મનિર્ભર ભારત બન્યું છે. રસી માટે કોઈએ અવિશ્વાસ કરવો નહી. સૌને રસી લેવા અપીલ કરું છું. હવે આપણે સફળ થઈશું, આપણે જીતીશુ. - રાજેન્દ્ર ત્રિવેદી, અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા
સતત 19 કલાક ટ્રક ચલાવી રસી પહોંચાડી
પૂણેથી કોવિશિલ્ડ વેકસિનનો જથ્થો લઈ વડોદરા આવી પહોંચેલા ટ્રકના ડ્રાઇવર પરવેશ શર્માનું વડોદરામાં સ્વાગત કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે મને મંગળવારે જાણ થઈ હતી કે વેકસિનનો જથ્થો લઈ ગુજરાત જવાનું છે. ત્યારથી જ ભારે ઉત્સાહ હતોે. આ કામ માટે પસંદગી થવાની ખુશી હતી. તેમના પરિવારજનોને પણ એ વાતની ખુશી છે કે પરવેશને આ કામગીરી મળી છે. પરવેશ શર્મા મંગળવારે રાતે 10 વાગ્યે પૂણેથી નીકળ્યા હતા. તેઓએ સતત 19 કલાક ટ્રક ચલાવી હતી અને બુધવારે આવી પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પરવેશ શર્માને 101 ભેટ રૂપે આપ્યા હતા.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.