આપદા:હાઇવે પર મસ મોટા ખાડા પડતાં 20થી વધુ કારનાં ટાયરો ફાટી ગયાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા ચોકડી પાસે  હાઇવે પર ખાડા પડતાં રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબના કાર્યકરો- પોલીસે પુરાણ કર્યું હતું. - Divya Bhaskar
વાઘોડિયા ચોકડી પાસે  હાઇવે પર ખાડા પડતાં રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબના કાર્યકરો- પોલીસે પુરાણ કર્યું હતું.
  • ભારે વરસાદને પગલે વાઘોડિયા ચોકડી પાસેના હાઇવેને નુકસાન
  • મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાત્રે મરામત શરૂ કરાવી, સવારે ખાડા પૂરી દેવાયા

શહેર નજીક વાઘોડિયા ચોકડીથી સુરત તરફ બાયપાસ હાઇવે પર ભારે વરસાદના કારણે મોટા ખાડા પડી ગયા હતા. જેના પગલે 20થી વધારે ગાડીઓનાં ટાયરો ફાટી ગયાં હતાં. ત્યાંથી પસાર થતા ભાજપના ઉપાધ્યક્ષે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું ધ્યાન દોરતાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ભારે વરસાદના પગલે શહેર સહિત હાઇવે પર પણ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનોને ભારે નુકસાન થઇ રહ્યું છે. 13મી તારીખે મધરાતે શહેર નજીક વાઘોડિયા ચોકડીથી સુરત તરફ જવાના રસ્તા પર ખાડાના પગલે ભાજપના ઉપાધ્યક્ષ જનક બગદળવાળાની ગાડીના ટાયરને નુકસાન થયું હતું. તેમણે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગે જાણ કરતાં તેમણે તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ, કલેક્ટર કચેરી તથા પોલીસને જાણ કરી હતી.

રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબને પણ આ અંગે જાણ કરીને તેમના કાર્યકરોને સ્થળ પર મોકલી આપ્યા હતા. જેના પગલે કાર્યકરોએ ટ્રાફિક પોલીસની મદદ લઇને રસ્તાને ડાઇવર્ઝન આપ્યું હતું. ત્યારબાદ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના સભ્યો, સ્થાનિક હોટલના કર્મચારીઓ તથા પોલીસની મદદથી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી.

મોડી રાત્રે 3.30 વાગ્યા સુધીમાં કામગીરી પૂરી કરાઇ હતી. આ ખાડાઓના પગલે 20થી વધુ ગાડીઓનાં ટાયરો ફાટી ગયાં હતાં અને ગાડીઓના અકસ્માત થતાં રહી ગયા હતા. ટાયરો ફાટી જતાં તે ગાડીઓ રસ્તાની આજુબાજુ તથા હોટલો પર ઊભી રહી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...