મુંબઇના હિસ્ટ્રીશીટરે પૈસા માગતા મુંબઈ પાલિકાના બે કોન્ટ્રાક્ટરોને વડોદરા દેશી રિવોલ્વર પહોંચાડવા કહ્યું હતું. જેથી મુંબઇના બંને કોન્ટ્રાક્ટરો વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ભાવનગરના દલાલને રિવોલ્વર આપતાં હરણી પોલીસે ત્રણેવને ઝડપી લીધા હતા. હરણી પોલીસે ત્રણેવ આરોપી અને રિવોલ્વર મોકલનાર અને રિવોલ્વર ખરીદનાર બંનેની તપાસ હાથ ધરી છે.હરણી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વિધાનસભા ચૂંટણીને લઇ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરાતું હતું ત્યારે હરણી પોલીસના પીઆઈ એસ.આર.વેકરિયાને બાતમી મળી હતી કે, બુધવારે મળસ્કે ગોલ્ડન ચોકડી પાસે રિવોલ્વરનો સોદો થવાનો છે.
જેથી પોલીસ મંગળવારે રાતથી ગોલ્ડન ચોકડી ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે બ્રિજ નીચે મળસ્કે એક થેલા સાથેના બે યુવાનો આવતાં પોલીસે બંનેની પૂછપરછ કરી હતી. જ્યારે તેમનો થેલો તપાસતાં તેમાંથી દેશી રિવોલ્વર, બે મેગેઝીન અને 12 જીવતા કાર્ટીઝ સહિત રૂા.41 હજારનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે દિપેન મનોજભાઈ મકવાણા (આઓસાઈ બિલ્ડિંગ, રેસકોર્સ, મુંબઇ) અને પ્રમોદ હીરાલાલ મારૂ (કુર્લા ઇસ્ટ, મુંબઇ) અને ચીમન ઉર્ફે મુન્નો પાલજીભાઈ ગોહિલ (રાજપરા ગામ, તા.સિહોર, જિ.ભાવનગર)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે રિવોલ્વર ખરીદવા આવેલા રફીક મિસ્ત્રી (સિહોર), બશીર દાઢી અને બાબુ કોળી (સોનગઢ) અને રિવોલ્વર મોકલનાર મુંબઇના શૈલેશ ગોહિલ (મહાલક્ષ્મી બિલ્ડિંગ, રેસકોર્સ, મુંબઇ) હાથમાં આવ્યો ન હતો. શૈલેશ ગોહિલ પાસે દિપેન એક લાખ રૂપિયા માગતો હતો. જેથી તેણે દિપેનને કહ્યું હતું કે આ રિવોલ્વર વડોદરા પહોંચાડી દે, તને ખરીદનાર એક લાખ રૂપિયા આપી દેશે, એમ કહી દિપેન અને પ્રમોદને મોકલ્યા હતા, એવું તપાસમાં સપાટી પર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.