ધર્મ અને સમાજનું કાર્ય મોટાભાગે સિનિયર સિટિઝન જ કરતા હોય એવી એક વાત સૌએ સ્વીકારેલી છે. પરંતુ અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી સાથે યુવાવસ્થાથી જોડાયેલા દંપતી તેજસ અને અમી પટવાએ ધર્મ-સમાજના કાર્ય માટે ઉંમરનો બાધ નડતો નથી તેવું સાબિત કર્યું છે. એટલું જ નહીં અનેકવિધ સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતું પટવા દંપતી યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે.
વડોદરાની શ્રી કલ્યાણરાયજી હવેલીના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. 2017 માં સુબોધચંદ્ર શાહ, અશોક પટેલ અને ભૂપેન્દ્ર પટેલ(બોબી પટેલ)ના સહકાર સાથે શરૂ થયેલી ગોકુલધામ હવેલી પાંચ વર્ષમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, અને સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની છે. જેની સફળતામાં અનેક વૈષ્ણવોએ તન-મન અને ધનથી કરેલી સેવા મહત્ત્વની છે.
જો કે, 38 વર્ષની યુવાવયે ગોકુલધામ હવેલીના નિર્માણનો સંકલ્પ કરી આ કાર્ય પૂરું કરવા માટે સમય-શક્તિનું બલિદાન આપનાર તેજસ પટવાના કાર્યથી કોઇ અંજાણ નથી. ગોકુલધામમાં દર વર્ષે સાંસ્કૃતિક પ્રોગ્રામ ‘નમસ્તે’, પોંક-ઊંધિયું ઉજાણી, હોલી-રંગોત્સવ, સમર કેમ્પ, જીવન સાથી પસંદગી સંમેલન, હિંડોળા ઉત્સવ, અન્નકૂટ મનોરથ જેવા અનેક મોટા આયોજનો થતા રહે છે. સાથે સાથે ગોકુલધામ વિદ્યાલયની પ્રવૃત્તિ જ તો ખરી જ ! વર્ષ 2008 થી હાલ 2022 સુધી ગોકુલધામના આ દરેક કાર્યમાં એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા સતત દોડતા જ રહ્યા છે. તેમના કાર્યથી પ્રેરાઇને તેમની સાથે ટીમમાં સામેલ 30 થી 50 ની વયજૂથના 100 જેટલાં કપલ દરેક નવી ઇવેન્ટને નવા જોમ-જુસ્સાથી સફળતાની નવી ઊંચાઇ અપાવે છે.
તેજસ પટવા કહે છે, જીવનમાં આધ્યાત્મિકતાનો સ્પર્શ યુવાનીમાં જ થઇ જવો જોઇએ. આ માટે ઉંમરનું કોઇ બંધન નડતું નથી. જ્યારે શરીરમાં હણહણતા અશ્વ જેટલી તાકાત હોય ત્યારે જ ધર્મ અને સમાજ માટે કંઇ કરવાનો સંકલ્પ લઇ તેની પૂર્તતા માટે સમય-શક્તિનું બલિદાન આપવું જોઇએ. પૂ.દ્વારકેશલાલજી મહારાજ હંમેશા યુવાનોને પ્રેરણા આપે છે. તેમની પ્રેરણા અને આશીર્વાદ થકી હું નાની ઉંમરે હવેલી નિર્માણનું સ્વપ્ન જોઇ તેને હું પૂરું કરી શક્યો. વર્ષમાં મોટાભાગના શનિ-રવિવારનો સમય તેજસ પટવા અને તેમના ધર્મપત્ની અમી પટવા ગોકુલધામની પ્રવૃત્તિમાં જ વિતાવે છે. પટવા દંપતીને હવેલીના ઉત્થાન અને પ્રગતિ માટે નીતનવા િવચારો સાથે સતત પ્રવૃત્તિશીલ રહેતા જોઇ નવા યુવા સ્વયંસેવકો જોડાઇ રહ્યા છે. ખાસ કરીને ગોકુલધામ વિદ્યાલયમાં યુવા સ્વયંસેવકોના સપોર્ટથી વિદ્યાલયનું નામ ગુંજતું થયું છે.
તેજસ પટવા એક વ્યક્તિ નથી સંસ્થા છે : દ્વારકેશલાલજી મહારાજ તેજસ પટવા આ એક વ્યક્તિ નથી સંસ્થા છે. એક આખી સંસ્થા સ્વરૂપે આ વ્યક્તિના મનમાં રોજ નવા વિચારો ઉદ્્ભવે છે, તેને મૂર્તિમંત કરવા આ પ્રતિભા રોજ પરિશ્રમ કરે છે. વૈષ્ણવોનો મનોરથ હતો કે, ગોકુલધામ હવેલી થાય, આ મનોરથ પૂરો કરવા તેજસભાઇએ ઘણો પુરુષાર્થ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.