વડોદરા જમીન દલાલ લૂંટ કેસ:કોંગ્રેસ અગ્રણીને 7 કલાક ગોંધી રાખી ત્રિપુટીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, કઢંગી હાલતના ફોટો પાડ્યા, વાઈરલ કરવાની ધમકી આપી રૂ.50 હજાર માગ્યા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - ફાઇલ તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર - ફાઇલ તસવીર
  • 73 હજાર લૂંટી કઢંગી હાલતના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી 1 લાખ માગ્યા: 2 ઝબ્બે

પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર કમ બિલ્ડરને 3 યુવકોએ મેસેજ કરી વાઘોડિયા પાસે જમીન જોવા બોલાવ્યા બાદ 7 કલાક સુધી ગોંધી રાખી માર મારી કઢંગી હાલતમાં ફોટા પાડી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ફોટા વાઇરલ કરવાની પણ ધમકી આપી 1 લાખની માગણી કરી હતી. આ શખસોએ સોનાની ચેઇન, રોકડ અને મોબાઇલ સહિત રૂા.73 હજારની મતા પડાવી હતી. બિલ્ડરે ફરિયાદ નોંધાવતાં વાઘોડિયા પોલીસે ગુનો નોંધી વડોદરાના 2 શખસોની ધરપકડ કરી હતી.

કારેલીબાગમાં રહેતા અને તાજેતરની કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર અને જમીન દલાલ કમ બિલ્ડરે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 10 તારીખે મોબાઇલ ફોનમાં બ્લ્યૂડ ગે ક્લબ હાઉસ ફોર એન્ડ્રોઇડ નામની એપ્લિકેશન ભૂલથી ડાઉનલોડ કરી હતી. ત્યાર બાદ ગ્રુપમાં મેસેજ આવ્યો હતો અને એક શખસે તેમને જણાવ્યું હતું કે અણખોલમાં રોડ ટચ આવેલી જમીન વાજબી ભાવ અને ટર્મ્સથી મારે વેચવી છે, જેથી તેમને જમીન જોવી છે, એમ કહેતાં સામેથી શખસે અણખોલ બોલાવતાં તેઓ અણખોલથી આગળ નર્મદાપુરા ગામના બોર્ડ પાસે સ્વિફ્ટ કાર લઇને પહોંચ્યા હતા.

ત્યાર બાદ સ્કૂટર પર આવેલા એક યુવકે રસ્તો ખરાબ હોવાનું જણાવી સ્કૂટર પર બેસી જવા જણાવતાં તેઓ સ્કૂટર પર બેસી ગયા હતા. આ શખસ તેમને સ્કૂટર પર ધીરજ હોસ્પિટલથી થોડે દૂર ખેતરમાં અંદર લઇ ગયો હતો. ત્યાર બાદ 2 છોકરા આવ્યા હતા અને બંનેએ બિલ્ડરને ખેતરમાંથી 2 ગાય ચોરાઇ છે અને તમે ચોર છો, ચોરી કરવા આવ્યા છો, એમ કહી બિલ્ડરની ફેંટ પકડી ખેતરમાં લઇ જઇ સોનાની ચેઇન, બ્લુ ટૂથ, મોબાઇલ અને 8 હજાર રોકડા કાઢી લીધા હતા. ત્યાર બાદ બંનેએ 1 લાખની માગ કરી હતી. બિલ્ડરે વધુ પૈસા ન હોવાનું જણાવતાં બંનેએ તેમનાં કપડાં કાઢી માર માર્યો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યાર બાદ કઢંગી હાલતના ફોટા પાડી 12 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જોકે ઓનલાઇન પાસવર્ડ ખોટો નાખતાં એકાઉન્ટ બ્લોક થઇ ગયું હતું.

બિલ્ડરની પત્ની પાસેથી પણ પૈસા લઈ લીધા
ત્યાર બાદ બંનેએ પૈસા ઘેરથી મગાવવાનું કહેતાં બિલ્ડરે તેની પત્નીને ફોન કર્યો હતો. તેમની પત્ની પાસેથી પૈસા પણ લઇ લીધા હતા. આ શખસોએ વધુ 50 હજાર માગ્યા હતા. આ અંગે ગુનો નોંધાતાં પોલીસે અજય રાજુ ઠાકોર (રહે. કિશનવાડી) અને રાકેશ રામદેવ કનોજિયા (રહે. પાણીગેટ)ની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર અક્ષયની શોધખોળ હાથ ધરી છે.

ત્રિપુટીએ કોંગી અગ્રણીની પત્ની અને બહેનને પૈસા લઇ બોલાવ્યાં
ત્રિપુટીએ વધુ પૈસા મગાવતાં 49 વર્ષીય બિલ્ડરની પત્ની અને બહેન 12 હજાર લઇને પહોંચ્યાં બાદ તેમને પણ સ્કૂટર પર બેસાડી બિલ્ડર પાસે લઇ જવાયાં હતાં. તેમણે અંધારામાં ખેતરમાં ગાડી નાખતાં તેમની પત્ની જોરથી બૂમ પાડી ઊતરી ગઇ હતી, જેથી આ શખસો તેમની પાસેથી પૈસા લઇને બિલ્ડર પાસે ગયા હતા. એ સમયે બિલ્ડરે તેમની પત્ની અને બહેનને ઘેર જવા કહ્યું હતું. ત્રણેય જણાએ બિલ્ડર પાસેથી વધુ 50 હજારની માગ કરતાં 2 છોકરા પૈકી એક બિલ્ડરની ગાડીમાં અને બીજો મોપેડ લઇ તેમના ઘેર સુધી ગયા હતા. તેમણે બિલ્ડરને એક ફોન આપ્યો હતો અને બીજો ફોન તથા અન્ય ચીજો પૈસા આપશો તો જ મળશે, એમ જણાવ્યું હતું. ત્રણે જણાએ લૂંટ કરી કઢંગી હાલતમાં ફોટા પાડી વાઇરલ નહીં કરવાના બહાને વધુ 50 હજારની માગ કરી હતી.

પત્ની અને છોકરાને ઉપાડી જવાની ધમકી
આ શખસોએ બિલ્ડરને જો પૈસા નહીં આપે તો તારી પત્ની અને છોકરી જ્યારે પણ ઘરની બહાર નીકળશે ત્યારે મારા છોકરાઓ તેમને ઉપાડી જશે તેવી ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...