તપાસ ઢીલી:આસ્થા ફાઉન્ડેશનનો ટ્રસ્ટી હજુ પોલીસની પહોંચ બહાર

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંગત વીડિયો વાઇરલ કરવાની ધમકીના કેસમાં તપાસ ઢીલી
  • એક આરોપી હોસ્પિટલમાં, મુદ્દામાલ રિકવર કરવાનો બાકી

મોબાઈલમાંથી અંગત પળોના વિડિયો મેળવીને વેપારી પાસે રૂા.20 લાખની ખંડણી માંગવાની ઘટનામાં પોલીસે નોટીસ પાઠવ્યાં છતા આસ્થા ફાઉન્ડેશનના કહેવાતા ટ્રસ્ટી અને વકીલ પોલીસ સમક્ષ હાજર થયા નથી. પોલીસે વકીલને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

જ્યારે કેસનો અન્ય એક આરોપી એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી પોલીસની તપાસ ઠેરની ઠેર છે. જમીન દલાલનું કામ કરતા વેપારીએ વર્ષ 2018માં રાજેશ ભાલિયા (વડસર બ્રિજ પાસે) થકી તેમની દુકાન 5 હજાર ભાડેથી લીધી હતી. ધંધો ચાલતો ન હોવાથી તેઓ ભાડું આપી શક્યા ન હતા. જેથી ભાડાની ઉઘરાણી કરવા રાજેશ ભાલિયા ફરિયાદીનું લેપટોપ, મોબાઈલ અને ચેકબુક લઈને જતો રહ્યો હતો.

રાજેશ ભાલિયાએ ફરિયાદીના મોબાઈલમાં તેમના અને તેમની પત્નીના અંગત પળના વીડિયો જોઈ લીધા છે, વીડિયો વાઇરલ થશે તો તમે ક્યાંયના નહીં રહો, કહી 20 લાખની માગણી કરી હતી. દરમિયાન આસ્થા ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ પણ વેપારીને તેમના વિડિયો જોયા હોવાથી રૂા. 15 લાખ આપવા જણાવ્યું હતું. આખરે ફરિયાદી રાજેશના ઘરે ગયા હતા, જ્યાં રાજેશ અને તેની પુત્રી હાજર હતાં. રાજેશની પુત્રીએ કહ્યું કે, તમારી વસ્તુઓ વકીલ પાસે છે. જતા રહો નહીં તો ખોટા કેસમાં ફસાવી દઈશ. કંટાળીને ફરિયાદીએ રાજેશ ભાલિયા, તેની પુત્રી અને હિમાંશુ દેસાઈ સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...