સર્જરી:કિશોરીનું પેટ ગર્ભાવસ્થાની જેમ ફૂલી ગયું,સર્જરી કરી 5 કિલોની ગાંઠ કઢાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 લાખે 3 દર્દીમાં જોવા મળતી ઓવેરિયન ટ્યૂમરનું નિદાન
  • વારસિયા રિંગ રોડ પર આવેલી હોસ્પિટલમાં સર્જરી કરાઈ

શહેરની 17 વર્ષની કિશોરીને અંડાશયમાં ગાંઠનું નિદાન થતાં વારસિયા રિંગ રોડ પર આવેલી હોસ્પિટલમાં તબીબોએ સફળ સર્જરી કરી 5 કિલોની ગાંઠ કાઢી હતી. દર 1 લાખ મહિલાઓ પૈકીની 3 મહિલાઓને આ પ્રકારની ગાંઠની બીમારી થતી હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં રહેતી 17 વર્ષની લતા (નામ બદલ્યું છે) નામની કિશોરીને છેલ્લા 2 મહિનાથી પેટ વધવાની સમસ્યા ઉદભવી હતી. જોકે તેને પેટમાં કોઈ પણ જાતનો દુખાવો થતો ન હતો. ગર્ભાવસ્થામાં જે રીતે પેટ ફૂલી જાય તે પ્રકારે પેટ ફૂલી જતાં ખુદ લતા અને તેના પરિવારજનો આશ્ચર્યમાં મૂકાયા હતા.

ગત સપ્તાહે તેણીને પેટમાં દુખાવો ઊપડતાં વારસિયા રિંગ રોડ પર આવેલી નીતા મેટરનિટી એન્ડ ગાયનેક હોસ્પિટલમાં તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેની તપાસ કરાતાં તેના સોનોગ્રાફી રિપોર્ટમાં ગર્ભાશયની બાજુમાં આવેલા અંડાશયમાં 30 સેન્ટિમીટરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. આ ગાંઠ પેટમાં ચારેય તરફ ફેલાયેલી હતી. ગાંઠ કાઢવાની પ્રક્રિયા જટિલ હોવા છતાં ગાઇનેકોલોજિસ્ટ નીતા રંગવાણી અને હેમંત રંગવાણીએ સફળ સર્જરી કરી હતી. 2 કલાકની સર્જરી દરમિયાન અંડાશયમાંથી 5 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી.

આ સર્જરી બાદ લતા સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ ગાંઠને મેડિકલની ભાષામાં ઓવેરિયન ટ્યૂમર કહે છે. આ પ્રકારની ગાંઠ દર 1 લાખમાં 3 મહિલાઓને થતી હોય છે. હોર્મોનલ ચેન્જીસના કારણે આ પ્રકારની નાની-મોટી ગાંઠ થતી હોય છે, જેને દવાઓ દ્વારા પણ દૂર કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...