સતત બીજા દિવસે હડતાળ:યુનિ.ની હંગામી કર્મીઓને ધમકી હાજર થાવ નહીં તો કાઢી મુકાશે

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 800 કર્મીઓને હડતાળ સમેટી હાજર થવા યુનિ.ની તાકીદ
  • યુનિવર્સિટી કેમ્પસમાં સફાઇ ન થઇ, પટાવાળાનાં કામો અટક્યાં

એમ.એસ.યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓ 2 દિવસથી હડતાલ પર ઉતરતા કેમ્પસમાં વિવિધ ફેકલ્ટીઓની કામગીરીને અસર પડી છે. જેના પગલે યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓ માટે જાહેર નોટીસ કાઢી છે અને તેમાં તેમને ફરજ પર હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. કર્મચારીઓ ફરજ પર હાજર નહિ થાય તો તેમને કાઢી મૂકવાની ચીમકી પણ ઉચ્ચારમાં આવી છે.

યુનિવર્સિટીના 800 જેટલા હંગામી કર્મચારીઓ બે દિવસથી હડતાલ પર ઉતર્યા છે. જેના પગલે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં કામગીરી પર અસર થઇ છે. ફેકલ્ટીઓમાં સાફ સફાઇથી લઇને પટાવાળા દ્વારા કરવામાં આવતી કામગીરી થઇ રહી ના હોવાના કારણે સ્થિતી બગડી રહી છે.

જેથી યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા હંગામી કર્મચારીઓને તેમની હડતાલ સમેટી લઇને ફરજ હાજર થઇ જવા માટેની તાકીદ કરવામાં આવી છે. સત્તાધીશોએ જણાવ્યું છે કે, હંગામી કર્મચારીઓને અન્યાય ના થાય તે માટે કમીટી બનાવવામાં આવી છે.

યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓને વહેલી તકે ફરજ પર હાજર થવા માટેની સૂચનાઓ આપી છે, નહિ તો તેમની સામે પગલા ભરવામાં આવશે. હંગામી કર્મચારીઓના કોન્ટ્રાકટ પ્રમાણે તેમને કામગીરીમાંથી છૂટા પણ કરી શકાય છે. જેથી કર્મચારીઓને ગર્ભીત ચીમકી પણ આપવામાં આવી છે. જેના પગલે રોષ જોવા મળી રહ્યો છે. યુનિવર્સીટીને સિન્ડિકેટે પણ સરકારના પરિપત્રમાં હા પાડીને આઉટસોર્સીંગની મંજૂરી આપી છે.

હંગામી કર્મચારીઓને આઉટ સોર્સિંગના ભરોસે છોડી દેવાતાં રોષ વધુ ભભૂક્યો
યુનિવર્સિટીમાં હંગામી ધોરણે કાર્યરત એવા પણ કર્મચારીઓ છે કે જેઓ એક દાયકા ઉપરાંતના સમયથી યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આવા હંગામી કર્મચારીઓને હવે આઉસોર્સિંગના ભરોસે છોડી દેવામાં આવ્યા છે. સિન્ડિકેટની બેઠકમાં પણ હંગામી કર્મચારીઓન ે આઉટસોર્સિંગથી ભરતી કરવાના સરકારના પરિપત્રને મંજૂરી આપી દેવામાં આવી હતી. જેને પગલે પણ કર્મીઓમાં રોષ જાગ્યો છે.

સતત બીજા દિવસે હડતાળ, લેબર કમિશનરને રજૂઆત
એમ.એસ. યુનિવર્સિટીના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓની હડતાળ સતત બીજા દિવસે યથાવત્ રહી હતી. કર્મચારીઓએ કામગીરીથી અલિપ્ત રહી હેડ ઓફિસ ખાતે ધરણાં કર્યા હતા. બીજી તરફ કર્મચારીઓને લેબર કમિશનર કચેરીના અધિકારીને પણ પોતાના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...