રાજ્યની શાળાઓમાં યોજાનારી એકમ કસોટીની પ્રશ્નબેંક કસોટીના અડધો કલાક અગાઉ મોકલવામાં આવશે અને પછી 30 મિનિટમાં જ શાળાઓએ તેમાંથી પ્રશ્નપત્ર કાઢીને વિદ્યાર્થીઓને પરીક્ષામાં આપવાના તઘલખી ફરમાન સામે વડોદરાના આચાર્યોએ વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે શિક્ષણ વિભાગે પોતાનો નિર્ણય ફેરવ્યો હતો અને શાળાઓને જ એકમ કસોટીઓ પોતાની જાતે જ લેવાનું જણાવ્યું હતું.
શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને રાજ્યભરની શાળાઓને આદેશ આપ્યો હતો કે, 27મી જુલાઇથી શરૂ થનારી ધો.9થી ધો.12ની એકમ કસોટીઓ માટે શિક્ષણ વિભાગ વેબસાઇટ પર સવારે 9.30 વાગ્યે પ્રશ્નબેંક મોકલશે. આ પ્રશ્નબેંકમાંથી શાળાઓએ તમામ ધોરણો માટે પ્રશ્નપત્ર કાઢવાનું અને તેને પ્રિન્ટ કરાવીને પરીક્ષામાં બેંસેલા વિદ્યાર્થીઓને આપવાનું રહેશે.વડોદરાની શાળાઓના આચાર્યોએ આ પરિપત્રના વિરોધમાં ખુલીને પોતાના વિચારો જણાવતા કહ્યું હતું કે, આ પરિપત્ર-નિર્ણય શિક્ષણ વિભાગે બદલવો જોઇએ. બન્યું પણ એવું જ, શિક્ષણ વિભાગે શાળાઓને પોતાની રીતે પરીક્ષા લેવાનો નવો આદેશ જાહેર કર્યો હતો.
જેના પગલે વડોદરા સહિત રાજ્યભરની શાળાઓમાં શાળાનું મેનેજમેન્ટ નક્કી કરે તે રીતે જ પરીક્ષા લેવામાં આવી હતી.દિવ્ય ભાસ્કરે આચાર્યોના વિરોધ અંગેનો અહેવાલ 24મી જુલાઇએ પ્રકાશિત કર્યો હતો. આ વિશે નૂતન વિદ્યાલયના આચાર્ય ઘનશ્યામ ચાવડાએ જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ શિક્ષણ વિભાગને પણ પોતાના નિર્ણય અંગે ફેરવિચારણા કરવાની જરૂર ઊભી થઇ હતી અને શાળાઓને પોતાની રીતે જ એકમ કસોટી લેવાનું જણાવ્યું હતું. જેના પગલે બુધવારથી એકમ કસોટીઓનો પ્રારંભ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.