વ્યાજખોરો સામે ફરિયાદ:વ્યાજખોરોએ સિક્યુરિટી માટે લીધેલા ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી કેસ કર્યા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રીના લગ્ન માટે દોઢ લાખ લઇ અઢી લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ઘર પચાવી લીધું

શહેરના મકરપુરા, વાડી, ફતેપુરા માંજલપુર અને નવાપુરા વિસ્તારમાં વ્યાજખોરોએ ઊંચા વ્યાજ દરે રૂપિયા આપ્યા હતા. વ્યાજ ભર્યા બાદ પણ વ્યાજખોરોએ તેઓના ચેક બેંકમાં ભરીને રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કરીને તેઓને ફસાવ્યા હતા. આવા લોકોએ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ કરી હતી.

લોક દરબાર / વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા વિવિધ વિસ્તારના લોકોએ ફરિયાદ નોંધાવી

  • મકરપુરાના પંકજ પરમારે ભાવેશ રાઠોડ પાસેથી 15 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા. રોજ રૂા.200 વ્યાજ આપતા હતા. 15 હજાર સામે રૂા.16,450 આપ્યા બાદ પંકજે ભાવેશ પાસેથી સિક્યુરિટી ચેક માગતાં તેણે 2500 બાકી કાઢ્યા હતા. ભાવેશે 85 હજારનો ચેક બેંકમાં નાખી કેસ કર્યો હતો. જેથી મકરપુરા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી હતી.
  • નવાપુરાના ઈનાયત ખાને રણજીત રાણા પાસેથી 7.72 લાખ 6 ટકા વ્યાજે લીધા હતા અને વ્યાજ સાથે પરત કર્યા હતા. છતાં રણજીત 10 લાખ વ્યાજ માગી મારી નાખવાની ધમકી આપતો હતો. પૈસા ન આપતાં રણજીતે 10 લાખનો ચેક બેંકમાં ભરી બાઉન્સ કરાવી ઈનાયત ખાન વિરુદ્ધ કેસ કર્યો હતો. રણજીત વિરુદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી.
  • માંજલપુરનાં સવિતા પરમારે પુત્રીના લગ્ન માટે બાળકૃષ્ણ ઠક્કર પાસેથી 1.50 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા.જેમાં બાળકૃષ્ણના પુત્ર વૈભવે ઘરના કાગળ લખાવી લીધા હતા. સવિતાબેને 2.50 લાખ ચૂકવ્યા બાદ દસ્તાવેજ પાછા લેવા જતાં બાળકૃષ્ણે કહ્યું કે, અમે મકાનનું બાનાખત કરી લીધું છે. ઘરમાંથી નીકળી જવા કહેતાં બાળકૃષ્ણ અને વૈભવ ઠક્કર સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
  • વાડીમાં રહેતા શ્રેયસ શાહે હાર્દિક પટેલ પાસેથી 10.70 લાખ રુપિયા 10 ટકા વ્યાજે લીધા હતા. જૂલાઈ-2022માં તેઓએ મૂડી-વ્યાજ ચૂકવી દીધા હતા. શ્રેયસભાઈએ ચેક પરત માગતાં હાર્દિકે વધુ રૂપિયા માગ્યા હતા. શ્રેયસે રૂપિયા ના આપતાં હાર્દિકે 10.47 લાખનો ચેક બેન્કમાં નાખી કેસ કર્યો હતો. જેથી શ્રેયસ શાહે હાર્દિક સામે પોલીસ ફરિયાદ કરી હતી.
  • ફતેપુરાના વિશાલ ઓડના મિત્ર ધવલ શિર્કેએ નેહલ સોની પાસેથી 60 હજાર 10 ટકા વ્યાજે લઈ વિશાલને કોરા ચેકની સામે આપ્યા હતા. વિશાલભાઈ મહિને 6 હજાર વ્યાજના આપતા હતા. બાદમાં વધુ 40 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા. ડિસેમ્બર-2020માં વિશાલભાઈએ મૂડીના 1 લાખ અને વ્યાજના 20 હજાર ચૂકવી દઇ ચેક પરત માગતાં ધવલે નહીં આપી 3.46 લાખનો ચેક બેન્કમાં ભરી કેસ કર્યો હતો. ધવલ શિર્કે અને નેહલ સોની સામે ફરિયાદ કરાઈ હતી.
  • વાડી કાઠિયાવાડીવાસમાં રહેતા હિંમતભાઈ પરમારે મનોજ ચુનારા પાસેથી 50 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા. હિંમતભાઈ ક્યારેક વ્યાજ ચૂકવવાનું ચૂકી જાય તો મનોજ અપશબ્દો બોલતો હતો. તેમણે 50 હજાર સામે 1.30 લાખ ચૂકવી દીધા હતા છતાં મનોજ 20 હજાર માગતો હતો. રૂપિયા ન આપતાં મનોજે 1 લાખનો ચેક બેંકમાં ભરીને હિંમતભાઈ વિરુદ્ધ કેસ કર્યો હતો. જેથી મનોજ વિરુદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...