શહેરના અટલાદરા સનફાર્મા રોડ પર આવેલા દર્શનમ ઈલાઈટના રહીશો પીવાના પાણી, રોડ રસ્તા અને નજીકના પાલિકાના પ્લોટમાં ફેલાયેલી ગંદકીથી પરેશાન થયા છે. 7 વર્ષ પહેલા સોસાયટી બન્યા બાદ હજી સુધી પાલિકા દ્વારા પાણીની સુવિધા નહીં આપવામાં આવી હોવાથી 3000 ટીડીએસ વાળું પાણી પીવા મજબૂર બન્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. શહેરના અટલાદરા સન ફાર્મા રોડ પર આવેલા દર્શનમ ઈલાઇટના રહીશોએ 7 વર્ષ પહેલા મકાન લીધા હતા, જેમાં 45 પરિવારો રહે છે. જોકે ત્યાં પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી મળતું નથી. જેના કારણે તેઓએ બોરિંગનું 3 હજાર ટીડીએસવાળું પાણી પીવું પડે છે.
દર્શનમ ઇલાઈટના સેક્રેટરી સુહાસ કાલેએ જણાવ્યું હતું કે, ફ્લેટની બાજુમાં જ પાલિકાનો પ્લોટ આવેલો છે. ત્યાં આસપાસની 45 સોસાયટીના લોકો કચરો નાખવા આવે છે. જેના કારણે કચરાનો સ્પોટ ઉભો થયો છે. બીજી તરફ સિંધરોટ ખાતેથી માંજલપુર તરફની પાણીની લાઈન નાખ્યા બાદ બે વર્ષ થવા આવ્યા છતાં રોડ બનાવવામાં આવ્યો નથી. આ અંગે મેયર, સ્થાનિક કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી છે. પરંતુ હજી સુધી કોઈએ નિકાલ લાવવામાં રસ દાખવ્યો નથી. ત્યારે રવિવારે રહીશોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ટીડીએસવાળા પાણીના કારણે લોકોની હેલ્થને ગંભીર અસર થઇ શકે તેવી સંભાવના હોવા પાણી ન મળતા લોકોમાં ભારે રોષ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.