વરણામાના આલમગીરી ગામની નજીક આવેલી હોટલમાં 3 ટ્રક પાર્ક કરીને ડ્રાઇવર રાત્રી દરમિયાન આરામ કરી રહ્યા હતા. ત્યારે મળસ્કે ત્રણેય ટ્રકમાંથી ડીઝલ ચોરી થઈ ગયું હતું. ટ્રક માલિકોને આ વિશે જાણ થતાં તેઓએ હોટલના સીસીટીવી તપાસતાં જાણવા મળ્યું કે, 3 શખ્સ ડીઝલ ચોરી ફારાર થઈ ગયા હતા.
ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં રહેતા મનીષ રાય મહારાષ્ટ્રના પનવેલ ખાતે સમીર રોડલાઈન ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર છે. ગુરુવારે તે જામનગરથી ગેસ ભરેલું ટેન્કર સુરત હજીરા જવા નીકળ્યા હતા. દરમિયાન વરણામાના આલમગીરી પાસે હોટલ હમસફર પ્લાઝામાં રોકાયા હતા. તેમની સાથે બે અન્ય ટેન્કર ચાલકો હતા. તેઓ જમીને આરામ કરતા હતા.
4 વાગે મનીષભાઈ ઊઠતાં એક ટ્રક પુરઝડપે હાઈવે તરફ જતી જોઈ હતી. તેઓએ અન્ય ડ્રાઈવરોને જગાડીને તપાસ કરાવતાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી થઈ ગયું હતું. મનીષભાઈના ટેન્કરમાંથી 43 લિટર, અન્ય ટેન્કરમાંથી 132 લિટર અને બીજા એક ટેન્કરમાંથી 160 લિટર ડીઝલની ચોરી થઈ હતી. હોટલના સીસીટીવી તપાસતાં જોવા મળ્યું કે, એક ટ્રક તેમના ટેન્કર પાસે આવે છે અને તેમાંથી 2 થી 3 લોકો નીચે ઉતરીને ટેન્કર તરફ જાય છે. થોડીવાર બાદ તેઓ ટ્રક લઈને ભાગી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.