શહેરમાં ભારદારી વાહનોના ગેરકાયદે પ્રવેશ સામે ટ્રાફિક પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે શહેરમાં ગેરકાયદે પ્રવેશતાં ભારદારી વાહનોના ચાલકોમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા બે દિવસમાં ટ્રાફિક પોલીસે 18 ભારદારી વાહનોને દંડ કરવામાં આવ્યો હતો બે ડંપર જપ્ત કરવામાં આવ્યા હતા.
ટ્રાફિક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભારદારી વાહનોના શહેરમાં પ્રવેશ અંગે શહેર પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેના અમલ માટે સુચના આપવામાં આવી છે. જાહેરનામા મુજબ ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશવા અંગે નિયત સમય નક્કી કરવામાં આવ્યો છે તેમ છતાં અનેક ભારદારી વાહનો પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરીને શહેરમાં ઘુસી જાય છે તેવી ફરિયાદો શરૂ થઇ છે.જેથી ટ્રાફિક વિભાગ દ્વારા બે દિવસથી ભારદારી વાહનો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં સોમવારે 18 વાહનોને સમાધાન શુલ્ક તરીકે રૂા.18,000 દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને બે ડંપરને ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મંગળવારે પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા કડકબજારથી અલકાપુરી ગરનાળા સુધી રહેતાં રિક્ષાચાલકોના ઝમેલાને પણ હટાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારદારી વાહનો ક્યારેક વધુ પડતી સ્પિડથી ગાડી હંકારતા હોવાને કારણે કેટલાંય લોકોના જીવ ગયા છે. આ ઉપરાંત આવા વાહનોમાં મોટા પાયે કરચોરી અને તસ્કરી કરવામાં આવતી હોય છે. ત્યારે પોલીસે કડક હાથે બે દિવસથી અભિયાન ચલાવતા આવા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.